સમાચાર

નવી દિલ્‍હીનાં ચૂંટણી પરિણામોએ ભાજપનાં ચાણકયની બોલતી બંધ કરી : લાઠી-બાબરાનાં ધારાસભ્‍યનો ટોણો

નવી દિલ્‍હીનાં ચૂંટણી પરિણામોએ ભાજપનાં ચાણકયની બોલતી બંધ કરી

લાઠી-બાબરાનાં ધારાસભ્‍યનો ટોણો

અમરેલી, તા. 13

લાઠીનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મરે અત્રે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ રાજનીતિના કહેવાતા ચાણકય અમિત શાહની બોલતી બંધ કરી નાખી છે. એટલું જ નહીં મોં બતાવી શકે એવી સ્‍થિતિ પણ રહેવા દીધી નથી.

વધુમાં જણાવ્‍યું કે, લોકસભા અને રાજયસભામાં વિવાદીત નાગરિકતા સંશોધન કાનૂન પાસ કર્યા પછી યોજાયેલ દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીથી માંડીને ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ સહિત કેન્‍દ્રના લગભગ તમામ પ્રધાનોઅને સેંકડોની સંખ્‍યામાં સંસદ સભ્‍યોએ બહુ જ આક્રમક પ્રચાર કર્યો, એડી ચોટીનું જોર લગાવ્‍યું, સરકારી મશીનરીનો બેફામ દુરૂપયોગ કર્યો, હિન્‍દુ મતદારોને રાજી રાખવા લઘુમતી વિરૂઘ્‍ધ વારંવાર ઝેર ઓકવામાં આવ્‍યું અને રીતસર નફરતનું વાતાવરણ ઉભું કરવામાં આવ્‍યું. પરંતુ રાજનીતિને ખૂબ જ નજીકથી જોનારા દિલ્‍હીના શાણા મતદારોએ ભાજપની વિભાજનકારી રાજનીતિને ફગાવી દઈ મોદી અને શાહનો ઘમંડ ઉતારી નાખ્‍યો છે.

વધુમાં એમ પણ જણાવ્‍યું કે, દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીમાં રાજનીતિના કહેવાતા ચાણકય અમિત શાહે ખૂબ જોરશોરથી ભાગ લીધો હતો અને વિવાદીત નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં શાહીનબાગમાં મુસ્‍લિમ મહિલાઓના ધરણા-પ્રદર્શનને મુખ્‍ય મુદો બનાવી સાંપ્રદાયિક મતોનું ધ્રુવીકરણ કરવા એડી ચોટીનું જોર લગાવ્‍યું હતું, સીએએની વાતો એટલી હદ સુધી કરી હતી કે મતદાન મથકમાં ઈવીએમનું બટન એટલું જોરથી દબાવશો કે તેનો કરંટ શાહીનબાગ સુધી પહોંચે, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીને કેજરીવાલ વિરૂઘ્‍ધ અમિત શાહ વચ્‍ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ બનાવી દીધો હતો. પરંતુ મેં આગળ જણાવ્‍યું તેમ રાજનીતિને ખૂબ જ નજીકથી જોનારા દિલ્‍હીના શાણા મતદારોએ રાજનીતિના કહેવાતા ચાણકય અમિત શાહની તમામ વ્‍યુહરચનાઓને નિષ્‍ફળપુરવાર સાબિત કરી છે.

અંતમાં જણાવ્‍યું કે, જમ્‍મુ- કાશ્‍મીરને વિશેષ દરજજો પ્રદાન કરતી કલમ 370નાં એક ઝાટકે નાબૂદ કરી શકતી મોદી સરકાર શાહીનબાગમાં મુસ્‍લિમ મહિલાઓના ધરણા- પ્રદર્શનને કારણે રસ્‍તો બ્‍લોક થવાથી લાખો લોકોને દરરોજ વેઠવી પડતી પરેશાનીના ગુસ્‍સાનો મતના સ્‍વરૂપમાં લાભ ખાટવા, મોદી સરકાર જાણી જોઈને રાજકીય બદઈરાદાથી ધરણા-પ્રદર્શન પર બેઠેલા લોકોને હટાવતી ન હતી. મોદી સરકારની આ ગણતરી પણ ખોટી પુરવાર થઈ છે તેમ અંતમાં  વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતું.

error: Content is protected !!