સમાચાર

રાજયપાલની ઉપસ્‍થિતિમાં ગ્રામ સેવા કેન્‍દ્ર લોકશાળા ખડસલી ખાતે કિશાન સંમેલન યોજાયુ

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમરેલી જિલ્‍લાના ખડસલી ગ્રામસેવા કેન્‍દ્ર લોકશાળા ખાતે કિશાન સંમેલનમાં ઉદબોધન કરતા જણાવ્‍યું હતું કે, મહાત્‍માં ગાંધીજી અને સરદાર વલ્‍લભભાઈ પટેલની ગુજરાતની ભૂમિ ખરેખર મહાપુરૂષોની ભૂમિ છે. ગુજરાતમાં વસતા નાગરિકો ખુબ જ સાંત્‍વિક, ધાર્મિક અને ખુબ જ કર્મનિષ્ઠ છે. જેમનો ભારત દેશને આગળ વધારવામાં મોટો સિંહફાળો છે. રાજયપાલએ ગાંધીજીના વિચારોને વ્‍યવહારમાં ઉતારી શિક્ષણક્ષેત્રે પાયાનું કાર્ય કરતી ખડસલી લોકશાળાની શિક્ષણની કામગીરીને બિરદાવતા ઉમેર્યુ હતું કે, આ સંસ્‍થા શિક્ષણની સાથે શ્રમ અને કર્મના વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ સમાજના સાચા નાગરિક બને તે માટે ભગીરથ કાર્ય કરે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્‍વ સમજાવતારાજયપાલએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા કેટલાક દાયકાઓથી આપણા ખેડૂતમિત્રો રાસાયણીક ખેતી તરફ વળ્‍યા હોવાથી દિવસે દિવસે ઉત્‍પાદન ઘટી રહયું છે. જેના લીધે ખેડૂતોને કરજના બોજ નીચે જીવવું પડે છે. આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો બ્‍લડપ્રેશર, હૃદયરોગ, કેન્‍સર જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે. પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્‍પાદન પણ બમણું થશે અને દેશને ઝેરયુકત આહારની જગ્‍યાએ પોષણયુકત આહાર આપી શકશે. આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્‍થિતિ પણ સુધારો થશે. આમ, જો જગતનો તાત સુખી થશે તો આખો દેશ સુખી થશે. મકરસંક્રાંતિના પાવન અવસરે રાજયપાલએ સંસ્‍થાની ગૌ-શાળાની મુલાકાત લઈ ગાયમાતાની પુજા કરી સંચાલકો સાથે વિસ્‍તારમાં વાતો કરી હતી. આ પ્રસંગે અગ્રણી સર્વ કપિલભાઈ શાહ અને મનસુખભાઈ સુહાગીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં લોકશાળા સંસ્‍થાના સંચાલક મનુભાઈ મહેતાએ ઉપસ્‍થિત સૌનું શાબ્‍દિક સ્‍વાગત કરી સંસ્‍થાનો પરિચય આપ્‍યો હતો. અશ્‍વિનભાઈ ત્રિવેદીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી વી.વી. વઘાસિયા, જિલ્‍લા કલેકટર આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય, પ્રાંતઅધિકારી આર.આર.ગોહિલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્‍યામાં ખેડૂતમિત્રો ઉપસ્‍થિત રહયાં હતાં.

error: Content is protected !!