સમાચાર

અમરેલી ખાતે પૂર્વ ધારાસભ્‍યોની મહત્ત્યવની બેઠક યોજાઇ

અમરેલી જિલ્‍લાના પૂર્વ ધારાસભ્‍યોની એક બેઠક અત્રેના કડવા પટેલ સમાજની વાડીમાં મળી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના મળી લગભગ 17 જેટલા પૂર્વ ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહયા હતા અને અમરેલી જિલ્‍લાના વિકાસ માટે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હોવાનું બહાર આવવા પામેલ છે. અમરેલી જિલ્‍લાના જાણીતા ઉદ્યોગપતિ અને પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઇ મેતલીયા દ્વારા અમરેલીના પૂર્વ ધારાસભ્‍યોમાટે એક બેઠકનું આયોજન કડવા પટેલ સમાજની વાડી ખાતે રવિવારે બપોરે યોજવામાં આવ્‍યું હતુ. આ યોજાયેલ બેઠકમાં અમરેલી જિલ્‍લાના વિકાસ માટે શું શું કરી શકાય તેની ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્‍યું હતુ. જો કે, આટલી મોટી સંખ્‍યામાં ભાજપ-કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય એકત્રીત થયાની વાત જાહેર થતા અમરેલી જિલ્‍લાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામેલ છે. જો કે, આ મળેલી બેઠકનો ગુપ્‍ત એજન્‍ડા શું હોય શકે તે બહાર આવી શકેલ નથી. આ બેઠકમાં લાઠી-લીલીયાના પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઇ મેતલીયા, બેચરભાઇ ભાદાણી, વાલજીભાઇ ખોખરીયા, બાવકુભાઇ ઉંધાડ, કનુભાઇ ધોરાજીયા, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણી, વી.વી. વઘાસીયા, મહુવાના પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઇ કલસરીયા, કોડીનારનાપૂર્વ ધારાસભ્‍ય ધીરસિંહ બારડ, ધારીના મનસુખભાઇ ભુવા સહિતના 17 જેટલા ધારાસભ્‍યો એકત્રીત થયા હતા.

error: Content is protected !!