સમાચાર

ઘણા વર્ષો બાદ મેઘરાજા મહેરબાન બનતા અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં આવશે ‘‘અચ્‍છે દિન”

4 લાખ હેકટરમાં કપાસ અને 1 લાખ હેકટરમાં મગફળીનું થયું છે વાવેતર

સરકારની કોઈ મદદ નથી પરંતુ મેઘરાજાની મહેરબાનીથી જ સારૂ ઉત્‍પાદન થશે

અમરેલી, તા. 14

અમરેલી જીલ્લો આમ તો ખેતીપ્રધાન જીલ્લો છે. જીલ્લાનું અર્થતંત્ર ખેતી પર જ આધારિત છે પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી નબળા ચોમાસાના કારણે ખેતી કરવી ખુબ દોહ્યલી બની ગઈ હતી. પરંતુ આ વર્ષે સમયસર અને સચરાચર વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહયા છે. એક અંદાજ મુજબ જો સાનુકુળ વાતાવરણ જળવાય રહ્યું તો વર્ષો બાદ ખેડૂતોના ઘેર ખેત જણસોના ઢગલા થશે અને ખેતી કરતા ખેડૂતો થઈ જશે માલામાલ.

અપૂરતા વરસાદ અને પ્રતિકુળ વાતાવરણના કારણે ખેતીના વ્‍યવસાયમાં છેલ્લા કેટલાક વર્ષોથી નુકસાની ભોગવતા અમરેલી જીલ્લાના ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહયા છે. કારણ કે ઘણા વર્ષો બાદ આ વર્ષે સમયસર વાવણીલાયક વરસાદ થયો અને ત્‍યારબાદ કપાસ અને મગફળી જેવા પાકને સાનુકુળ વાતાવરણ પણ છે. અમરેલી જિલ્લામાં કુલ સાડા પાંચ લાખ હેકટરના વાવેતરમાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર થયું જેમાં ચાર લાખ હેકટરમાં કપાસ અને 1 લાખ 1ર હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. આવતાદિવસોમાં પણ આ પ્રકારના સાનુકુળ વાતાવરણ સાથે એકાદ બે સારા વરસાદ વરસી જાય તો જીલ્લાના ખેડૂતો માલામાલ થઇ જશે તેમાં કોઈ શંકાને સ્‍થાન નથી. ત્‍યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના ખેડૂત કનુભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે સમયસર અને સારા વરસાદના કારણે ખેતીનું ભવિષ્‍ય ઉજવળ દેખાઈ છે.  આજે તેના ખેતરોમાં કપાસ અમે મગફળી રૂપે કાચું સોનું લહેરાય રહ્યું છે.

80 વિઘાની ખેતીમાં 60 વિઘામાં કપાસ અને ર0 વિઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. વહેલી સવારે પાંચ વાગ્‍યામાં જાગીને ખેતીના પાક માટે પરસેવો પાંડવો પડે છે તો આ વર્ષે ખેતીમાં ખુબ જ સારી સ્‍થિતિ એટલા માટે છે કે આ વર્ષે ખુબ જ સમયસર એટલે કે ભીમ અગિયારસના દિવસે 1ર જુને વાવણીલાયક વરસાદ થયો અને સમયાંતરે સારો વરસાદ પડતો રહ્યો છે. આ સિવાય માત્ર વરસાદ જ નહિ પણ ખેતી માટે સાનુકુળ વાતાવરણ પણ છે. જયારે રાત્રીના ભૂંડ, રોઝના ત્રાસનો પણ ઉપાડો હોવાનું ખેડૂતે જણાવ્‍યું હતું. તો ગયા વર્ષે કપાસમાં 400 મણ જ કપાસ થયો હતો તો આ વર્ષે 1ર00 મણ ઉતારો આવે તેવું જોવા મળે છે ને લેણામાંથી બહાર નીકળે તેવું ખેડૂત જણાવે છે.

હાલ કપાસ અને મગફળીના પાકથી ખેડૂતો સારા વરસાદથી તરોતાજા થઈ ગયા છે 60 વિઘામાં પિતા કનુભાઈપટેલ કપાસની ખેતીસંભાળે છે તો દીકરો ર0 વિઘાની મગફળીની ખેતી સંભાળે છે.

મગફળીમાં ઓછો ખર્ચો આવે છે તો કપાસમાં ખર્ચો વધુ આવે છે હાલ નિંદામણ અને સાતી ચાલુ છે ને હમણાં જે છેલ્લો વરસાદ આવ્‍યો તેનાથી ખુબ મોટો ફાયદો થયો છે. અગાઉના વર્ષ તો એટલી હદે નબળા હતા જયારે આ વખતે કપાસ અને મગફળી અમરેલી જીલ્લાના મુખ્‍ય પાકો છે. જીલ્લામાં 4 લાખથી વધુ હેકટર જમીનમાં કપાસનું અને એક લાખથી વધુ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જીલ્લા ખેતીવાડી અધિકારીના સત્તાવાર આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દોઢ ગણો વરસાદ વરસી ચુકયો છે. જેમાંથી લાઠી તાલુકામાં તો સો ટકાથી પણ વધુ વરસાદ વરસી ચુકયો છે અને સમગ્ર જીલ્લામાં અંદાજીત 71 ટકા વરસાદ વરસી ચુકયો હોવાના કારણે ખેતી ખુબ જ સારી છે. જીલ્લા ખેતીવાડી અધિકારીનું માનવું છે કે આગામી દિવસોમાં પણ સાનુકુળ વાતાવરણ રહેશે તો કપાસ અને મગફળી નું મબલખ ઉત્‍પાદન આવશે.

ત્‍યારે અમરેલી જિલ્લામાં કુલ થયેલ વાવેતરના આંકડા પર નજર નાખીએ તો, કપાસ- 4,0ર,9રર હેકટરમાં, મગફળી-1,1ર,909 હેકટરમાં, ઘાસચારો-ર3,703 હેકટરમાં, તલ-3686 હેકટરમાં, તુવેર-1પ09 હેકટરમાં, મગ- ર049 હેકટરમાં, અડદ-1394 હેકટરમાં, બાજરી-રર38 હેકટરમાં, શાકભાજી-4798 હેકટરમાં, કુલ પ,પ6,ર66હેકટરમાં થયેલા વાવેતરમાં કપાસ અને મગફળીનું બમ્‍પર વાવેતર થયું છે.

અમરેલી જિલ્‍લાના જળાશયોની જો વાત કરીએ તો સારા વરસાદથી ડેમોમાં એટલી આવક તો નથી થઈ છતાં હાલની જે અમરેલી જિલ્‍લા 10 જળાશયોની સ્‍થિતિ પર નજર નાખીએ તો, ખોડિયાર ડેમ પ3.4948 ફૂટ, ઠેબી ડેમ 7.ર16 ફૂટ, ધાતરવડી ડેમ-1 6.4944 ફૂટ, ધાતરવડી ડેમ-ર નીલ, રાયડી ડેમ 6.396 ફૂટ, વડીયા ડેમ 10.168 ફૂટ, વડી ડેમ 7.708 ફૂટ, શેલ દેદુમલ ડેમ નીલ, મુંજીયાસર ડેમ 17.49પપર ફૂટ, સૂરજવડી ડેમ 11.0પ36 ફૂટ પાણી.

અમરેલી જીલ્લામાં જે ગત અઠવાડિયે વરસાદ પડયો તે ખુબ જ ઉપયોગી સાબિત થશે. લાઠી તાલુકામાં સો ટકા ઉપરાંતનો વરસાદ છે. માત્ર રાજુલા અને જાફરાબાદ તાલુકા એવા છે જયાં પ0 ટકા આસપાસનો વરસાદ છે. વરસાદ ખુબ જ સમયસર અને સારો હોવાના કારણે ખેતી માટે ખુબ જ ફાયદાકારક છે પણ સિંચાઈ માટે સરકાર દ્વારા ખેડૂતોને પાણીની સુવિધાઓ ઉપલબ્‍ધ ન હોવાનો ખેડૂતોને વસવસો છે. પણ ઓણસાલ ઉત્‍પાદન પણ અઢળક થાય એવું છે નબળા ચોમાસા અને દિવસે દહાડે મોંઘી થતી જતી ખેતીના કારણે અમરેલી જીલ્લાના ખેડૂતો હંમેશા ઉદાસ અને ચિંતામાં જોવા મળતા હતા પરંતુ આ વર્ષે ખેતી ખુબ જ સારી હોવાના કારણે ખેડૂતોના ચહેરા પર અલગ જ રોનક જોવા મળી રહી છે. આગામીદિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જળવાય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.

error: Content is protected !!