સમાચાર

બાબરા પંથકમાં તસ્‍કરોએ હાહાકાર મચાવ્‍યો

સતત ચોરીનાં બનાવોથી જનતા જનાર્દનમાં રોષનો માહોલ

બાબરા પંથકમાં તસ્‍કરોએ હાહાકાર મચાવ્‍યો

ઊંટવડ ખાતે ધાર્મિક સ્‍થળે ચોરીનો બનાવ બનતા ધાર્મિકજનોમાં નારાજગી

બાબરા, તા. 13

બાબરા તાલુકામાં તસ્‍કરરાજ હોય તેમ છેલ્‍લા દિવસોમાં ચોરી ચકારીનાં અનેક બનાવો બનવાથી જનતા જનાર્દનમાં ભય વ્‍યાપ્‍યો છે. સાથો સાથ ચોરીના બનાવો બાદ પોલીસ તંત્ર નમાલી પુરવાર થતી હોય તેમ તસ્‍કરો ઝડપી પાડવામાં નાકામ સાબિત થાય છે.

મળતી વિગત મુજબ ઉંટવડ ગામે પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ જેઠવા દરજી પરિવારના કુળદેવી વીજાસણ માતાજીના મંદિર(મઢ)માં ગત મોડી રાત્રે તસ્‍કરો દીવાલ ટપી માતાજીના મંદિરનું તાળુ તોડી અને અંદાજીત બે કિલોનું ચાંદીનું છતર સહિત નાના 100 જેટલા ચાંદીના છતર સહિત એક સોનાના આભુષણની ચોરી કરી લઈ ગયાનું પૂજારી ઘ્‍વારા જણાવવામાં આવ્‍યું છે અને જેની બજાર કિંમત દોઢ લખા ગણાવી રહૃાાં છે.

મંદિર પરીસરના મકાનમાં રહેતા પૂજારી દંપત્તિ રાત્રે નિત્‍યકર્મ પતાવી સુતા બાદ તસ્‍કરો પોતાનો કસબ અજમાવી ચોરીને અંજામ આપ્‍યો હતો અને સવારે સાત કલાકે પૂજા-આરતી માટે ગયેલા પૂજારી બાબુભાઈ રામજીભાઈ હિંગુને જાણ થતાં પોલીસમાં જાણ કરતા મોડી સાંજે પોલીસ વર્તુળ તપાસ અર્થે દોડી ગયા છે.

અત્રે યાદ રહે કે થોડા મહિના પહેલા ઉંટવડ ગામના મહિલા સરપંચ પરિવારના મકાનમાં ધાડપાડુ ત્રાકી અને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી અંધારમાં પલાયન થયા હતા અને આજ દિવસ સુધી આ લૂંટારૂ ટોળકી પોલીસ ગીરફતમાં આવી નથી. બાબરા તાલુકાના ચમારડી ગામે ગત તા. ર4નાં રોજ વસ્‍તરપરા પરિવારના માતાજીના મંદિરમાં દોઢ કિલો ચાંદીના છતરની ચોરી સહિત જામબરવાળા ગામે ઘરફોડ ચોરી, સોના-ચાંદીના દાગીનાની ચોરીનાં બનાવ સહિત નોંધપાત્ર ગણાતા સરકારી તેજુરી કચેરીમાંથી કોર્ટ કેશ બેગની લાખોના મુદામાલની ધોળા દિવસે થયેલી ચોરી સહિતની અનેકચોરી અંગે બાબરા પોલીસ આજ દિવસ સુધી ભેદ ઉકેલવામાં નિષ્‍ફળ નીવડી છે. ત્‍યારે પોલીસ ઉપર જનતાનો વિશ્‍વાસ ડગમગી રહૃાાનું અને પોલીસ કામગીરી ગોકળ ગાયની ગતિમાં ચાલતી હોવાનું જાણવા મળે છે. ગ્રામ્‍ય પંથકમાં જીઆરડી જવાનોને પુરતા દિવસો માટે નોકરી આપવામાં આવે અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રાત્રી નાઈટ રોન વધારવાની જરૂર હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!