સમાચાર

બાબરાનાં શ્રી ઉત્‍કર્ષ મહિલા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 160 મહિલાઓને રાહતદરે તીર્થયાત્રાકરાવાઈ

સ્‍ત્રી સશકિતકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે શ્રી ઉત્‍કર્ષ મહિલા સંઘ બાબરાના મંજુલાબેન શાહ અને મધુબેન સાંગાણીએ સૌ પ્રથમ પહેલ કરી, બાબરાના સાતેય વોર્ડમાંથી ચુનંદા બહેનોને આહવાન કર્યુ અને એકી અવાજે 160 બહેનોનો વિશાળ કાફલો એકત્ર થઈ ગયો. આ જાંબાઝ બહેનોને સમાજની સમગ્ર પરિસ્‍થિતિથી વાકેફ કરી ઝીંદાદિલ બનવા માટે પ્રોત્‍સાહિત કર્યા. પરિણામ સ્‍વરૂપે આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અંબાજી, ઘેલા સોમનાથ, સતરંગ, નિલેશ્‍વર, કડુકા, જસદણ, નાની સતાધાર અને છેલ્‍લે ભૂરખીયા દાદાની પાવન પૂણ્‍ય જગ્‍યાએ બધા બહેનોએ ભાવ, ભકિત, ભોજન સાથે આનંદ વિભોર બની અહોભાવ વ્‍યકત કર્યો. જસદણ મુકામે હવેલીમાં હિંડોળા દર્શન, ચુંદડી મનોરથ અને ખીચડી ખેલનો મહામૂલો લાભ લઈ અંતરની ખુશી અનુભવી. આ તકે મંજુલાબેન શાહ અને મધુબેન સાંગાણીના ઉત્‍કૃષ્‍ટ પ્રયાસો તથા સંતોષકારક પ્રવૃતિઓ દ્વારા દરેક બહેનોએ સંપૂર્ણ સહકાર આપ્‍યો. જેમાં મીતાબેન મહેતા, ગીતાબેન વણજારા, સુમિતાબેન રાસડીયા, વૈશાલીબેન દેવમુરારી વગેરેએ બન્‍ને બસના બહેનોના કાફલાને કોઈપણ જાતની મુશ્‍કેલી કે મૂંઝવણ વગર આનંદોત્‍સવ સાથે આ યાત્રામાં સંપૂર્ણ જવાબદારી ઉઠાવી. આ પખવાડિયા દરમિયાન બહેનોની દરેક ગતિવિધિઓને આવરી લેતી અનેક જાતના અવનવા પ્રયોગો,પ્રવૃતિઓ, સ્‍પર્ધાઓ, રમતો અને યાત્રા પ્રવાસો દ્વારા બુઘ્‍ધિ શકિત તથા હસ્‍તકૌશલ્‍ય ખીલવવાના પ્રયત્‍નો હાથ ધર્યા છે. જેમાં સરકારી નિયમો કાયદાની સંપૂર્ણ માહિતી, માર્ગદર્શન અને સમજ તથા અંધશ્રઘ્‍ધા, કુરિવાજ, કુપોષણ, ઘરેલું ઝગડા (હિંસા) વગેરે માનસિક મનોદશાને તિલાંજલી આપવી તથા પરમાર્થ અને દયાળુ ભાવનાને વિકસાવી નીડર અને બહાદૂર બનવા પ્રેરકબળ આપવું. ઉપરોકત બન્‍ને નિવૃત શિક્ષિકા બહેનો તન, મન, ધન અને સમયનો ભોગ આપી મહિલાઓના દિલ જીતવા અને આશિર્વાદ મેળવવા યશભાગી બન્‍યા છે. ગામો ગામ સ્‍ત્રીશકિતના બુલંદ અવાજથી વાદ વિવાદો, કુંઠિત મનોદશા વગેરેમાંથી બહાર નીકળી સ્‍વચ્‍છ, પ્રતિષ્ઠિત અને સંતોષકારક જીવન જીવવાની હાકલ કરી રહયા છે. આ માટે યાત્રા પ્રવાસ દ્વારા અન્‍ય સ્‍થળોએ પ્રચાર અને પ્રસાર માટે જવાનું થશે તો પણ આ હિંમતવાન બહેનો તન-મન-ધન અને સમયના ભોગે પણ અચુક સહકારની ભાવના કેળવશે જ એવી આશા, અપેક્ષા અને અભિલાષા છે.

error: Content is protected !!