સમાચાર

અમરેલી સિવિલ હોસ્‍પિટલ પાછળનાં રોડ પર પાણી વચ્‍ચે વીજ પ્રવાહ લીંક

વીજ ફોલ્‍ટનો ફોન બાજુમાં મુકી દેવાતા કલાકો સુધી અફડા-તફડી

અમરેલી સિવિલ હોસ્‍પિટલ પાછળનાં રોડ પર પાણી વચ્‍ચે વીજ પ્રવાહ લીંક

અનેક બાઈક પડયાં : શોક લાગતા લોકો ગાડીમાંથી ઉછળ્‍યાં

અમરેલી, તા.1

અમરેલીમાં સિવિલ હોસ્‍પિટલની પાછળથી પસાર થતાં રોડ પર ચોમાસા ભરેલા પાણીની વચ્‍ચે વીજ પ્રવાહ લીંક થતાં ભારે કટોકટી ભરેલી સ્‍થિતિ સર્જાઈ હતી. અને ભૂલથી જમીન પરથી પગ મુકી દેવાની સાથે જ અનેક બાઈકના ચાલકોને વીજ શોકથી ઝટકા અનુભવાયા હતા.

આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં સિવિલ હોસ્‍પિટલની પાછળથી પસાર થતાં રેડક્રોસ ભવનની બાજુનાં મુખ્‍ય રોડ પર ઠેર-ઠેર ઉંડા ખાડાઓ અને વરસાદી પાણીના ભરાવાનાકારણે આખા રોડ પર પાણી ભરાઈ ગયું હતું અને ગારાના કારણે રાબડી જામી હતી. રોડના કાંઠે આવેલ પીજીવીસીએલના સબ સ્‍ટેશનમાંથી વીજ પ્રવાહ લીંક થવાના કારણે તે રોડ પરના પાણી સાથે મળી જતાં અફડા-તફડી સર્જાઈ હતી. રોડ પરથી અનેક વાહનો પસાર થતાં હોવાથી ભૂલથી જમીન પર પગ મુકી દેવાની સાથે જ વીજશોક લાગતા લોકો પોતાના વાહન સાથે ઉછળ્‍યાં હતા. અમુક વાહન ચાલકો તો રોડ પર જ પોતાનું વાહન મુકીને કુદી ગયાં હતા. રોડની સામેની સાઈડમાં ખુબ જ સાંકડી જગ્‍યામાં પાણી ભરાયેલું હતું. ત્‍યાંથી લોકો ચાલવા માટે લોકો મજબૂર બન્‍યાં હતા.

લોકો દ્વારા ઘટના સ્‍થળેથી પીજીવીસીએલને કોલ કરવામાં આવ્‍યાં હતાં પણ ફોલ્‍ટ રિપેરીંગનો નંબર બાજુમાં મુકી દીધો હોવાના કારણે લાંબા સમય સુધી કોઈ સંપર્ક થઈ શકયો નહોતો અને તેના કારણે કલાકો સુધી પીજીવીસીએલની ટીમ ન ફરકતાં અફડા-તફડી મચી ગઈ હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલાં જ અમરેલી સિવિલ હોસ્‍પિટલમાંથી વીજ વાયર હટાવવા અંગેનો અહેવાલ આ અખબારમાં પ્રસિઘ્‍ધ પણ થયો હતો.

error: Content is protected !!