સમાચાર

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી

શહેરીજનોએ અધિક કલેકટર સમક્ષ રજુઆત કરી

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી

શહેરનો કેરિયારોડ પાલિકા કે માર્ગ-મકાન વિભાગ હસ્‍તક છે કે નહી તે નકકી થતું નથી

શહેરનાં રહેણાંક વિસ્‍તારોમાં કાચા માર્ગોથી સ્‍થાનિકોમાં ભારે રોષ ઉભો થયો

અમરેલી, તા. 18

અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી થયા બાદ અનેક વિસ્‍તારોમાં માર્ગોની હાલત અતિ બિસ્‍માર બની ચૂકી છે, નેતાઓ દિવસરાત વિકાસ, વિકાસ અને વિકાસની ગુલબાંગો ફેંકી રહૃાા છે, અને બીજી તરફ, જિલ્‍લા કક્ષાનું શહેર નર્કાગારની સ્‍થિતિમાં આવી ચૂકયુ હોય, શહેરીજનોએ આજે અધિક કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી.

અમરેલી શહેરમાં આવેલકેરીયા માર્ગની હાલત અતિ દયનીય બની છે. રેલ્‍વે ક્રોસીંગથી બાયપાસ સુધીનો માર્ગ અતિ ભયજનક બની ગયો છે, પાલિકા કહે છે કે આ માર્ગ અમારા હસ્‍તક નથી અને માર્ગ-મકાન વિભાગ કહે છે કે આ માર્ગ અમારા હસ્‍તક નથી, હવે આ માર્ગ કયાં વિભાગનો છે, તે નક્કી થતું નથી.

જે અંતર્ગત આજે પાલિકા બાંધકામ સમિતીનાં ચેરમેન કોમલબેન રામાણી, સંજય રામાણી, શરદ ધાનાણી વિગેરે અધિક કલેકટરને કેરીયા માર્ગની સમસ્‍યા દૂર કરવા રજૂઆત કરી હતી.

જો કે અધિકારીઓએ, રાબેતા મુજબ યોગ્‍ય કરવાની ખાત્રી આપતાં મામલો શાંત થયો હતો.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે શહેરમાં સેંકડો માર્ગો ભયજનક બન્‍યા હોય સ્‍થાનિકોમાં પાલિકાનાં શાસકો સામે ભારે નારાજગી જોવા મળે છે, પરંતુ, ધારાસભ્‍ય, સાંસદ કે ઉચ્‍ચ અધિકારીઓ કોઈ મદદ કરતાં ન હોવાનો અફસોસ શહેરીજનો દર્શાવી રહૃાા છે.

error: Content is protected !!