સમાચાર

અમરેલી ખાતે પંદરમો કૃષિ મહોત્‍સવ યોજાયો

રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ગ્રામ્‍ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળ સંચય અને વીજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજય સરકાર ર00પથી રાજયના દરેક જિલ્લા અને તાલુકામાં કૃષિ મહોત્‍સવનું આયોજન કરે છે. અત્‍યાર સુધીમાં કુલ 14 જેટલા કૃષિ મહોત્‍સવ સફળતાપૂર્વક ઉજવી આજરોજ લીલીયા રોડ પર સ્‍થિત ખેડૂત તાલીમ કેન્‍દ્ર અમરેલી ખાતે પંદરમો કૃષિ મહોત્‍સવ યોજાયો હતો. કૃષિ મહોત્‍સવનો પ્રારંભ કરાવતા મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ કહ્યું હતું કે, રાજય તેમજ કેન્‍દ્ર સરકારની નીતિ હંમેશથીખેડૂતો માટે સંવેદનશીલ રહી છે. કૃષિ મહોત્‍સવ એ રાજયના અત્‍યંત મહત્‍વાકાંક્ષી કાર્યક્રમો પૈકીનો એક છે. ગુજરાત સરકારનો આ કાર્યક્રમે આખા દેશમાં એક આગવું સ્‍થાન મેળવ્‍યું છે. રૂપાલાએ ખેડૂતમિત્રોને સંબોધતા કહ્યું હતું કે આમ તો આ વાયુ વાવાઝોડું આવ્‍યું હોત તો અમરેલી માટે ખુબ જ વિનાશકારી સાબિત થવાનું હતું પરંતુ તે બીજી દિશામાં ફંટાતા અમરેલી જિલ્લાને વાવણીલાયક વરસાદ આપતું ગયું છે. જે અમરેલી જિલ્લાના ખેડૂતોને ખુબ જ ફાયદાકારક નીવડશે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, કૃષિ મહોત્‍સવ દરમિયાન અવનવી ખેતીની પદ્ધતિઓ, ઉચ્‍ચતર બિયારણો, સફળ ખેતીના નવા સંશોધનો અને જુદા જુદા પ્રકારના ખેતીલક્ષી પ્રયોગોની માહિતી જિલ્લા અને તાલુકાના એકે એક ખેડૂત સુધી પહોંચે છે અને તેના થકી સમૃદ્ધ બને છે. તાજેતરમાં બનેલી નવી સરકારનો સૌ પ્રથમ નિર્ણય રૂા. 6000 ની સહાય માટે ર હેકટરની મર્યાદા દૂર કરવાનો હતો. બીજો નિર્ણય 18થી 40 વર્ષના ખેડૂતો માટે રૂા. 3000 પેન્‍શન આપવાનો છે અને ત્રીજો નિર્ણય દેશના તમામ પશુઓને સ્‍વસ્‍થ રાખવા રસીકરણ માટેની સંપૂર્ણ જવાબદારી કેન્‍દ્ર સરકારની રહેશે. આમ નવી સરકારે ત્રણ ખુબ જ અગત્‍યના નિર્ણયો ખેતી અને પશુપાલન વિષયક લીધા છે. આ કાર્યક્રમમાં મહિલાઓની વિશાળ સંખ્‍યામાં હાજરી હોવાથી મંત્રીએતમામ મહિલાઓનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજય બિન અનામત નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરાએ જણાવ્‍યું હતું કે કૃષિ માત્ર વ્‍યવસાય જ નહિ પણ દેશની એક વિરાસત પણ છે અને આપણે એ વિરાસતની જાળવણી ઘ્‍યાન આપીને કરવી જોઈએ. સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ આજે ઘરે ઘરે પહોંચી છે અને એકે એક ખેડૂત સમૃદ્ધ બન્‍યો છે. આમ આજના ખેડૂત મિત્રોનું દેશના આર્થિક વિકાસમાં  ખૂબ જ મહત્‍વનું યોગદાન છે. આ ઉપરાંત ચેરમેને ગુજરાત રાજય બિન અનામત નિગમ દ્વારા મળતી સહાયની વિસ્‍તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ જીજીબેન હાઇસ્‍કૂલની બાળાઓએ સ્‍વાગત ગીતથી થયો હતો. ત્‍યારબાદ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજય બિન અનામત નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરા, સાંસદ નારણભાઇ કાછડીયા અને પુર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીએ મંગળ દીપ પ્રાગટય કર્યું હતું. ત્‍યારબાદ જિલ્લા ખેતી અધિકારી કે.કે. પટેલે સ્‍વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી. આ પ્રસંગે સારું પ્રદર્શન કરનાર ખેડૂતોને મંત્રીઓના હસ્‍તે ચેક અને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી., ગુજરાત રાજય બીજ નિગમ, ખેતીવાડી ખાતાના આત્‍મા પ્રોજેકટ, તાલુકા હેલ્‍થ કચેરી અમરેલી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જિલ્લાગ્રામ વિકાસ એજન્‍સી, પીજીવીસીએલ, પશુપાલન, સંકલિત બાળ વિકાસ યોજના જેવા સરકારના ખાતા દ્વારા મળતી અલગ અલગ સેવાઓના માર્ગદર્શન માટે સ્‍ટોલનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં બહોળી સંખ્‍યામાં ખેડૂતમિત્રોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પી.એમ. ડોબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, પ્રાંત અધિકારી સતાણી, મદદનીશ ખેતી નિયામક ઠુંમર, કૃષિ વિભાગના વિવિધ અધિકારીઓ- કર્મચારીઓ અને બહોળી સંખ્‍યામાં ખેડૂતમિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!