Main Menu

ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી

એક અઠવાડિયાની જહેમત બાદ કાંઈ જ ન મળ્‍યું

ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી

જંગલમાંથી ચંદનનાં 30 આરક્ષિત વૃક્ષ કટીંગ થયા પણ મુદ્યામાલ પણ જપ્‍ત ન થયો : લાખોનો માલ પગ કરી ગયો

ધારી, તા.1પ

ધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્‍ડની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેન્‍ગ બેખૌફ બની 3 વાર ત્રાટકી આરક્ષીત ચંદનના 30 વૃક્ષ કટીંગ કરી લાખો રૂપિયાના ચંદન કટીંગ કરી ચોરી ગઈ હતી. જે મામલે એમ.પી.ની પરપ્રાંતીય ટોળકીના એક શખ્‍સની ધરપકડ કરી હતી. વધુ આરોપી પકડવા વન વિભાગની ટીમ મઘ્‍યપ્રદેશ ગઈ હતી પણ ત્‍યાંથી વિલા મોઢે પરત ફરી હતી.

ધારી વનવિભાગના એ.સી.એફ. ઠકકર તથા અન્‍ય સ્‍ટાફ ચંદન ચોર ગેન્‍ગના વધુ સભ્‍યોને ઝડપવા મઘ્‍યપ્રદેશના કટની જિલ્‍લામાં ગઈ હતી. એકાદ અઠવાડિયું ત્‍યાં તપાસ અને આરોપી શોઘ્‍યા બાદ પણ વન વિભાગને એક પણ આરોપી મળ્‍યો નહોતો કે ન મળ્‍યો લાખોના ચંદનનો મુદામાલ માત્ર ને માત્ર અગાઉ એક કૌશર પારધી (રહે. મઘ્‍યપ્રદેશ)ની ધરપકડ થઈ હતી. પરંતુ તેની પાસેથી પણ કોઈ મુદામાલ મળ્‍યો નહોતો. આમ ગીર પૂર્વના જંગલમાંથી 30 ચંદનના વૃક્ષો તથા રેવન્‍યુ વિસ્‍તારમાંથી પણ વ્‍યાપક પ્રમાણમાં ચંદનનાવૃક્ષોનું કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગે રીતસરનો તરખાટ મચાવ્‍યો હતો અને વન વિભાગે પડકાર ફેંકતા હોય તેમ અવાર-નવાર જંગલમાંથી ચંદનના વૃક્ષ કટીંગ કરી ચંદનના લાકડા વાહનોમાં ભરીને ભાગવામાં સફળ પણ થયા હતા. જેથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી અને વન વિભાગના ફેરણાના દાવા પોકળ સાબિત થયા હતા. દોઢેક માસથી અવિરત ચાલતી ચંદન ચોરીમાં અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહયા હતા.

સમગ્ર ચંદન કટીંગ ચોરી વ્‍યાપક પ્રમાણમાં થઈ હોય લાખો રૂપિયાના ચંદન બારોબાર પગ કરી ગયા હતા. જેમાં ખોટી સફળતા કહી શકાય તેવો માત્ર એક આરોપી ઝડપાયો છે. પરંતુ મુદામાલ કે વધુ આરોપી ઝડપાયા નથી. આ અંગે વન વિભાગની ટીમ મઘ્‍યપ્રદેશ ગઈ હતી પરંતુ ત્‍યાંથી પણ વિલા મોઢે પરત ફરી હતી.

આ મામલે એમ.પી. તપાસમાં ગયેલા એ.સી.એફ. ઠકકરે નિષ્‍ફળતા છૂપાવવા ચંદન ચોરીમાં એમ.પી. જવા અંગે કશુ કહેવાનો ઈન્‍કાર કર્યો હતો. ત્‍યારે વન વિભાગને આ બાબતે વધુ સફળતા મળે તેવું લાગતું નથી. અને ચંદન ચોરીનું રહસ્‍ય કયારેય ન ઉકેલાય તેવું લાગી રહયું છે.