Main Menu

આલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ

દિ’ઉગેને એકાદ-બે બકરાનો કોળીયો કરી જાય છે

અમરેલી, તા.1પ

સરંભડા વિસ્‍તારમાં આમ તો ઘણા સમયથી દીપડાનો વસવાટ છે. માલધારીઓ તથા સીમમાં રહેતા મજૂરોના પશુઓને દીપડો અવાર-નવાર મારીને લઈ જાય છે. અથવા તો ઈજા પહોંચાડે છે. પરંતુ છેલ્‍લા આ એક જ વીકમાં ગામના પાદરમાં આવેલી વાડીમાં ભાગીયુ રાખીને કામ કરતા અતુલ ચતુર દેવીપૂજકના બકરાઓ ઉપર ત્રાટકીને બે બકરાનો શિકાર કરેલ હતો. વાડીમાં સહુ જાગી જતા અને દેકારા પડકારા કતા દીપડો મરેલા બકરાને મૂકીને ભાગી ગયો હતો. બે દિવસ પહેલા પણ આજ મજૂરના બે બકરાને દીપડો ઉઠાવી ગયો હતો. આમ છેલ્‍લા ચાર દિવસમાં આ ગરીબ મજૂરને તેના જીવ સમાન માલઢોરને ગુમાવતા મોટી આર્થિક નુકશાની ભોગવવી પડી છે. સરંભડા ગામની સીમમાં દીપડાની રંજાડ ઘણા સમયથી છે. જંગલખાતાને પણ અનેકવાર જાણ અને રજૂઆત કરેલ છે કે આ દીપડાને તાત્‍કાલિક પકડીને જંગલમાં મૂકી આવો પરંતુ જંગલખાતુ ગંભીર હોય તેમ લાગતું નથી. સીમ વિસ્‍તારની વાડીઓમાં ભાગીયુ રાખતા મજૂરો રહેતા હોય તેના તથા તેના બાળકોના જીવનું જોખમ રહેલું છે. આવો કોઈ બનાવ બને એ પહેલા જંગલ ખાતુ દીપડાને પાંજરામાં પૂરે તેવીગામ લોકોની માંગણી છે.

જંગલ ખાતાને જાણ કરતા એક પીંજરૂ મૂકી ગયા છે. જંગલ ખાતાના ટ્રેકરો આંટો મારીને જતા રહે છે. જંગલ ખાતાના જવાબદાર અધિકારીઓ હજુ સુધી આવ્‍યા નથી. જંગલ ખાતાના જવાબદાર અધિકારીઓએ મુલાકાત લઈને એક બે વધારે પાંજરા મૂકે અને જેમના માલ ઢોરનું નુકશાન થયેલ છે તેને તાત્‍કાલિક વળતર ચૂકવે તેવી લોકોની માંગણી છે.