Main Menu

લોકસભા બેઠક માટે ભાજપનાં અર્ધો ડઝન દાવેદારો

કાછડીયા, લાખાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા, ડોબરીયા સહિતનાં

લોકસભા બેઠક માટે ભાજપનાં અર્ધો ડઝન દાવેદારો

ભાજપનાં નિરીક્ષક દ્વારા સત્તાવાર રીતે દાવેદારોની યાદી આપવામાં આવી નથી

ભાજપ કાર્યાલય પર સવારથી સાંજ સુધી કાર્યકરોને સાંભળવામાં આવ્‍યા

અમરેલી, તા.14

આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર નકકીકરવા માટે થઈ આજે જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા વિસ્‍તારના કાર્યકરો પાસેથી ઉમેદવાર માટે થઈ અભિપ્રાય લેવાનો કાર્યક્રમ રાજયના મંત્રી આર.સી. ફળદુ, જેન્‍તીભાઈ કવાડીયા દ્વારા સવારથી સેન્‍સ લેવામાં આવી રહી હતી. સવારથી મોડી સાંજ સુધી ભાજપ કાર્યાલય ખાતે ભાજપીઓ ઉમટી પડતા ટોળા વળ્‍યા હતા. ત્‍યારે આગામી લોકસભા અમરેલી બેઠક માટે ભાજપના 6 જેટલા દાવેદારો સામે આવ્‍યાનું જાણવા મળેલ છે. જો કે આ દાવેદારો કોણ છે તે અંગે જિલ્‍લા ભાજપ દ્વારા કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમરેલી લોકસભા બેઠક માટે દાવેદારી કરવામાં હાલના સાંસદ નારણ કાછડીયા, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, ઘનશ્‍યામભાઈ ડોબરીયા, કૌશિક વેકરીયા તથા જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા સામેલ હોવાનું ભાજપી કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહયું છે. જો કે આ અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી.

અમરેલી જિલ્‍લા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા વિસ્‍તાર આવે છે. જેમાં અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા તથા ભાવનગર જિલ્‍લાની મહુવા અને ગારીયાધાર વિધાનસભાનો પણ અમરેલી લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે.

ત્‍યારે ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્‍સાહ વચ્‍ચે પોતાના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાટે પ્રદેશ આગેવાનો સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી હતી.

મંત્રી આર.સી. ફળદુ તથા જેન્‍તીભાઈ કવાડીયા દ્વારા ભાજપી કાર્યકરો પાસેથી મળેલ રજૂઆતો તથા ભલામણ પ્રદેશ ભાજપને સોંપ્‍યા બાદ આગળની તમામ કાર્યવાહી તથા પોતાના અભિપ્રાય સાથે પેનલ બનાવી તેમની યાદી ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડને મોકલવામાં આવ્‍યા બાદ આખરી મહોર મારવામાં આવશે અને બાદમાં ભાજપ દ્વારા સતાવાર પોતાના ઉમેદવારને જાહેર કરશે તેમ જાણવા મળી રહયું છે.