Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો

જિલ્‍લાનાં કોંગી ધારાસભ્‍યોએ રાજય સરકારને કરી રજુઆત

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો

ધારાસભ્‍યોને મત વિસ્‍તારમાં સતત ખેડૂતોની ઉઘરાણીનો સામનો કરવો પડે છે

ભાજપ સરકાર તાયફાઓ બંધ કરીને ખેડૂતોની દયનીય હાલતમાં મદદરૂપ બને તે જરૂરી

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને તાત્‍કાલીક પાકવીમાની જાહેરાત કરી ચુકવણી કરવા માટે માંગણી કરતા અમરેલી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, જે.વી. કાકડીયાએ એક પ્રેસ નિવેદન કરી જણાવ્‍યું હતું કે, ચાલું વર્ષે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ છે. અમરેલી જિલ્‍લાનાં ધારી, લાઠી, બાબરા તાલુકામાં અછત જાહેર થઈ ચુકી છે. અછતમાં ખેડૂતોને જાહેર કરેલ અછતની ચુકવણી ચાલું છે પરંતુ બીજા તાલુકામાં સમયસમ વરસાદ ન થવાના કારણે કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્‍ફળ થયેલ છે. ત્‍યારે તાકીદે પાકવીમો ચુકવવા માટે દિવાળીના દિવસો દરમ્‍યાન તમામ ધારાસભ્‍યો તથા કોંગ્રેસના આગેવાનો સહિત અમરેલી મુકામે રાજકમલ ચોકમાં ઉપવાસ યોજીને સરકારને મગફળીઅને કપાસનો પાકવીમો ચુકવવા માટે આવેદનપત્ર આપેલ હતું. જિલ્‍લાનાં પાંચે-પાંચ ધારાસભ્‍યોએ ધારાસભામાં અસરકારક રજુઆતો કરેલ હતી પરંતુ સરકારના બહેરા કાને આ સંભળાયું નથી. ભાજપ સરકાર ખોટી વાહ- વાહી કરવામાંથી નવરી નથી. છાશવારે ઉત્‍સવ ઉજવાય છે પરંતુ ખેડૂતો અતિ મુશ્‍કેલીમાં છે તે દેખાતું નથી. ખેડૂતોને પોતાનું પશુપાલન બચાવવું પણ કપરૂ બન્‍યું છે. રાજય સરકારે મોટા મોટા પ્રીમીયમ ભરીને પાકવીમો ચુકવવાની લોભામણી જાહેરાતો કરી પરંતુ ચુકવાતો નથી તેનો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે દર્દ અનુભવીએ છીએ. તેમજ વિસ્‍તારમાં જઈએ છીએ ત્‍યારે ખેડૂતો પાકવીમો કયારે ચુકવાશે તેવા પ્રશ્‍ન પુછે છે. કોઈ પ્રસંગ કે ફોન ઉપર પણ આવી સતત ખેડૂતો રજુઆત કરતા રહે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે આચારસંવિહતાના નામે સરકાર છટકે નહી તે માટે તુર્ત જ મગફળી અને કપાસના પાકવીમાની જાહેરાત કરી તેવી માંગણી કરીએ છીએ અને જાહેરાત પ્રમાણે ખેડૂતોના ખાતામાં તાત્‍કાલીક રકમ જમા કરે તેવી સરકારને ખેડૂતો વતી દર્દભરી અપીલકરીએ છીએ તેમ અંતમાં જણાવ્‍યું હતું.

error: Content is protected !!