Main Menu

સરસીયા પંથકમાં ચંદન ચોર ગેંગ સક્રિય ?

એકી સાથે ચંદનનાં 4 વૃક્ષનું છેદન કરવામાં આવ્‍યું

સરસીયા પંથકમાં ચંદન ચોર ગેંગ સક્રિય ?

ત્રણ વર્ષ અગાઉ પણ આ વિસ્‍તારમાં ચંદન ચોર ગેંગે હાહાકાર મચાવ્‍યો હતો

ધારી, તા.13

ધારી નજીક ચંદન ચોર ગેંગ ફરી સક્રિય થયાનું સામે આવ્‍યું હતું. ધારીના સરસીયા ગામની સીમમાંથી અલગ-અલગ સ્‍થળેથી ચાર ચંદનના વૃક્ષ કટીંગ કરી ચોરી ગયાની અરજી ધારી પોલીસમાં થઈ છે. તો ત્રણ વર્ષ અગાઉ સરસીયા ગામ તથા સરસીયા વીડી વિસ્‍તારમાંથી ચંદનના રપ વૃક્ષો ચોરાઈ ગયા હતા જે ચોરીનો સીલસીલો ચાલુ થવા પામ્‍યો છે.

આ અંગેની વિગત મુજબ ગત રાત્રીના ધારીના સરસીયા ગામના ખેડૂત ભરતભાઈ વાળા અને અરવિંદભાઈ વાડદોરીયાના ખેતરમાંથી ચાર ચંદનના વૃક્ષ કટીંગ કરી ચોરી ગયા હતા. આ અંગે ખેડૂતો દ્વારા ધારી પોલીસનાં જણાવ્‍યા મુજબ ભરતભાઈના ખેતરમાં ચંદનના બાવીસ વૃક્ષો છે. જેમાંથી ચંદન ચોરો 3 વૃક્ષ કટીંગ કરી લઈ ગયા હતા અને અરવિંદભાઈની વાડીમાંથી એક વૃક્ષ કટીંગ કરી લઈ ગયા હતા અને અન્‍ય બે વૃક્ષો કટીંગ કર્યા હોય પરંતુ લઈ જવામાં સફળતા મળી નહોતી. ત્‍યારે આ અંગે લોકમુખે એવું ચર્ચાઈ રહયું છે કે ચંદન ચોર ગેંગ ફરી સક્રિય થવા પામી છે.

લગભગ ત્રણ વર્ષ અગાઉ આ વિસ્‍તાર જેવા કે સરસીયાસીમ વિસ્‍તાર તથા સરસીયા વીડી વિસ્‍તારમાંથી રપ જેટલા ચંદનના વૃક્ષો કટીંગ થઈ ચંદનનું લાકડુ મહુવા સુધી પહોંચી ગયું હતું. ચંદનનું લાકડુ અતિ કિંમતી હોય ચંદન વેચતા લાખો રૂપિયા મળતા હોય ચંદન ચોર ગેંગ ફરી સક્રિય થઈ છે.