Main Menu

બાબરામાં થયેલ ભુગર્ભ ગટરની કામગીરીની તપાસ શરૂ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉચ્‍ચ અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવી

બાબરામાં થયેલ ભુગર્ભ ગટરની કામગીરીની તપાસ શરૂ

પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવતાં ખળભળાટ મચી ગયો

બાબરા, તા. 1ર

બાબરામાં છેલ્‍લા બે વર્ષથી ભુગર્ભ ગટરની યોજના હેઠળ અંડરગ્રાઉન્‍ડ ગટરની કામગીરી રાજયનાં પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. પણ અધિકારીની મીઠ્ઠી નજર હેઠળ અહીં કોન્‍ટ્રાકટર ઘ્‍વારા નબળી કામગીરી કરી મસમોટો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનું પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા અને લોકોમાંથી જાણવા મળી રહૃાું છે.

બાબરામાં ભુગર્ભ ગટરની નબળી કામગીરી અંગે નગરપાલિકા તેમજ સ્‍થાનિક આગેવાનો ઘ્‍વારા પાણી પુરવઠા વિભાગ અને જીયુડીસીને લેખિતમાં અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ નકકર પરિણામ મળ્‍યું નથી અને રાબેતા મુજબ કામ કરવામાં આવી રહૃાું હતું. ત્‍યારે હવે બાબરામાં નગરપાલિકાના પ્રમુખે શહેરની ભુગર્ભ ગટરની યોજનાની પુરતી સમીક્ષા અને મૂલ્‍યાંકન કરતાં ખૂબ જ નબળી અને અધુરી કામગીરી જણાતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તાબડતોબ રાજયના પાણી પુરવઠા વિભાગના જળ ભવનના સચિવને પત્ર લખી માહિતગાર કરી બાબરા શહેરની ભુગર્ભ ગટરની કામગીરી યોગ્‍ય કરવા જણાવ્‍યું અને સાથે ચીમકી પણ આપીહતી કે, જો શહેરમાં ભુગર્ભ ગટરની નબળી કામગીરી કરવા માટે જવાબદાર અધિકારી અને કોન્‍ટ્રાકટર વિરૂઘ્‍ધ યોગ્‍ય તપાસ તેમજ નકકર કાર્યવાહી નહિ કરવામાં આવે તો હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

નગરપાલિકા પ્રમુખ ઘ્‍વારા દોઢ માસ પહેલા ગાંધીનગર અને જિલ્‍લા કલેકટરને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું પણ તંત્રના જવાબદાર અધિકારીઓએ સમસ્‍યાઓને ગંભીરતાથી નહી લેતા ના છુટકે પાલિકા પ્રમુખે શહેરનાં હિત માટે અને યોગ્‍ય ન્‍યાય મળે તેવા હેતુ સાથે હાઈકોર્ટના ઘ્‍વાર ખટકાવી પિટીશન દાખલ કરવામાં આવી છે.

આજે હાઈકોર્ટ ઘ્‍વારા પાણી પુરવઠાના સચિવ, અમરેલી અને બાબરાના પાણી પુરવઠાના મુખ્‍ય અધિકારી તેમજ જિલ્‍લા કલેકટરને તેડુ મોકલીને ભુગર્ભ ગટરની વાસ્‍તવિક પરિસ્‍થિતિને પુરતો રિપોર્ટ કરવા તા. ર8 ફેબ્રુઆરીના રોજ હાજર થવા જણાવ્‍યું છે.

બાબરા નગરપાલિકા પ્રમુખે જણાવ્‍યું હતું કે, રાજય સરકાર ઘ્‍વારા ભુગર્ભ ગટરના કામ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્‍યા છે પણ અધિકારીઓ અને કોન્‍ટ્રાકટર ઘ્‍વારા મિલીભગતથી નબળુ કામ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરી પોતાના ગજવા ભરી રહૃાા છે.

બાબરા શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરીમાં સેફટી ટેન્‍ક તૂટી ગયેલ છે તેમજ હાઉસ કનેકશન આપવામાં આવ્‍યા નથી. સેફટીટેન્‍કમાં માત્ર માટી પુરી પુરાણ કરવામાં આવ્‍યું છે. મોટાભાગના વિસ્‍તારોમાં ડ્રેનેજ પાઈપની કામગીરી અધુરી છે, કુંડીના ઢાંકણા ખુલ્‍લા અને તુટેલા છે જેના કારણે ગટરનું પાણી રસ્‍તાઓ પર વહે અને લોકોને હાડમારી ભોગવવાનો વારો આવે છે. રાજય સરકાર સ્‍વચ્‍છતા સર્વેક્ષણ કરે છે તો બીજી તરફ ભુગર્ભ ગટરના કારણે શહેરમાં ગંદકી સર્જાય છે. જેમાં લોકો બીમારીનો ભોગ બને, માખી અને મચ્‍છરોનો ઉપદ્રવ વધી રહૃાો છે.

વધુમાં પાલિકા પ્રમુખ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી નબળી અને અધુરી કરવામાં આવી છે તે વાસ્‍તવિકતા છે તેમ છતાં મોટાભાગનું પેમેન્‍ટ પણ ચુકવી દેવાયું છે. પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા આ રીતે વેડફવા નહી દેવાય.

હાલ હાઈકોર્ટ ઘ્‍વારા નોટીસ પાઠવી પાણી પુરવઠાના અધિકારીઓને હાજર થવા જણાવ્‍યું છે. ભુગર્ભ ગટરની યોજનાને લઈ બાબરા નગરપાલિકા લડવા માટે મકકમ અને સક્ષમ છે તેમ અંતમાં પાલિકા પ્રમખે જણાવ્‍યું હતું.