Main Menu

અમરેલી જય ભગીરથ ગુર્જર સગર સમાજ સેવા ટ્રસ્‍ટ આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્‍સવ સંપન્‍ન

અમરેલી, તા. 11

જય ભગીરથ ગુર્જર સગર સમાજ સેવા ટ્રસ્‍ટ અમરેલી આયોજીત પ્રથમ સમુહ લગ્નોત્‍સવ ભવ્‍ય રીતે અમરેલી ખાતે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ અને સગર સમાજની વિશાળ હાજરીમાં સંપન્‍ન થયો હતો. આ સમુહ લગ્નોત્‍સવમાં સગર સમાજની 44 દિકરીઓએ સમાજનાં રીતરિવાજ મુજબની ધાર્મિકવિધી અને સારા એવા કરિયાવર સાથે પ્રભુતામાં ડગ માંડયા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, આ એકવીસમી સદીમાં સારા-માઠા પ્રસંગોએ થતા ખોટા ખર્ચા બંધ કરીને શિક્ષણને પ્રાધાન્‍ય આપવાનું છે ત્‍યારે સગર સમાજે તે દિશામાં નેત્રદિપક કામ કર્યુ છે તેની મને ખુશી છે. તેમણે આ સમુહ લગ્નોત્‍સવનાં મુખ્‍ય દાતા દેવરાજીયાવાળા હિંમતભાઈ કાનાણીની પ્રશંસા કરતા કહૃાું હતું કે, હિંમતભાઈએ સગર સમાજ અને અન્‍ય સમાજનાંસારા કામ માટે હંમેશા છૂટા હાથે દાન આપ્‍યું છે.

આ પ્રસંગે અમરેલી વિસ્‍તારના સાંસદ નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ પર ભાર મુકતા જણાવ્‍યું હતું કે, આગામી સમયમાં શિક્ષણ એ પ્રગતિનું પ્રથમ પગથીયું છે, માટે સમાજનાં નબળા વર્ગનું કોઈપણ બાળક નાણાંના અભાવે શિક્ષણથી વંચિત ના રહે તે જોવાની જવાબદારી સમાજની છે. આ સમુહ લગ્નોત્‍સવમાં દાન આપનાર તમામ દાતાઓને બિરદાવ્‍યા હતા.

આ પ્રસંગે લીલીયા- સાવરકુંડલા વિસ્‍તારનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે પણ સમાજે સંગઠીત રહી શિક્ષણક્ષેત્રે કામ કરવા આહવાન કર્યુ હતું. સમુહ લગ્ન સમિતિ ર્ેારા આ સમુહ લગ્નોત્‍સવનાં દાતાઓ સર્વ હિંમતભાઈ કાનાણી, મુકેશભાઈ સાવલીયા, પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા, કિશોરભાઈ કીકાણી અને કૌશિકભાઈ વેકરીયાનું મોમેન્‍ટો અને શાલ ઓઢાડી સન્‍માન કરાયુ હતું.

આ સમુહલગ્નમાં તન, મન અને ધનથી દાન આપનાર તમામનો સમુહ લગ્ન સમિતિએ હૃદયપૂર્વકનો આભાર માન્‍યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જય ભગીરથ ગુર્જર સમાજ સેવા ટ્રસ્‍ટ અમરેલીનાં સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.« (Previous News)