Main Menu

અમરેલી ખાતે લઘુઉદ્યોગ ભારતી દ્વારા બિઝનેસ સેમિનાર યોજાયો

અમરેલી જિલ્લામાં ઉદ્યોગનો નવો સુર્યોદય થાય અને તેની આર્થિક ઊર્જા સમગ્ર વિસ્‍તારમાં પ્રસરે તેવા શુભ ઉદેશ્‍ય સાથે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, અમરેલી અને લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલી દ્વારા યુથ એમ્‍પાવરમેન્‍ટ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં યુવા, વેપારી અને ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. સેમિનારમાં ભાવનગરથી ઉદ્યોગ અધિકારી લલિતભાઈ ઝાઝુએ સરકારની યોજના કઈ કઈ છે? તેનો લાભ કેવી રીતે લેવો અને આ યોજનાઓનો લાભ કોણ લઈ શકે તેના પર વિસ્‍તારથી માર્ગદર્શન પુરૂ પાડ્‍યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાતના અઘ્‍યક્ષ હિતેન્‍દ્રભાઈ જોષીએ ભારતમાં નાના ઉદ્યોગોનું મહત્‍વ શું છે અને લઘુ ઉદ્યોગ ભારતીના કાર્ય વિશે વાત કરી હતી. તો એસબીઆઈ બેન્‍કના વરિષ્ઠ અધિકારી વિનોદભાઈ દરજીએ લોન મેળવવા માટે અને મુદ્રા યોજનાનો વધુમાં વધુ લાભ લઈને યુવાઓ ઉદ્યોગ, વેપારમાં સક્રીય બને તે માટે માર્ગદર્શન આપ્‍યું હતું. સેમિનારમાં ઉદ્યોગ સાહસિક અને અમરેલી જિલ્લા ભાજપઅઘ્‍યક્ષ હિરેનભાઈ હિરપરાએ અમરેલીમાં આગામી સમયમાં સાકાર થઈ રહેલાં કાર્યો અને ઉદ્યોગની પાયાની જરૃરિયાત રેલ્‍વે, રોડ, ટ્રાન્‍સપોર્ટ, જીઆઈડીસીની સુવિધા જે રીતે ઉપલબ્‍ધ થવાની છે તે વાત કરતાં કહ્યું હતું કે, યુવાઓ સાહસ કરીને આગળ વધે પણ કોઈપણ શરૂઆત કરતાં પહેલાં તેનું સંપુર્ણ માર્ગદર્શન મેળવી લેવું જેથી ખોટ સહન ન કરવી પડે. લઘુ ઉદ્યોયગય ભારતીના વરિષ્ઠ પદાધિકારી અને સૌરાષ્ટ્ર સંભાગના વાલી યશોધરભાઈ ભટ્ટે ભારતની એદ્યોગિક સ્‍થિતિ અને આવનારા સમયની વાત કરતાં નાના ઉદ્યોગો અને ઔદ્યોગિક સંગઠનના મહત્‍વને જણાવ્‍યું હતું. અમરેલી જિલ્લાની રાષ્ટ્રીય કંપની શીતલ આઈસ્‍ક્રીમના દિનેશભાઈ ભુવાએ યુવા સાહસિકોને વિશ્વાસ આપ્‍યો હતો કે તમારા સાહસની સાથે અમારી કંપની છે. તમે એવા ઉદ્યોગ – એકમ સાથે જોડાઓ જેની જરૂરિયાત અમારી કંપનીને હોય. આપણે સાથે        મળીને અમરેલી જિલ્લામાં ઉદ્યોગની ગતિને તેજ બનાવીએ. જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ સેમિનારમાં હાજર રહેલાં તમામ ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે એકમોને લઈને કોઈ કનડગત હોય અથવા અડચણ હોય તો તેનું સમાધાન કરવા માટે અમે પુરતો સાથ-સહયોગ આપીશું. લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલીના પ્રમુખ વસંત મોવલિયાએ કહ્યું હતું કે, ઊર્જાથી ભરપુર અને કંઈક કરવાથનગનતા યુવા સાહસિકો આગળ વધીને બિઝનેસ ક્ષેત્રે આગળ વધે અને અમરેલી જિલ્લાનું નામ દુનિયાભરમાં પ્રસરે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એક નવી ઉમ્‍મીદ અને આશા સાથે આગળ વધીએ અને ચાલો સાથે મળીને અમરેલીને ઈન્‍ડસ્‍ટ્રીલ હબ બનાવવા પ્રયત્‍ન કરીએ. ઈન્‍ડસ્‍ટ્રીયલ હબની વાત કરવી સરળ છે પણ તેને સાકાર કરવું ખૂબ કઠિન છે. એ કઠિન પરિસ્‍થિતિમાં પરિણામલક્ષી સાર મેળવવા લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલી અને જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, અમરેલી દ્વારા યુથ એમ્‍પાવરમેન્‍ટ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંભવતઃ આ પ્રકારનું આયોજન અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત થવા જઈ રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી, અમરેલીના મહામંત્રી દિવ્‍યેશ વેકરિયાએ અમરેલી જિલ્લાના સ્‍થળાંતરની સમસ્‍યા, ડીજિટલ યુગ અને નોકરીની વાતની સાથે ક્‍યાં પ્રકારના વ્‍યવસાયની માગ છે તેના પર વાત કરી હતી. આ સેમિનારમાં ઉપસ્‍થિતિ મહાનુભાવો ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, કમલેશભાઈ કાનાણી, રિતેશભાઈ સોની, લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલના ઉપપ્રમુખ રમેશભાઈ કાબરિયા, મુકેશભાઈ કોરાટ, લઘુ ઉદ્યોગ ભારતીના વ્‍યવસ્‍થાપક પ્રકાશભાઈ પટેલ, સાવરકુંડલાથી ડી કે પટેલ, અજન્‍ટા આઈસ્‍ક્રીમના પ્રકાશભાઈ ગોહિલ હાજર રહ્યાં હતાં. સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે જયસુખભાઈસોરઠિયા, રાકેશ નાકરાણી, દિપક ધાનાણી, સંજય માલવિયા, જીતુ સુવાગિયા સહિતના સાથીદાર મિત્રોનો આભાર લઘુ ઉદ્યોગ ભારતીના ઉપપ્રમુખ અરૂણ ડેરે વ્‍યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ મહેતાએ કર્યું હતું.