Main Menu

ધારાબંદરમાં જીંગા ઉછેર કેન્‍દ્ર બંધ નહીં થાય તો આંદોલનનાં ભણકારા

કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા. ર9

જાફરાબાદના ધારાબંદરના જાગૃત નાગરિક જાદવભાઈ બારૈયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્‍દ્ર માટે સરકાર દ્વારા જગ્‍યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ આવેલ વધારાની સરકારી જમીન સર્વે નં.4અને પ તથા ગૌચરનું ઈસમો દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. તેમજ અમારૂ ગામ દરિયા કાંઠાના વિસ્‍તારમાં આવેલ હોય તેમજ ગામના આગળના ભાગમાં બંધારા બાંધવાને લીધે અને ઉપરના વિસ્‍તારોમાંથી જેવા કે, સામતેર, ગાંગડા, ટીંબી, ભાડા ગામમાંથી પસાર થતી નદીઓમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ધારાબંદર ગામમાં એક નદીમાં રૂપાંતર થતું હોય તેમજ પાછળના ભાગેથી દરિયામાં ભરતી આવવાથી નદી અને દરિયાનું પાણી એક થાય છે તથા બંધારા બાંધવાને કારણે નદીઓનું અને દરિયાનું ભેગું થયેલ પાણી સીધુ ધારાબંદર ગામની અંદર ફુલ જોશમાં પ્રવેશે છે.

વધુમાં જણાવેલ છે કે, ધારાબંદર ગામમાં અગાઉથી બે જીંગા ઉછેર કેન્‍દ્ર આવેલ હોય તેથી ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ગામના ઘરો સુધી આવેલ હોય તેમજ આખુ ગામ પાણીમાં ડુબમાં જવાને કારણે ગામના લોકોને ભારે નુકસાન ભોગવવું પડયું હતું અને જો વધુ એક જીંગા ઉછેર કેન્‍દ્ર બનાવવામાં આવશે તો ધારાબંદર ગામના લોકોને ભારે પરિસ્‍થિતિનો સામનો કરવો પડશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં જાનહાની સર્જાશે તેમજ આજુબાજુના રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળતા રસ્‍તાઓ બંધ થવાને કારણે ગામના લોકો સ્‍થળાંતર કરી શકતા નથી.

વધુમાં જણાવેલ છે કે, જીંગા ઉછેર કેન્‍દ્રથીધારાબંદર ગામના લોકોને ચોમાસા દરમિયાન માટે વરસાદને કારણે અતિ નુકસાન થયું હતું. જો આ જીંગા ઉછેર કેન્‍દ્રનું કામ તાત્‍કાલિક અટકાવવામાં નહીં આવે તો સમગ્ર ગામ વાસીઓને આપની કચેરી આગળ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીરતાથી નોંધ લઈ તાત્‍કાલિક ઘટતી કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.