સમાચાર

ચેપ્ટર કેસ તથા તેને લગત મામલતદારની સત્તાઓ

ચેપ્ટર કેસ તથા તેને લગત મામલતદારની સત્તાઓ

ફોજદારી કાર્યવાહીનો કાયદો (સી.આર.પી.સી.) – 1973 માં મામલતદારને એકઝીકયુટિવ તરીકેનો દરજ્જો અને કેટલીક મેજીસ્ટેરિયલ સત્તાઓ આપવામાં આવી છે. આ કાયદાની કલમ 20 થી 23 માં મામલતદારની એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની કેટલીક સત્તાઓ વિષે ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે પૈકી સી.આર.પી.સી. કાયદાની કેટલીક અગત્યની કલમ 107,109 અને 110 હેઠળના નિવારાત્મક પગલાઓ લેવાની સત્તાઓ પણ મામલતદારને સુપરત કરવામાં આવેલ છે. જેને આપણે ચેપ્ટર કેસના નામે ઓળખીએ છીએ.

સી.આર.પી.સી.  ની કલમ 151 હેઠળ કોગ્નીઝેબલ ગુનો કરવાની શક્યતા હોય અને એ ધરપકડ વગર અટકાવી શકાય એમ ન હોય તેવા વિના વોરંટે ધરપકડ કરેલ વ્યક્તિઓને પોલીસ અધિકારી દ્વારા એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે.

 • કોગ્નીઝેબલ ગુનો એટ્લે શું? :-

સી.સી.પી.આર. ની કલમ 2(સી) મુજબ એવા પ્રકારનો ગુનો કે જેમાં પોલીસ અધિકારી કોઈ વ્યક્તિને વગર વોરંટે પકડી શકે છે. આ પ્રકારના ગુનાઓ અંગે તપાસ કરવા માટે મેજીસ્ટ્રેટની પરવાનગીની જરૂર પડતી નથી.

 

 • કલમ 107 ની જોગવાઇઓ :-
 • જ્યારે એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે કોઈ વ્યક્તિ સુલેહનો ભંગ કરે તેવી શક્યતા છે અથવા જાહેર શાંતિમાં ખલેલ કરે તેવી શક્યતા છે અથવા એવું ગેરકાયદેસર કૃત્ય કરે તેવી શક્યતા છે કે જેનાથી સુલેહનો ભંગ થાય કે જાહેર શાંતિમાં ખલેલ થવાનો સંભવ છે તો, આવા કિસ્સામાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તેટલા સમય માટે તે વ્યક્તિના જામીન માંગતો હુકમ કરશે.
 • આ કલમનો હેતુ સુલેહ અને શાંતિને જોખમાવે તેવા ગુનાઓ બનતા અટકે તે માટે તકેદારીના પગલાંઓ લેવા માટેનો છે. જે વ્યક્તિ ગુનેગાર નથી પરંતુ ગુનો કરે તેવો સંભવ હોય તેવી વ્યક્તિની સ્વતંત્રતાને આ કલમ અસર કરે છે.
 • જે-તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવાને પૂરતું કારણ હોવાનો મેજીસ્ટ્રેટનો અભિપ્રાય હોય તો આ જ કાયદાની કલમ-111 મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
 • આ કાયદા મુજબ પોલીસ અધિકારીએ આપેલા રિપોર્ટ ઉપરાંત પોતાની રીતે અંગત બાતમીના આધારે કે ખાનગી વ્યક્તિની ફરિયાદના આધારે પણ મેજિસ્ટ્રેટ કાર્યવાહી કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ બાબતે પોતાનાથી નીચેની કક્ષાના મેજીસ્ટ્રેટને પણ તપાસ સોંપી શકાય છે. એ હકીકત છે કે, આ મુજબ હાલ કોઈપણ મેજિસ્ટ્રેટ દ્વારા કામ ચલાવવામાં આવતું નથી.
 • ખાસ મહત્વની બાબત એ છે કે, માત્ર બે પક્ષો વચ્ચેની દુશ્મનાવટ આ કલમ હેઠળ કાર્યવાહી કરવા માટે પૂરતું કારણ નથી પરંતુ જે વ્યક્તિ વિરુદ્ધ માહિતી હોય તે ખરેખર જાહેર સુલેહ શાંતિ નો ભંગ કરે એવી શક્યતા મેજીસ્ટ્રેટને લાગતી હોય તો જ આ કલમ મુજબ કાર્યવાહી કરવાની રહે છે.
 • આ કલમ હેઠળ વધુમાં વધુ 1 વર્ષ માટે શાંતિ જાળવવાનું બોન્ડ આપવાનો હુકમ કરી શકાય છે.

 

 • કલમ 109 ની જોગવાઇઓ :-
 • આ કલમ મુજબ શકમંદ વ્યક્તિઓ પાસેથી સારી ચાલચલગત માટે જામીનગીરી લેવામાં આવે છે.
 • જ્યારે કોઈ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે તેની હકૂમતમાં કોઈ વ્યક્તિ પોતાની હાજરી છુપાવવાની સાવચેતી રાખે છે અથવા તે કોગ્નીઝેબલ ગુનો કરવાના હેતુથી તેમ કરે છે એમ માનવાને કારણ હોય તો મેજિસ્ટ્રેટ આ કાયદાની જોગવાઈ મુજબ પોતાને યોગ્ય લાગે તેટલા સમય માટે સારી ચાલચલગત માટે જામીન બોન્ડ આપવા હુકમ કરશે.
 • હાલ આપણે જોઈએ છીએ કે પોલીસ દ્વારા માત્ર અજાણ્યા શખ્શ જણાતા તેમને કલમ 109 હેઠળ પકડીને મામલતદાર સમક્ષ લાવવામાં આવે છે પરંતુ આ કાયદાની કલમ 116 અને 117 હેઠળ આ વ્યક્તિ કોગ્નીઝેબલ ગુનો કરવાનો ઇરાદો ધરાવતી હોવાની તપાસ કર્યા વગર કલમ 109 હેઠળ હુકમ કરી શકાય નહીં. આ કલમનો સંબંધ વ્યક્તિના ભૂતકાળ સાથે નથી પરંતુ ભવિષ્યના ઈરાદા સાથે છે.
 • આ કલમ હેઠળ વધુમાં વધુ 1 વર્ષ માટે શાંતિ જાળવવાનું બોન્ડ આપવાનો હુકમ કરી શકાય છે.

 

 • કલમ 110 ની જોગવાઇઓ :-
 • કાયમી લૂંટારો, ઘરફોડિ કરનાર, ચોરી કે બનાવટી દસ્તાવેજ બનાવનાર, કોઈ મિલકત ચોરીની હોવાનું જાણતો હોવા છ્ત્તા ચોરીનો માલ રાખનાર, ચોરોને રક્ષણ આપનાર, ચોરીનો માલ નિકાલ કરવામાં મદદગારી કરનાર, અપહરણ અપનયન કે ઠગાઈનો ગુનો કરનાર તેમજ સિક્કા, સ્ટેમ્પ કે ચલણી નોટોને લગત ગુનાઓ કરનાર રીઢા ગુનેગારો પાસેથી સારી ચાલચલગત માટે આ કલમ મુજબ જામીનગીરી મેળવવામાં આવે છે.
 • નીચે જણાવેલ કેટલાક કાયદાઓ હેઠળ કાયમ ગુનો કરનાર અથવા તેમાં મદદ કરનાર ઉપર કલમ 110 મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
 1. The Drugs and Cosmetics Act 1940
 2. The Foreign Exchange Regulation Act 1947
 3. The Employee’s Provident Funds Act 1952
 4. The Prevention of Food Adulteration Act 1954
 5. The Essential Commodities Act 1955
 6. The Untouchability (Offences) Act 1955
 7. The Customs Act 1962
 • સંગ્રહખોરી કે નફાખોરી અટકાવવાના કે ખોરાક કે દવામાં ભેળસેળ કે લાંચરુશવત અંગેના કોઈ કાયદા હેઠળ સજાપાત્ર ગુનો કરનાર વ્યક્તિ કે જે ઝનુંની અને ભયંકર લાગે અને તેને જામીનગીરી વગર છૂટ્ટો રાખવો એ સમાજ માટે જોખમકારક છે એવું મેજીસ્ટ્રેટને જણાય તો કલમ 110 હેઠળ સારી ચાલચલગત માટેના જામીન રજૂ કરવાનો હુકમ કરશે.
 • જ્યારે આ કલમ હેઠળ કોઈ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે ત્યારે પોતાને આપવામાં આવેલ માહિતીની સૌથી પહેલા મેજીસ્ટ્રેટે ખાતરી કરવી જોઈએ અને જરૂર લાગે તેવો પુરાવો મેળવવો જોઈએ. ત્યારબાદ બોન્ડની રકમ અને જામીનોની સંખ્યા મેજિસ્ટ્રેટે નકકી કરવી જોઈએ.
 • આ કલમ હેઠળ વધુમાં વધુ 3 વર્ષ માટે શાંતિ જાળવવાનું બોન્ડ આપવાનો હુકમ કરી શકાય છે. આ કલમનો હેતુ જન્મજાત ગુનેગારો ઉપર નિયંત્રણ રાખવાનો છે. આ કલમની પેટા કલમો પણ છે.

એ બાબત ખાસ નોંધવા લાયક છે કે, જો મેજિસ્ટ્રેટ દ્વારા માંગવામાં આવતા બોન્ડ આપવા આરોપી તૈયારી દર્શાવે નહીં અને તેને જાતમુચરકા ઉપર જામીન આપીને બહાર રાખવાથી જાહેર સુલેહ અને શાંતિનો ભંગ થાય એવું મેજીસ્ટ્રેટને જણાય તો તે જે-તે વ્યક્તિને શા માટે તેને જેલમાં ન પૂરવો તે બાબતે ખુલાસો પૂછ્યા બાદ સંતોષ ન થતાં વોરંટ ભરીને થોડા દિવસો માટે અથવા જમીન રજૂ કરે નહીં ત્યાં સુધી જેલમાં પણ મોકલવાનો હુકમ પણ કરી શકે છે. આ પ્રકારના હુકમો ભૂતકાળમાં કેટલાક બાહોશ મહેસૂલી અધિકારીઓએ કરેલા છે.

 

 

error: Content is protected !!