સમાચાર

ભારતમાં હજુ અમીચંદો છાને ખૂણે બેઠા છે.

પ્રકરણ-ર6

પ્રિય વાચક મિત્રો,

આ અંક જયારે રજૂ થશે ત્‍યારે પ્રજાસતાક દિન જતો રહયો હશે પણ આ વર્ષે પ્રજાસતાક દિન પર જે ઘટના બની તે સૂચવે છે કે, ભારતમાં હજુ અમીચંદો છાને ખૂણે બેઠા છે. ભારતના હિતશત્રુઓ દ્વારા પ્રજાસતાક દિન પર લાલ કિલ્‍લા પર જે વર્તન થયું તે હિતશત્રુઓ દ્વારા થયેલ હોય તો નીંદનીય છે. પણ તેમાંરાજકીય રીતે રોટલા શેકવાનો પ્રયત્‍ન થયો હોય તો તે અતિ નીંદનીય છે. આવી ઘટનાઓ ભારતમાં બનતી રહે છે, બનતી રહેશે, પણ સત્‍ય લોકો સુધી પહોંચતું નથી. તો મનમાં વિચાર આવે છે કે શું ભારતનું લોકતંત્ર ખરેખર પ્રજાસતાક બન્‍યું છે ? પ્રજાના હાથમાં સતા છે ? મારે આ લખવું ના જોઈએ કારણ કે આ દેશના પ્રશ્‍નોની કોલમ નથી પણ જયારે આવી ઘટનાઓ બને છે ત્‍યારે મન તથા કલમ કાબુમાં રહેતી નથી.

ચાલો.. જવા દો ર0ર1માંથી હવે આપણે ફિલ્‍મી સફરમાં 1949ના વર્ષમાં જતા રહીએ.

1949ના વર્ષની ફિલ્‍મોમાં આજે આપણી દિલીપકુમાર, રાજકપૂર, નરગીસથી અભિનિત અંદાઝ તથા દિલીપકુમારની શબનમ ફિલ્‍મની ચર્ચા કરીશું.

અંદાઝ : જુમ જુમ કે નાચો આજ… ગાઓ ખુશી કે ગીત… અંદાઝ એટલે અનુમાન ફિલ્‍મ પતિ-પત્‍નિના પવિત્ર બંધનો પર આધારીત છે. પતિ-પત્‍નિના સંબંધોમાં શંકાનું નાનું તણખલું એક દાવાનળ બની જાય છે. ત્‍યારે આગ લાગે છે તેને બૂઝાવવા માટે માત્ર પ્રાયશ્ચિત સિવાય કશું જ રહેતું નથી. દરેક પતિ-પત્‍નિ એવું ઈચ્‍છે છે કે તેમના સાંસારીક જીવનમાં તેમની વચ્‍ચે કોઈ ત્રીજી વ્‍યકિત હોવી જ ન જોઈએ. ખાસ કરીને પુરૂષ આ બાબતમાં વધુ અગ્રેસર હોય છે.

આવી જ પ્રણયગાથા લઈ ફિલ્‍મ અંદાઝ આવી છે. 1949 પછી આ વિષય પર ઘણી ફિલ્‍મો બની ચૂકીછે. જેમાંની ઘણી યાદગાર છે. જેની ચર્ચા સમયાંતરે કરતા રહીશું. પણ 1949ના સમયમાં આ વિષય જરા અટપટો હતો. રૂઢિચૂસ્‍ત પરિવારો તથા રૂઢિચૂસ્‍ત લોકોનો સમાજ હતો. આવા કિસ્‍સા તે સમયમાં પણ લોકોની વ્‍યકિતગત જિંદગીમાં બનતા હતા. પણ વિવાદમાં ઓછા રહેતા હતા. આ ફિલ્‍મ આજની પેઢીના નવયુવક- યુવતીઓ માટે પણ પ્રેરણાદાયક છે. કારણ કે નાયિકા નરગીસના અલ્‍લડ સ્‍વભાવના કારણે જ આ સમગ્ર ઘટના બને છે. જે આજકાલના નવયુવાન- યુવતીઓમાં અલ્‍લડ સ્‍વભાવ, બિન્‍દાસ્‍ત રહેવું તે પ્રમાણ વધુ છે. ત્‍યારે આ ફિલ્‍મ પણ આ લેખ વાંચ્‍યા બાદ તેઓએ એકવાર જોઈ બોધપાઠ લેવા જેવો છે.

મહેબુબખાનના નિર્માણ- નિર્દેશનમાં એસ. અલીરઝાની કહાની. સ્‍ક્રીનપ્‍લે, સિનેમા ઓટોગ્રાફી, એડીટીંગ શું છે તે આગળ ઉપરના અંકોમાં વિગતે ચર્ચા કરીશું કે કે ફરદિન ઈરાનીની સિનેમા ઓટોગ્રાફી, સમશુદીન કાદરીના એડીટીંગમાં દિલીપકુમાર, રાજકપૂર, નરગીસ, મુરાદ, વી.એચ. દેસાઈ, કુકુ, અમીરબાનો, મજરૂહ સુલતાનપુરીના કલમ અને મુકેશજી, લતાજી, રફીસાહેબના તથા શમશાદ બેગમના કંઠે ગવાયેલ ગીતોથી આજ પણ આ ફિલ્‍મ લોકપ્રિય, સફળ ફિલ્‍મોની યાદીમાં એક મોરપીંછ સમાન બિરાજે છે.

ફિલ્‍મની કથાને વિગતમાં ઘ્‍યાનમાં લઈએ તો, નરગીસ (અહીં આપણે ફિલ્‍મની કથાના નામના પાત્રનોઉલ્‍લેખના બદલે કલાકારોને જ નામથી ઓળખીશું જેથી વાર્તા સમજવામાં સરળતા રહેશે.) એક ખૂબ જ ધનવાન ઉદ્યોગપતિ મુરાદની એકમાત્ર સંતાન છે. ધનવાન હોવાથી નરગીસ અલ્‍લડ સ્‍વભાવ ધરાવે છે. એકવાર ઘોડેસવારી કરતા તેને દિલીપકુમાર ઘોડા પરથી પડી જતા બચાવી લે છે. અને બંને ટૂંક સમયમાં મિત્રો બની જાય છે.

આ મિત્રતા જોઈ નરગીસના પિતાજી નરગીસને ટોકે છે કે તારી મિત્રતાનો દિલીપ બીજો અર્થ ના લે તે ભવિષ્‍યમાં ઘ્‍યાનમાં રાખજે. પણ યુવાનીના મદમાં નરગીસ તે બાબતે ઘ્‍યાન રાખતી નથી. દિલીપના ગાયનથી નરગીસ પ્રભાવિત છે. દિલીપ “તું કહે અગર… જીવનભર મેં ગીત સુનાતા જાઉં…” કહી તેને એકતરફી પ્રેમ સમજી બેસે છે. તે તરગીસને તેના પ્રત્‍યેનો પ્રેમ વ્‍યકત કરવા જાય છે, ત્‍યારે જ નરગીસના પિતાનું નિધન થતાં વાત ત્‍યાંજ અટકી જાય છે.

નરગીસની મિત્ર કુકુ જે નરગીસની અત્‍યંત નજીક છે તે દિલીપને ચેતવે છે, તેના તરફ પોતાની લાગણી પ્રદર્શિત કરે છે પણ એકતરફી પ્રેમમાં પાગલ દિલીપના ઘ્‍યાનમાં કશું આવતું નથી. તે જ સમયમાં નરગીસ દિલીપને પોતાના વેપારમાં મદદ કરવાનું કહી તેને વધુ નજીક લાવે છે.

હવે વળાંક આવે છે જયારે નરગીસનો પ્રેમી રાજકપૂર વિદેશથી પરત આવે છે. દિલીપને આંચકો લાગે છે કે આ વાત તો નરગીસે કદી કરી જ નથી.છતાં તે આશા મૂકતો નથી પણ રાજ નરગીસના લગ્ન થઈ જાય છે. તે પછી નરગીસને જાણ થાય છે કે દિલીપ તેને પ્રેમ કરતો હતો. તેથી તે હવે લગ્ન કરવા માંગતો નથી. આ બાજુ નરગીસને એક પુત્રી પણ પ્રાપ્‍ત થાય છે. ત્‍યારે દિલીપ પોતાની ભૂલ સમજી નરગીસની પુત્રીના વર્ષગાંઠ પ્રસંગે એક રમકડામાં નરગીસ પ્રત્‍યે ચિઠ્ઠિ લખે છે કે, ને રાજ હંમેશા ખુશ રહે. પણ તે વાત તે નરગીસને કહે તે પહેલા વર્ષગાંઠના પ્રસંગની પાર્ટીમાં લાઈટ જતી રહેતા નરગીસ રાજને દિલીપ સમજી તેને પોતાને ભૂલી જવાનું કહે છે. લાઈટ આવે છે પણ નરગીસના જીવનમાં અંધકાર છવાઈ જાય છે.

રાજ દિલીપ- નરગીસના સંબંધોને અપવિત્ર ગણે છે. બંને વચ્‍ચે તણાવ ઉત્‍પન્‍ન થાય છે. તે વાત દિલીપ સુધી પહોંચે છે. તે રાજને મળવા આવે છે પણ રાજ દિલીપ પર પ્રાણઘાતક હુમલો કરી તેને ઘાયલ કરી મૂકે છે. ઘાયલ દિલીપને નરગીસ સારવાર આપે છે તેને વધુ પ્રેમ સમજી દિલીપ નરગીસ પર બળજબરીનો પ્રયત્‍ન કરે છે ને નરગીસના હાથે દિલીપની હત્‍યા થઈ જાય છે.

રાજના કોર્ટમાં સાબિતિથી નરગીસને જન્‍મટીપની સજા થાય છે, ત્‍યારે પ્રશ્ચાતાપમાં સળગતા રાજ દિલીપે આપેલ રમકડું તોડે છે, દિલીપની ચિઠ્ઠિ વાંચે છે અને તેનાથી તેના જ હાથે તેના સંસારને તેણે આગ લગાડી છે તેનો ખ્‍યાલ આવે છે. રાજ નરગીસને મળવાજેલમાં જાય છે. પ્રશ્ચાતાપથી કશું બોલી શકતો નથી. પણ નરગીસ રાજના ચરણોમાં પ્રણામ કરી કહે છે કે “તમે જ મારા ભગવાન છો” તે દ્રશ્‍ય ભલભલાને આંખોમાં પાણી લાવી શકે છે.

ફિલ્‍મ અંદાઝ અનુમાન પર આધારીત છે. દિલીપને અનુમાન કે નરગીસ તેને પ્રેમ કરે છે, નરગીસને વિશ્‍વાસ છે કે, દિલીપ સારો મિત્ર છે. રાજને શંકા કે દિલીપ- નરગીસને લગ્નેતર સંબંધો છે. ત્રણે તથા બાળકીની જિંદગી બરબાદ કરી નાખે છે.

સંદેશ એટલો જ છે કે સ્‍ત્રી પુરૂષના સંબંધોનો ખોટુ અનુમાન કદી ન કરવું. ફિલ્‍મમાં મુકેશના ગીતો હમ આજ કહી દિલ ખો બૈઠે…, જુમ જુમ કે નાચો આજ… ગાઓ ખુશી કે ગીત…, તું કહે અગર… લતાજીનું ઉઠાયે જા… મિલે સિતમ… ઔર જીયેજા… આજ પણ કર્ણપ્રિય છે. ફિલ્‍મમાં દિલીપકુમારને મુકેશજીનો કંઠ અપાયેલ છે. લતાજી, મુકેશજી માટે આ ફિલ્‍મ એક પગથિયા બરાબર સાબિત થઈ. બરસાત તથા અંદાઝના ગીતોના પગથિયાથી બનાવેલ સીડી તેઓને સફળતાની ટોચે પહોંચાડેલ છે.

આવતા અંકમાં રાજકપૂરની બરસાત તથા દિલીપકુમારની શબનમની ચર્ચા કરીશું. આભાર. (ક્રમશઃ)

error: Content is protected !!