સમાચાર

અમરેલી જિલ્‍લામાં ઓવરલોડિંગ વાહનોથી માર્ગો બિસ્‍માર

ક્ષમતા કરતાં બેથી વધુ વજન ભરીને ટ્રકો દોડી રહૃાા છે

અમરેલી જિલ્‍લામાં ઓવરલોડિંગ વાહનોથી માર્ગો બિસ્‍માર

ખાસ કરીને ગ્રામ્‍ય માર્ગો પર રેતી, કપચી કે પથ્‍થર ભરીને વાહનો પસાર થતાં ભયાનક નુકસાન

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસેથી બનતા માર્ગો ઓવરલોડિંગ વાહનોનાં કારણે ગણતરીનાં દિવસોમાં તુટી જાય છે

બાબરાનાં ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ કલેકટરને પત્ર પાઠવીને સમસ્‍યાનું નિરાકરણ કરવા માંગ કરી

અમરેલી, તા. 11

અમરેલી જિલ્‍લામાં આડેધડ દોડતા ઓવરલોડિંગ ટ્રક, ડમ્‍પરનાં કારણે જિલ્‍લાનાં નાના-મોટા માર્ગોને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવા છતાં પણ આરટીઓ વિભાગ લાજ કાઢીને બેઠું રહે છે.

અમરેલી જિલ્‍લામાં મોટાપાયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે તો અનેક કિસ્‍સામાં પરમીટનાં આધારે રેતી ડમ્‍પરમાં ભરવામાં આવે છે જેમાં ક્ષમતા કરતાં બેથી ત્રણ ગણી રેતી, કપચી કે પથ્‍થર ભરીને ટ્રક કે ડમ્‍પર આવન-જાવન કરતાં હોય છે.

માર્ગ-મકાન વિભાગ (સ્‍ટેટ)નાં માર્ગો વધારે મજબુત હોવા છતાં પણ તેમને નુકસાન થાય છે. જયારે જિલ્‍લા પંચાયત હસ્‍તકનાં માર્ગોની ઠીકનેશ ઓછી હોવાથી તેઓની હાલત અતિ દયનીય બની જાય છે.

જિલ્‍લામાં જે માર્ગ એકવાર બન્‍યા પછી 7 વર્ષ સુધી સરકાર તરફથી ગ્રાન્‍ટ આવતી નથી અનેભારે વાહનોનાં કારણે માર્ગ 6 મહિનામાં બિસ્‍માર બની જતો હોય ગામજનોને સાડા 6 વર્ષ સુધી બિસ્‍માર માર્ગની સમસ્‍યા સહન કરવી પડે છે.

આ અંગે બાબરા ભાજપનાં અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, બાબરા તાલુકાનાં ચરખા-ચમારડી-ભીલડી જવા માટે આર એન્‍ડ બી જીલ્‍લા પંચાયત હેઠળનો જાહેર સીંગલપટ્ટી રોડ આવેલ છે. જે રોડ છેલ્‍લા 7-8 વર્ષથી બિસ્‍માર તેમજ મસમોટા ખાડાઓથી ભયભીત હતો. આ રોડનું કામ સત્‍વરે જ મંજુર થયેલ તેમજ આ રોડ બનતા ચમારડી તેમજ તેમની ઉપરના તમામ ગામોને રાજકોટ, જસદણ જેવા શહેરોમાં કે દવાખાનામાં જવા માટે ખૂબ જ જરૂરિયાતવાળો છે.

વધુમાં જણાવેલ છે કે, ઉંટવડ તેમજ કોટડાપીઠાનાં રાજકોટના ધોરી માર્ગ પર આવેલ સ્‍ટોન ક્રશર ફેકટરી (ભરડીયા) પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેતી, કપચી જેવા બાંધકામમાં વપરાતા માલની તોતીંગ ડમ્‍પર કે હાઈવે જેવા વાહનો અમારા ચરખા-ચમારડી રોડ પરથી દરરોજ મોટા પ્રમાણમાં પસાર થાય છે. તેમજ આ વાહનો ઓવર લોડેડ માત્રામાં ભરાતા હોવાથી આ રોડ ટૂંક સમયમાં તૂટી જાય છે અને પરીણામે અમોને આ રસ્‍તાનો ઉપયોગ ટાળવો પડતો હોય છે અને નવો રસ્‍તો ફરીવાર મંજુર કરાવવા માટે સરકારમાંથી 7-8 વર્ષ પસાર થઈ જતાં હોય છે.

વધુમાં જણાવેલ છે કે, ઓવરલોડવાહનો પર સંપૂર્ણ નિયંત્રણ/અંકુશ લાવો તેમજ ચરખા-ચમારડી રોડ પર ટ્રાન્‍સપોર્ટેશન કરતા વાહનો પર રોક લગાવવામાં આવે અથવા તો આ માર્ગ પર બેરીકેટ (આડશ) લાદવામાં આવે તો આ રસ્‍તાઓનો સુખદ ઉપયોગ કરી શકીએ. તેમ છતાં જો અમોને મંજુરી આપવામાં આવે તો અમો અમારા ખર્ચે સરકારના નિયમોનુસાર રસ્‍તા પર બેરીકેટ મુકાવી દઈએ અથવા સીસીટીવી કેમેરા લગાવી દઈશું.

અંતમાં માર્ગ અને મકાન વિભાગ (જીલ્‍લા)ને તેમજ લાગતા-વળગતી કચેરીઓને જાણ કરી તત્‍કાલ ધોરણે ઓવરલોડેડ વાહનોને રોકવા અંતમાં માંગ કરેલ છે.

 

error: Content is protected !!