સમાચાર

રમશે ગુજરાત, જીતશે ગુજરાત : છલાંગ

રમશે ગુજરાત, જીતશે ગુજરાત : છલાંગ

હરિયાણાની એકશાળામાં પી.ટી. શિક્ષક તરીકે કામ કરતાં મોન્‍ટુ નામક યુવકની વાર્તા પર આધારિત એક મૂવી ‘છલાંગ’ હાલમાં જ એમેઝાન પર રીલીઝ થયું છે. મોન્‍ટુને હકીકતે રમતગમતમાં કોઈ ખાસ રસ હોતો નથી. વળી તે ખૂબ જ આળસુ હોય છે. માત્ર પગાર મળે એટલે નોકરી કરવા ખાતર તે પી.ટી. ટીચર બન્‍યો હોય છે. એકાએક જ તેમની સ્‍કૂલમાં સિનિયર કોચ ઇન્‍દરમોહન સિંહની એન્‍ટ્રી થાય છે. પ્રિન્‍સિપાલ દ્વારા મોન્‍ટુને સિનિયર કોચની નીચે કામ કરવાની સૂચના આપવામાં આવે છે. જે તેને બિલકુલ પસંદ પડતું નથી અને વાત નોકરી જતી રહેવા સુધી પહોંચી જાય છે.

પોતાની નોકરી અને ઇજ્જત બંને બચાવવા માટે મોન્‍ટુ પોતે અને સિનિયર કોચ દ્વારા પસંદ કરાયેલ વિધાર્થીઓની બનાવેલી સ્‍કૂલના બાળકોની બે ટિમ વચ્‍ચે કોઈપણ ત્રણ રમત માટે હરીફાઈ ગોઠવવાનું સૂચન કરે છે. જેની ટિમ હારે તેણે પી.ટી. ટીચર તરીકે નોકરી છોડીને જતું રહેવાનુ રહેશે એ આ હરિફાઈની અંતિમ શરત રાખવામા આવી હોય છે. બાસ્‍કેટબોલ, રિલે રેસ અને કબડ્ડીની સ્‍પર્ધાઓ આ બંને ટિમ વચ્‍ચે યોજાય છે. સારામાં સારા ખેલાડીઓ સિનિયર કોચ પાસે હોવા છત્તા અને મોન્‍ટુ પાસે નબળા ખેલાડીઓ અને ગર્લ્‍સની ટિમ હોવા છત્તા મૂવીના અંતમાં મોન્‍ટુની ટિમ વિજેતા બને છે.

ફિલ્‍મનો એક પ્‍લસ પાઇન્‍ટ એ છે કે એમાં ઘણા મેસેજઆપવામાં આવ્‍યા છે, જેમ કે માત્ર ભણે રાખવા કરતાં બાળકોને સ્‍પોટર્સમા પણ આગળ કરવા જોઈએ, છોકરો અને છોકરીમા સમાનતા રાખવી, સેલ્‍ફ-રિસ્‍પેકટ હોવી જોઈએ, હોંશિયારને તો બધા વિજેતા બનાવી શકે પરંતુ નબળાને હોંશિયાર સાથે હરીફાઈ કરતો કરી બતાવે એ જ સાચો શિક્ષક. સ્‍પોટર્સ પર આધારીત ઘણી ફિલ્‍મો આ દશકામાં આપણને જોવા મળી છે. આપણે એ પૈકી ઘણી ફિલ્‍મોથી પ્રભાવિત પણ થયા છીએ. જેમકે સુલતાન, મેરિકોમ, ગોલ્‍ડ, દંગલ, એમ.એસ. ધોની., ભાગ મિલખા ભાગ, ચક દે ઈન્‍ડિયા, પાનસિંહ તોમર વગેરે.

અત્‍યારના મોબાઇલ યુગમાં બાળકો અને યુવાનો રમતગમતથી વિમુખ થતાં જોવા મળી રહ્યા છે. વર્ષો પહેલા ગલીએ ગલીએ રમાતી ખો-ખો, કબડ્ડી, ધમાલ ધોકો, પકડમપટ્ટી જેવી રમતો નામશેષ થવા પર છે. હાલમાં જયાં જુઓ ત્‍યાં ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. જયારે હકીકતે મેદાનમાં ક્રિકેટને બદલે સટ્ટો રમાતો જોવા મળે છે. આઈ.પી.એલ. જેવા કોમર્શિયલ જુગારી ક્રિકેટયુગમાં હિંદુસ્‍તાન-પાકિસ્‍તાનના મેચ સમયે હવે પહેલા જેવો રોમાંચ, કટોકટી કે દેશદાઝ કે પછી મેચ બાદ ફટાકડા ફૂટતા નજરે પડતા નથી. ઓલમ્‍પિક રમતોમાં પણ અન્‍ય દેશોની સરખામણીમાં આપણે નાના બચ્‍ચા જ સાબિત થઈએ છીએ. કેટલીયે રમતોમાં તો આપણે કવોલિફાઇ પણ થતાં નથી.

એક તરફ એવુંકહેવાય છે કે, બાળકના સર્વાંગી વિકાસ માટે સ્‍પોટર્સ ખૂબ મહત્‍વનુ છે. મેદાન વગર શાળાને મંજૂરી નથી મળતી. ખેલમહાકુંભ નામથી લાખો છોકરાઓના નામ રજીસ્‍ટ્રેશન કરાવીને કેટલીક રમતો રમાડી દેવાનો જબરદસ્‍ત ખેલ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે. કહેવામા એવું આવે છે કે અમે રમતગમતને પ્રોત્‍સાહન આપવા માટે ખેલમહાકુંભ કરીએ છીએ. પરંતુ હકીકતે ઉદ્‌ેશ કઈ અલગ જ હોવાનું ઘ્‍યાને આવ્‍યું છે. હકીકતે જો રમતગમતને પ્રાધાન્‍ય આપવાની જ સરકારની ગણતરી હોય તો સૌથી પહેલા તો દરેક સરકારી, ખાનગી તમામ શાળા કોલેજોમાં  સ્‍પોટર્સ શિક્ષકોની ભરતીઓ કરવાની તાતી જરૂરિયાત છે. મને યાદ નથી કે છેલ્લા રપ વર્ષોમા ગુજરાતમાં પી.ટી. શિક્ષકોની ભરતીઓ થઈ હોય !!

લગભગ દરેક યુનિવર્સિટીઓમાં બી.પી.એડ. અને ડી.પી.એડ. કોલેજો બંધ થઈ ગઈ છે અથવા તો બંધ થવાની અણીએ છે. ખેલમહાકુંભના નામે આવતી લાખો રૂપિયાની ગ્રાંટસ બિનજરૂરી વપરાય જતી હોય છે. અમારા જૂનાગઢની વાત કરું તો જીમખાના પર અમુક રાજકીય તત્‍વો કબ્‍જો જમાવી બેઠા છે. સભ્‍ય બનવાની ફી એટલી ઊંચી રાખવામા આવી છે કે આપણી જેવા સામાન્‍ય માણસ સભ્‍ય બની જ શકે નહીં. એ સિવાય અહીના ઝફર મેદાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ વાપરીને અધૂરું બનાવેલ ઈન્‍ડોર સ્‍પોટર્સ સ્‍ટેડિયમ કંડમ હાલતમાં પડયુંછે. કરોડો રૂપિયાના આ બિલ્‍ડિંગમાં અત્‍યારે માલધારીઓ ઢોર બાંધે છે.

ફિઝીકલ એજયુકેશનના શિક્ષકોની હાલત અત્‍યારે કફોડી થઈ ગઈ છે. હું ઓળખું છું એવા કેટલાક ખૂબ જ ટેલેંટેડ શિક્ષકોનું ખાનગી સસ્‍થાઓમાં ખૂબ જ ઓછા પગારમાં શોષણ થઈ રહ્યું છે. કેટલાક સ્‍પોટર્સના સાધનોની નાની દુકાનો ખોલી બેઠા છે. હમણાં મારા જ પાંડેજી પાર્સલ પોઈન્‍ટ રાજકોટ ખાતે એક બી.પી.એડ. કરેલા સિનિયર શિક્ષક નોકરી માંગવા આવેલા અને માત્ર પાંચ હજાર રૂપિયા પગારમાં પણ કામ કરવા તૈયારી દર્શાવી હતી. જે ઘટના મને આ વિષય ઉપર લેખ લખવા પ્રેરણારૂપ બની.

મને યાદ છે કે હું એક હાઇસ્‍કૂલમાં વિજ્ઞાન શિક્ષક હતો. ઇન્‍ટરવ્‍યુ આપવા ગયો ત્‍યારે મે શરત મૂકેલી કે પગાર તમે જે આપો તે લઈ લઇશ. પરંતુ વિજ્ઞાનની સાથોસાથ મેદાન પર  સ્‍પોટર્સ ટીચર તરીકે પણ કામ કરવા મળે તો જ નોકરી કરવી છે. ભલે હું સ્‍પોટર્સનું ભણ્‍યો નથી પરંત સ્‍પોટર્સ પ્રત્‍યે મારો આ લગાવ હતો. મારે છોકરાઓને વિવિધ રમતોમાં તૈયાર કરવા હતા. અમારા સ્‍પોટર્સ ટીચર કલાસમાં માત્ર થીયરી ભણાવતા અને હું પ્રેકિટકલના લેકચરમાં મેદાન પર રમતો રમાડતો. સ્‍પોટર્સથી જીવન જીવવાનો અભિગમ જળવાઈ રહે છે. સ્‍પોટર્સથી એક ડિસિપ્‍લિન જન્‍મે છે. સ્‍પોટર્સમેન કયારેય જીવનની મુશ્‍કેલીઓ સામે હાર માનતો નથી. સ્‍પોર્ટસવ્‍યક્‍તિતને માનસિક અને શારીરિક મજબૂતી પ્રદાન કરે છે.   કાગળ ઉપર કદાચ સ્‍પોટર્સ પ્રવૃતિઓમાં આપણું રાજય નંબર વન હશે પરંતુ વાસ્‍તવિકતામાં આપણે ઝીરો છીએ. તાલુકે તાલુકે સ્‍પોટર્સ કોમ્‍પ્‍લેક્ષ બનાવવા માટે ગ્રાંટસ ફાળવવામાં આવી છે. કેટલીક જગ્‍યાએ સ્‍પોટર્સ કોમ્‍પ્‍લેક્ષ બન્‍યા પણ ખરા પરંતુ હાલ એમથી કેટલા પ્રવૃત્ત છે ? રાજકોટમાં કલેકટર કચેરીમાં જિમ બનાવવામાં આવ્‍યું. મારા જાણ મુજબ માત્ર ઉચ્‍ચ અધિકારીઓ જ ત્‍યાં કસરત કરી શકે છે. બીજાઓ માટે ત્‍યાં કસરત કરવાની મનાઈ છે. પોલીસમાં જોડાવા માટે ફિટનેસ જરૂરી પરંતુ એક વખત જોડાઈ ગયા પછી ભલે ફાંદ બહાર નીકળી જાય !

લોકલ લેવલે પણ સારા ખેલાડીઓને પ્રોત્‍સાહન આપવામાં આવતું નથી. કેટલાક જાગૃત વાલીઓ પોતાના બાળકોને કોઈ એક સ્‍પોર્ટસમાં આગળ લાવવા માટે ખૂબ મહેનત કરતાં ઘણીવાર જોવું છું પરંતુ સ્‍પોર્ટ્‍સમાં પ્રવેશેલું રાજકારણ આ છોકરાઓને આગળ વધતાં રોકે છે. અંડર 14 કે અંડર 16 જેવી પસંદગીઓમાં પણ લાગવગશાહી વધી ગઈ છે. મોટા મોટા નેતાઓના દીકરાઓ કે જે પોતે જે-તે રમત વિષે કશું જ્ઞાન કે આવડત ધરાવતા નથી તેઓ અત્‍યારે રમતગમત એસોશિએશ નોના પ્રતિનિધિ બની બેઠા છે.

આપણે ત્‍યાં ગામેગામ વિરાટ કોહલી, સાયના નહેવાલ, અભિનવ બિંદ્રા, મેરિકોમ, સાનિયા મિર્જા, મિલખાસિંઘ પડયા છે. જરૂર છે એમને શોધવાની અને તરાશવાની. જરૂર છે એમને જરૂરી સગવડતાઓ પૂરી પાડવાની. જરૂર છે સ્‍પોટર્સને મહત્‍વ આપવાની. ખાલી ખેલમહાકુંભ કરવાથી કઈ નહીં વળે. નક્કર પરિણામો લાવવા માટે સ્‍પોટર્સ કોલેજો બંધ થવાને બદલે વધુને વધુ ખૂલવી જરૂરી છે.

error: Content is protected !!
%d bloggers like this: