સમાચાર

મતદારો હવે ઉમેદવારોને મૂંઝવી રહૃાા છે

ધારી-બગસરાની પેટા ચૂંટણીમાં નવો ટ્રેન્‍ડ શરૂ થયો

ભૈ વાહ : મતદારો હવે ઉમેદવારોને મૂંઝવી રહૃાા છે

રાજકીય પક્ષોનાં કે અપક્ષ ઉમેદવારો ભાષણ આપીને શાંતિથી જતા રહેતા તે બાબત હવે પુરાણી બની

યુવાનો, મહિલાઓ સહિત સૌ કોઈ હવે સોશ્‍યલ મીડિયાથી વધારે વિગતો જાણતા થયા છે

ધારીનાં પ્રેમપરામાં ભાજપનાં સંમેલનમાં યુવાનોએ અનેક વેધક પ્રશ્‍નો ઉભા કરીને મુશ્‍કેલી ઉભી કરી દીધી

ધારી, તા.30

ચૂંટણીઓ આવે છે ને જાય છે. નેતાઓ મંચ પરથી ભાષણ આપી ચાલ્‍યા જાય છે અને જનતા તમામ પ્રશ્‍નો, સમસ્‍યાઓ તેઓ દૂર કરી દેશે તેવું નેતાઓના વકતવ્‍ય પરથી લોકોના મનમાં બેસાડાય છે પરંતુ હવે આ ટ્રેન્‍ડ બદલાયો હોય તેવું આ વખતની પેટા ચૂંટણી પરથી લાગી રહયું છે. હવે જનતા પોતાની વાત નેતા સમક્ષ કહેવાનો એક પણ મોકો હાથમાંથી જવા દેવા માંગતા નથી. તેવામાં ધારીના પ્રેમપરામાં ભાજપની મિટીંગમાં યુવાનોએ ભાજપના ઉમેદવારની પત્‍નિને વેધકસવાલો પૂછયા હતા.

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ભળી જનાર જે.વી. કાકડીયાને ભાજપે ટિકિટ આપી છે. જેના પ્રચાર માટે તેમના પત્‍નિ ગતરાત્રીના ધારીના પ્રેમપરામાં મિટીંગ માટે ગયા હતા. જયાં સ્‍થાનિક યુવાનો દ્વારા ઉભા થઈ તેમને અનેક સવાલો કર્યા હતા. જેનો વિડીયો સામે આવ્‍યો હતો. જેમાં યુવાનો કહી રહયા છે કે દુષ્‍કર્મના આરોપી પર કેમ કાર્યવાહી થતી નથી. અવાર- નવાર દલિતો પર અત્‍યાચાર થાય છે. ત્‍યારે કોઈ કેમ આવેદન પત્ર આપવા સાથે આવતા નથી. (હાથરસની ઘટનામાં પણ કેમ આરોપીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી) જેવા અનેક સવાલો કર્યા હતા. એક મિનિટ બાવીસ સેકન્‍ડના વિડીયોમાં દુષ્‍કર્મની ઘટનાનો વારંવાર ઉલ્‍લેખ કરાયો હતો અને દલિત લોકો પર જ અત્‍યાચાર થતો હોવાનું યુવાનો જણાવી રહયા હતા.

થોડા દિવસો અગાઉ પણ જયારે સરકારના મંત્રી જયેશ રાદડીયા ચૂંટણી પ્રચાર અર્થે આવ્‍યા હતા. ત્‍યારે જે.વી. કાકડીયાની મિટીંગમાં પોતાની વાત પૂરી કરી બેસવા જતા હતા ત્‍યારે એક યુવાને જણાવ્‍યું હતું કે પહેલા એક રોજગારનો મુદો લઈ લો તો પહેલા છેલ્‍લા બે વર્ષથી ધંધા રોજગાર ઠપ્‍પ છે. અમે રાત દિવસ પરીક્ષાની તૈયારી કરીએ ને પેપર ફોડી નાખવામાં આવે અમે ખેડૂતના દીકરી છીએ અમારે પણ આગળ વધવું છે. અમે તૈયારીકરીએ ને તૈયારી પર પાણી ફરી જાય છે. જેના જવાબમાં જે.વી. કાકડીયાએ કોઈ જવાબ આપ્‍યો નહોતો અને મંત્રી જયેશ રાદડીયા સામે હાથ કરી જવાબ આપવા જણાવતા જયેશ રાદડીયાએ કહયું હતું કે હું કહું છું અને બેસી જવા ઈશારો કર્યો હતો.

આમ પેટા ચૂંટણીમાં અનેક વખતે જનતા પોતાના સવાલો નેતાને કરવા લાગી છે. માત્ર ને માત્ર ભાષણ સાંભળીને જતા રહયાનો ટ્રેન્‍ડ હવે પૂરો થયો લોકો હવે પોતાના પ્રશ્‍નો કરી નેતાઓને મૂંઝવી રહયા છે.

જનતા મોંઘવારી, મંદી, બેરોજગારી, ખેડૂતોની સમસ્‍યા, અપરાધ, દુષ્‍કર્મ, ડીઝલના ભાવ, શિક્ષણ, આરોગ્‍ય જેવા પાયાની સમસ્‍યાઓ દૂર કરવા મથી રહી છે. તેવામાં નેતાઓ પોતાના ગુણગાન વિકાસ ગાથા અને ફુલ ગુલાબી સરકારી ચિત્ર રજૂ કરવા મથી રહયા છે. પરંતુ હવે જનતા પોતાની સમસ્‍યાઓ નેતાને મોઢે જ જણાવી દેવાનો એક પણ મોકો જવા દેતા નથી. ખાસ કરીને યુવાનો હવે આગળ આવી નેતાઓને પ્રશ્‍ન કરવા લાગ્‍યા છે અને પ્રશ્‍નો કરતા યુવાનો નેતાને ગમતા નથી તે પણ        વાસ્‍તવિકતા છે.

error: Content is protected !!