સમાચાર

દરેક ઘરમાં જીવતો એટમબોમ્‍બ રહેલો છે –

દરેક ઘરમાં જીવતો એટમબોમ્‍બ રહેલો છે –

હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્‍યઘટના છે. એક ત્રણમાળના એપાર્ટમેન્‍ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્‍ટોરન્‍ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફલેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્‍યવસ્‍થા કરી આપેલ. આ રેસ્‍ટોરન્‍ટની ફ્રેંચાઇઝી અન્‍ય શહેરમાં આપેલ હોય ત્‍યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફલેટમાં સુવાની વ્‍યવસ્‍થા કરી આપેલ.

આ પૈકીનાં જૂના રસોઈયાઓએ સવારે વહેલા ઊઠીને પોતાની દૈનિક રોજનીશી મુજબ બટેટા બાફવા માટે ચૂલે ચડાવ્‍યા. ગેસની બોટલ ખાલી થઈ ગઈ હોવાથી નવી બોટલમાં રેગ્‍યુલેટર ફિટ કરીને ગેસ શરૂ કર્યો અને બાકસથી ચૂલો પેટાવ્‍યો. અહી રેસ્‍ટોરન્‍ટનો વધારાનો પેકેજિંગ સામાન, વધારાનું કરિયાણું, ગેસની વધારાની બોટલ વગેરે સામાન પણ રાખેલો હતો. હવે બન્‍યું એવું કે, એકાએક જ ચૂલા પાસે નાનકડો ભડકો થયો અને ગેસની નળી વાટે આગ બોટલ સુધી આગળ વધવા લાગી. આ સમયે નવા આવેલા બંને રસોઈયાઓ હજુ સૂતા હતા અને તાલીમ મેળવેલ જૂના રસોઈયાઓ પૈકી એક રસોઇયો બાથરૂમમા ફ્રેશ થવા ગયો હતો પરંતુ બાકીના બે રસોઈયાઓ તરત જ રસોડા તરફ ગેસ બંધ કરવા દોડયા પરંતુ તેઓ ત્‍યાં પહોંચે એ પહેલા જ આગ     નળી મારફતે ગેસની બોટલ સુધી પહોંચી ગઈ હતી અને એકાએક જ નળી ફાટતા આગરસોડામાં ફેલાઈ ગઈ.

તાલીમ મેળવેલ બંને રસોઈયાઓએ સૌથી પહેલા તાત્‍કાલિક ફલેટનો મુખ્‍ય દરવાજો ખોલીને ત્‍યાં રહેલી વધારાની ગેસની તમામ બોટલને ખેંચીને બહાર મૂકી દીધી અને પછી તરત જ ફલેટ પર રહેલા પીવાના પાણીના કેરબાઓની મદદથી રસોડામાં લાગેલી આગને ઠારવાનો પ્રયત્‍ન કરવામાં લાગી ગયા. આટલામાં બાથરૂમમાં ગયેલો રસોઇયો પણ બહાર આવીને ડોલમાં પાણી ભરીને આગ ઠારવામાં લાગી ગયો. અન્‍ય એક નવો આવેલો રસોઈયો પણ ઊંઘમાથી ઊઠીને ફલેટમાં રહેલો વધારાનો સામાન બહાર કાઢવા લાગ્‍યો. તાલીમ પામેલા રસોઈયાઓને ખ્‍યાલ હતો કે ભલે રસોડામાં આગ લાગી હોય પરંતુ ગેસનો બાટલો જલ્‍દીથી ફાટતો નથી. આથી તેઓએ અડોશી-પડોશીઓની મદદથી આગ બુઝાવવાના શકય પ્રયત્‍નો કર્યા અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવીને તેને ભયંકર સ્‍વરૂપ ધારણ કરતાં અટકાવી લેવામાં આવ્‍યો.

આ ગણતરીની મિનિટો દરમિયાન કોઈએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર સ્‍ટાફ પણ તાત્‍કાલિક હાજર થઈ ગયો. આમ આગને કારણે રસોડાને થોડું નુકસાન થયા સિવાય કોઈને ખાસ ઇજા પણ થઈ નહીં. પરંતુ એકાએક જ આ રસોઈયાઓને ખ્‍યાલ આવ્‍યો કે, થોડા દિવસ પહેલા જ તાલીમ લેવા આવેલો એક ઓગણીસ વર્ષીય રસોઈયો જે અંદરના રૂમમાં સૂતો હતો એ દેખાતો નથી. એકાએક જ ખ્‍યાલઆવ્‍યો કે, આગ ઓલવવાની ભાગદેડ શરૂ હતી તે દરમિયાન જ ઊંઘમાથી ઊઠીને એક ગર્ભિત ડરને કારણે સીધો જ એ નવયુવાન રસોઇયો પોતાના રૂમની બાલ્‍કનીમાથી નીચે કૂદી ગયો હતો. નીચે અથડાવાને કારણે મોઢા અને માથામાં ઇજા થતાં હેમરેજને કારણે તેનું સ્‍થળ પર જ મૃત્‍યુ નીપજયું હતું.

આ ઘટનાની જાણ થતાં મે બાબરા ખાતે ગેસ એજન્‍સી ધરાવતા નરૂદાદા ત્રિવેદી સહિત ડીઝાસ્‍ટર મેનેજમેંટની તાલીમ મેળવેલ મારા ફરજકાળ દરમિયાનના દાહોદ ડી.પી.ઓ. વિરલભાઇ સાથે વાત કરી. મને કેટલીક વધારાની અને તદ્ર નવી ટેકનિકલ પ્રકારની બાબતો જાણવા મળી. આ બાબતો જાણવાથી મને સૌથી પહેલા મારા જ મમ્‍મી અને મારી ધર્મપત્‍નીની ચિંતા થઈ અને દરેક ઘરની જવાબદારી સંભાળતી તમામ ગૃહિણીઓની પણ ચિંતા થઈ. એટલે રાંધણગેસથી અકસ્‍માત ન સર્જાય તે માટે શું તકેદારી રાખવી અને જો આ પ્રકારની કોઈ દુર્ઘટના સર્જાય તો શું કરવું એ બાબતે આપ સેને જાગૃત કરવા આ લેખ લખવાનો વિચાર આવ્‍યો. નરૂદાદાનું એક વાકય મને ચિંતામાં નાંખી ગયું કે, સાહેબ, આ ગેસના બાટલાઓ દરેક ઘરમાં રહેલા જીવતા એટમ          બોમ્‍બ છે…

આ પ્રકારની ઘટનાઓ કોઈપણ જગ્‍યાએ ઘટી શકે છે. કેટલાક નિશ્ચિત કારણો આવા અકસ્‍માત માટે જવાબદાર હોય છે. જેમકે કેટલાક ઘરોમાં જયાં રસોડુ નાનું હોયછે અથવા તો ગૃહિણીઓ ઊભીને રસોઇ કરવાના બદલે નીચે બેસીને રસોઈ કરવા ટેવાયેલ હોય ત્‍યાં ગેસની બોટલની બાજુમાં નીચે ચૂલો રાખવામા આવતો હોવાનું જોવા મળે છે. દરેક ગૃહિણીએ ખાસ ખ્‍યાલ રાખવો કે ગેસનો ચૂલો ગેસની બોટલથી નીચેના ભાગે રાખવો જોઈએ નહીં. પ્‍લેટફોર્મ સિસ્‍ટમ બહુ જરૂરી છે. પ્‍લેટફોર્મ ઉપર ચૂલો રહે અને નીચેના ભાગે ગેસની બોટલ રહે એ જ પઘ્‍ધતિ દરેક ઘરમાં અપનાવવી જોઈએ. મોટાભાગે ગેસ લીકેજને કારણે થતાં અકસ્‍માતોમાં ક્ષતિયુકત સાધનો જવાબદાર હોય છે. સિલિન્‍ડર, નળી, રેગ્‍યુલેટર જેવા સાધનોની બનાવટમાં રહેલી ખામીઓ મુખ્‍યત્‍વે જવાબદાર     હોય છે.

જયારે પણ ગેસની નવી બોટલ ઘરે આવે છે ત્‍યારે સેથી પહેલા તો સિલિન્‍ડરના ઉપરના ભાગે મોટી ગોળ રીંગની નીચે આવેલી ત્રણ પટ્ટીઓ પૈકીની એક પટ્ટીની અંદરની તરફ કાળા કલરમાં કોડમાં સિલિન્‍ડરની એકસપાયરી ડેટ લખેલી હોય છે, તે ચકાસવી. જેમાં લખેલ આલ્‍ફાબેટ ‘બ’ થી ‘મ’ જે વર્ષના ત્રણ ત્રણ મહિનાના કવાર્ટર બતાવે છે અને પછીના બે આંકડા વર્ષ બતાવે છે. દાખલા તરીકે અરર લખેલું હોય તો માર્ચ ર0રર પછી આ સિલિન્‍ડર વાપરવું મુસીબત સર્જી શકે છે એમ સમજવું. આવું સિલિન્‍ડર આકસ્‍મિક કારણોસર બોમ્‍બની જેમ ફાટવાની સંભાવના રહેલી હોય છે. જો એકસપાયરી ડેટ વાળુંસિલિન્‍ડર આપવામાં આવે તો સ્‍વીકારવું જોઈએ નહીં.

જયાં રેગ્‍યુલેટર ફિટ કરીએ છીએ ત્‍યાં સિલિન્‍ડરના ઉપરના ભાગે અંદરની તરફ એક રિંગ આવેલી હોય છે એ ખૂબ જ અગત્‍યની રિંગ ગણાય છે તે ડેમેજ હોવી જોઈએ નહી એ ખાસ ચકાસવું. જો આ રિંગ ડેમેજ હોય તો એજન્‍સીમાં ફોન કરીને ગેસની બીજી બોટલ મંગાવવાનો આગ્રહ રાખવો જોઈએ. કેટલીક વખત કેટલીક ગેસની બોટલોમાં તો આ રિંગ જ હોતી નથી, જેના કારણે અકસ્‍માત થવાનો ભય પૂરેપૂરો રહેલો છે. જયારે આપણે રેગ્‍યુલેટર ફિટ કરીએ છીએ ત્‍યારે પણ જો સતત ગેસની વાસ આવતી હોય તો પણ એજન્‍સીને તરત જ ચેક કરી જવા માટે જાણ કરવી હિતાવહ છે.

સોનેરી સલાહ એ છે કે, રસોડામાં ગેસની બોટલ રાખવાને બદલે રસોડામાથી પાઇપ કાઢીને બહાર ફળિયામાં ખુલ્લી જગ્‍યાએ ગેસની બોટલ રાખવાની વ્‍યવસ્‍થા કરવી જોઈએ. હાલ ઘણા જાગૃત વ્‍યકિતઓ પોતાના ઘરમાં આ પ્રકારની વ્‍યવસ્‍થા કરાવતા જ હોય છે. ન કરે નારાયણ અને જો ગેસની બોટલમાં કોઈ ખામી હોય કે ગેસની નળીમાં લીકેજ હોય તો પણ આવી વ્‍યવસ્‍થા કરવાથી આપણાં પરિવારની કોઈ વ્‍યક્‍તિતના જીવનું જોખમ રહેશે નહીં. નવા ગેસ કનેકશન વખતે કે ગેસની નળી બદલતી વખતે       નળીનું બિલ લેવાનું પણ યાદ રાખવું તથા નળી તેના નોબમાં પૂરેપુરી ફિટ થાય એ પણ ઘ્‍યાનરાખવું, જેથી ગેસ લીકેજ થાય નહીં.

આપણે ઘરે આવતા કોઈપણ એજન્‍સીના રાંધણગેસના બાટલામા મિથેન નામનો વાયુ એકદમ પ્રેશરથી ઠસોઠસ ભરવામાં આવેલ હોય છે. મિથેન નામનો આ વાયુ વૈજ્ઞાનિક ભાષામાં હાઇડ્રોકાર્બન શ્રેણીનો પ્રથમ વાયુ છે. આ વાયુઓ જવલનશીલ હોય છે. એટલે કે તરત સળગી ઊઠે તેવા હોય છે. વધુમાં વાતાવરણમાં રહેલો ઓકસીજન વાયુ સ્‍વભાવે દહનપોષક હોય છે. એટલે કે સળગતા પદાર્થને સળગતો રહેવામાં તેને મદદરુપ થવાની પ્રકૃત્તિ ધરાવે છે. વાતાવરણમાં એકવીસ ટકા ઓકસીજન રહેલો છે. મનુષ્‍યને જીવતા રહેવા માટે પણ ઓકસીજન જરૂરી છે પરંતુ આગજન્‍ય અકસ્‍માત સમયે મનુષ્‍યના મૃત્‍યુ માટે પણ પરોક્ષ રીતે ઓકસીજન જવાબદાર ખરો.

ગેસ સિલિન્‍ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્‍માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્‍ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્‍ડરમાં ભરવામાં આવે છે. ગેસની બોટલ આપણા રસોડા સુધી પહોંચે એ પહેલા તેને મોટા પાણીના હોજમાથી પણ પસાર કરીને લીકેજ બાબતની ચકાસણી કરવા સહિત અન્‍ય કેટલાયે પરિક્ષણ કરવામાં આવતાહોય છે. પરંતુ તેમ છત્તા પણ છાશવારે અકસ્‍માતો બનતા રહે છે તે હકીકત છે. આથી અકસ્‍માતો બનતા અટકાવવા અને અકસ્‍માત થાય તો જાન-માલનું નુકસાન થતું અટકાવવા માટે આપણે કેટલીક બાબતોથી જાગૃત હોવું જરૂરી છે.

થોડા વર્ષો પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં ત્રાંબોડા ગામમાં એક જ પરિવારના આઠ વ્‍યક્‍તિતઓએ આવી જ એક ગેસ લીક થવાથી સર્જાયેલી દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવેલા. આ ઘટના સમયે હું બાબરા મામલતદાર તરીકે ફરજનિષ્ઠ હતો. ગેસ સિલિન્‍ડરમાં રહેલી ખામીને કારણે ચૂલો પેટાવતા જ સિલિન્‍ડરના આગળના ભાગેથી આગ નીકળવા લાગેલ. પરંતુ અહી વર્ણવેલી પ્રાથમિક જાણકારી ન હોવાના કારણે અને આગ ઓલાવવાની મથામણ દરમિયાન કેટલોક સમય જતો રહ્યો અને બહારના તાપમાનમાં સતત વધારો થતાં રહેતા એકાએક જ વિસ્‍ફોટ થયો અને તે સમયે ઘરમાં રહેલા તમામ સભ્‍યો ગંભીર રીતે દાઝી ગયા. જે ઘરમાં અકસ્‍માત સર્જાયેલ તેજગ્‍યાની પરિસ્‍થિતિ મે મારી સગી આંખે જોયેલી. ઈશ્વર આવી દયનીય પરિસ્‍થિતિમાં કોઈને મૂકે નહીં એવી જ પ્રાર્થના કરું છું.

અમુક અમુક બાબતો ખૂબ સામાન્‍ય છે જેમકે રાત્રે સુવા પહેલા અથવા જયારે ગેસ વાપરવાની જરૂરિયાત ન હોય ત્‍યારે રેગ્‍યુલેટર બંધ કરવું. રસોડામાં સેનિટાઈઝર કે મચ્‍છર/કોંકરોચ મારવાના સ્‍પ્રેનો વપરાશ કરવો નહીં.બને ત્‍યાં સુધી બાકસને બદલે લાઇટરનો જ ઉપયોગ કરીને ચૂલો પેટાવવો. રસોડામાં ગેસ શરૂ હોય ત્‍યારે બારી કે બાલ્‍કનીમાથી પવન આવે અને ચૂલો ઠરી જાય નહીં તે બાબતની તકેદારી રાખવી. બને ત્‍યાં સુધી રસોઈ બનતી હોય ત્‍યારે ચૂલા પર કશું રાંધવા મૂકીને આઘુપાછું જવું નહીં. રસોડામાં સળગી ઊઠે તેવા પદાર્થો જેમકે કેરોસીન, પેટ્રોલ, કાગળ કે લાકડાની કોઈ ચીજ-વસ્‍તુઓ બને ત્‍યાં સુધી રાખવી નહીં.

પૂરતી તકેદારી રાખવા છત્તા પણ જો અકસ્‍માત સર્જાય તો સૌથી પહેલા એ મગજમાં રાખવું કે, ગેસનો બાટલો કયારેય તાત્‍કાલિક ફાટતો નથી. આથી ઘબરાવું નહીં અને ઘાંઘાવાંઘા થવું નહીં. લેખની શરૂઆતના કિસ્‍સામાં જે બન્‍યું કે યુવાન બીકને કારણે બાલ્‍કની કૂદી ગયો એવી ભૂલ આપણાથી થાય નહીં એ ખાસ ઘ્‍યાન રાખવું. જયાં સુધી બહારનું તાપમાન ખૂબ વધી જાય નહીં ત્‍યાં સુધી બાટલો ફાટે નહીં. આથી આવી પરિસ્‍થિતિ સર્જાય તો ઘરમાથી એકાદ મુખ્‍ય વ્‍યક્‍તિત સિવાયના તમામ વડીલો/ બાળકો/ મહિલાઓને ઘરની બહાર મોકલી દેવા. તાત્‍કાલિક જાડું કપડું/ પડદો/ ગોદડું જે મળે તે લઈ તેને ભીનું કરીને ગેસ સિલિન્‍ડરની ફરતે અને ઉપર મોઢા પર ઢાંકી દેવું. આવું કરવાથી ગેસ બહાર નીકળતો અને સળગતો બંધ થઈ જશે, ઓકસીજન મળતો બંધ થશે અને બહારનું તાપમાન પણ વધશેનહીં. આથી ગેસનો બાટલો ફાટશે નહીં. આવા સમયે કોઈ ઇલેકટ્રીક ઉપકરણો ચાલુ-બંધ કરવા નહીં. અંધારૂ હોય તો મોબાઇલની ફલેશલાઇટનો ઉપયોગ કરવો.

બને ત્‍યાં સુધી રસોડામાં ફાયરપ્રૂફ મટિરિયલ્‍સનો ઉપયોગ કરીને ફર્નિચર અને પી.ઓ.પી. બનાવવાનો આગ્રહ રાખવો. આ બાબતે આપના વિસ્‍તારના ફાયર ઓફિસરનો પણ રૂબરૂ સંપર્ક કરીને જરૂરી જ્ઞાન મેળવી શકીએ છીએ. તાત્‍કાલિક 108 અથવા સીધો જ ફાયર શાખાનો સંપર્ક કરવો. તમારા જિલ્લાની કલેકટર કચેરીનો ડીઝાસ્‍ટર કંટ્રોલરૂમ વર્ષના તમામ દિવસોએ ચોવીસ કલાક કાર્યરત હોય છે. અહી પણ જાણ કરવાથી આગને કાબુમાં લેવા માટે તાત્‍કાલિક કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્‍યક્‍તિતએ પોતાના ઘરમાં તેમજ એપાર્ટમેન્‍ટસમાં રહેતા લોકોએ પણ સ્‍થાનિક કમિટીમાં રજૂઆત કરીને દરેક ફલોર પર ફાયર એકસટિંગ્‍યુંસરની વ્‍યવસ્‍થા રાખવી જોઈએઅને તેને વખતો વખત રિન્‍યૂ પણ કરતાં રહેવા જોઈએ.

એક વાત ખાસ યાદ રાખવી કે, આગ લાગે ત્‍યારે તેના પર જો તરત કાબૂ કરવામાં નહીં આવે તો તે ધીમે ધીમે વિકરાળ સ્‍વરૂપ લેવા લાગશે. આથી જયારે પણ આવી દુર્ઘટના સર્જાય ત્‍યારે તેને ઉપર જણાવ્‍યા પ્રમાણે કીમિયાઓ અજમાવીને અને લોકલ આગ ઓલવવાના સાધનોની મદદથી ઊગતા જ ડામી દેવા હિતાવહ રહેશે.

error: Content is protected !!
%d bloggers like this: