સમાચાર

બાબરા પંથકમાં મેઘરાજાએ વિદાય લેતાં ખેડૂતોએ મગફળીનાં પાકને ઉપાડવાનો પ્રારંભ કર્યો

અતિવૃષ્‍ટિનાં કારણે ખેડૂતોને વ્‍યાપક નુકસાની વચ્‍ચે

હાશકારો : બાબરા પંથકમાં મેઘરાજાએ વિદાય લેતાં ખેડૂતોએ મગફળીનાં પાકને ઉપાડવાનો પ્રારંભ કર્યો

દર વર્ષે વિઘે 1પ થી ર0 મણને બદલે પ થી 10 મણનો ઉતારો

બાબરા, તા.6

બાબરા પંથકમાં આ વર્ષે ખેડૂતોને મગફળીના પાકમાં ભારોભાર નુકસાન આવતા રાતાપાણીએ રોવાનો વારો આવી રહયો છે. કારણ કે જે રીતે મગફળીના પાકની માવજત મોંઘી દવા, ખાતર અને બિયારણો નાખી આકરી મજૂરી કરવામા આવી હતી. તેની સામે સામાન્‍ય ઉત્‍પાદન નીકળતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્‍યાપી ગઈ છે અને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો ખેડૂતોને આવી રહયો છે.

બાબરાના જાણીતા કૃષિ નિષ્‍ણાંત દિનેશભાઈ પોંકીયાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે તાલુકામાં દર વર્ષે સરેરાશ પ0%ની આસપાસ મગફળીનું વાવેતર થાય છે અને તેમાં ખેડૂતોને સારૂ ઉત્‍પાદન મળતા દર વર્ષે બે પાંચ ટકાનોવાવેતરમાં વધારો થતો જોવા મળી રહયો છે. પણ આ વર્ષે સતત વરસાદ અને રોગના કારણે મગફળીનું વાવેતર કરનાર ખેડૂત ભાંગી ગયો છે.

તાલુકામાં મેઘરાજાએ વિદાય લેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્‍યો છે અને હવે મગફળીનો ઉતારો લેવા ખેડૂતો પોતાના ખેતરમાં મથી રહયા છે. હાલ મગફળીના પાથરા ખેડૂતો ખેતરમાં કરી રહયા છે.

મગનભાઈ કોઠીયા નામના ખેડૂતે ભારે નિરાશા સાથે જણાવ્‍યું હતું કે અમો હાલ મગફળીના પાથરા ઉપાડી રહયા છે. જેને જોતા અમારી આંતરડી બળી જાય આંખમાં આંસુ આવી જાય છે. કુદરતી કારમી ઠોકરે મગફળીના પાકમાં ખૂબ જ નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો છે. જે જમીનમાં એક વિઘાએ ર0 મણ મગફળીનું ઉત્‍પાદન થતું હતું તે આજે માંડ માંડ પાંચથી આઠ મણ સુધી આવશે. વળી ગેરૂ નામના રોગના કારણે મગફળીના પાંદડા ખરી જતા પશુઓના ચારો સંપૂર્ણપણે નાશ પામ્‍યો છે.

ખેડૂતો આકરી મહેનત કરી પોતાના ખેતરમાં ખેત જણસોનું ઉત્‍પાદન કરી રહયા હોય છે ત્‍યારે મહામૂલા પાકને જો નુકસાન થાય તો ખેડૂતોનું હૃદય દ્રવી ઉઠે તે સ્‍વાભાવિક છે.

બાબરાના માજી ધારાસભ્‍ય અને ખેડૂત વાલજીભાઈ ખોખરીયાએ જણાવ્‍યું હતું કે આ વર્ષે સતત વરસાદના કારણે મગફળીના ખેડૂતોને મસમોટુ નુકસાન આવ્‍યું છે. માજી ધારાસભ્‍યે પોતાનો દાખલો આપતાજણાવ્‍યું હતું કે દર વર્ષે ર0 મણનું ઉત્‍પાદન થતું હતું પણ આ વર્ષે પાંચ મણથી આઠ મણ સુધી થવાનું છે. ખેડૂતને આ વર્ષે મગફળી માથે પડી છે તેવું કહીએ તો કોઈ અતિશ્‍યોકિત નથી. કારણ કે ફુગ અને ગેરૂ નામના રોગના કારણે મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે. તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે સતત વરસાદના કારણે ઉતારો તો ઓછો આવ્‍યો છે પણ મગફળીના પોપટમાં ગુણવતા પણ સાથોસાથ ઘટી છે. જે મગફળીના પોપટામાં વજનદાર અને મીઠાશ આ વર્ષે નહીં જોવા મળે.

આમ તાલુકામાંમગફળીની સિઝન ફૂલબહારમાં ખીલી છે. ખેતરમાં થ્રેશર મશીનો મૂકાયા છે તેમજ મજૂરો વડે મગફળી ઉપાડી પાથરા કરવામાં આવી રહયા છે. હાલ ખેતરમાં મગફળીના પાથરા જોવા મળી રહયા છે.

error: Content is protected !!
%d bloggers like this: