સમાચાર

રાત ગઈ ને અજવાળું થયું

રાત ગઈ ને અજવાળું થયું

(શરીરે દુર્બળ પરંતુ મનોબળના મક્કમ યુવાનની એક સત્‍યવાર્તા)

તા.રર/7/ર003 ના દિવસે અગિયાર વર્ષના દર્શનના જન્‍મદિવસની ઉજવણી શરૂ હતી. તેનો પાંચ વર્ષ મોટો ભાઈ હોંશે હોંશે બધી તૈયારીઓ કરી રહ્યો હતો. આ મિડલકલાસ પરિવારના વડા એટલે આ બંને બાળકોના પિતા ભાસ્‍કરભાઈ જોશી જે પોતાના ગામની માર્કેટિંગ યાર્ડ ખાતે ચોકીદાર તરીકે કામગીરી કરતા. આજે તેમના શેઠની રજા લઈને વહેલા ઘેરે આવી ગયા હતા. ઘરની ગૃહિણી એટલે બંને બાળકોની માતા શ્રીમતી ભાવનાબેન જોશીએ આજે સવારથી જ દર્શનના જન્‍મદિવસ નિમિત્તે સાંજે પાર્ટીમાં આવનારતેના આઠ-દશ મિત્રો માટે નાસ્‍તો અને મીઠાઇ બનાવવાનું કામ આરંભી દીધું હતું.

ભાસ્‍કરભાઈની આવક ખૂબ સીમિત હતી અને બાપ-દાદાની કોઈ જમાપૂંજી પણ હતી નહીં તેમ છત્તા તેમણે કયારેય પરિવારને આનંદ કરાવવામાં કોઈ કમી રાખી ન હતી. બાળકોના ભણતરમાં કયારેય કચાશ રાખી ન હતી. ભાસ્‍કરભાઈની પોતાની ઇચ્‍છા મોટા થઈને સરકારી નોકરી કરવાની હતી પરંતુ સંજોગો એવા રહ્યા હતા કે એમને નાનપણમાં જ ભણવાનું મૂકીને મજૂરીકામ શરૂ કરી દેવું પડેલ. આથી બંને બાળકો મોટા થઈને સરકારી નોકરી કરીને સ્‍થાયી થાય એવું તેમણે સ્‍વપ્‍ન જોયેલ.

સાંજે સાત વાગે પાર્ટી શરૂ થવાની હતી. આજે મમ્‍મી-પપ્‍પા તરફથી દર્શનને જન્‍મદિવસની ભેટ સ્‍વરૂપે સાયકલ મળવાની હતી. જેના પર બેસીને આવતીકાલથી પોતે સ્‍કૂલે ભણવા આવશે એવી આજે તેણે તેના કલાસમાં તમામ મિત્રોને જાણ કરી દીધી હતી. સાંજે છ વાગ્‍યે પોતાની શાળા સનરાઇઝ પ્રાથમિક શાળાએથી પરત આવીને દર્શન ફટાફટ તૈયાર થઈ ગયો. તેના મોટાભાઈએ કરેલું ડેકોરેશન જોઈને તે દંગ જ રહી ગયો હતો. તેના પપ્‍પા સાયકલ લેવા ગયા હતા તેની તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો.

ધીમે ધીમે તેના મિત્રો આવવા લાગ્‍યા અને તેઓ અલગ અલગ રમતો રમવા લાગ્‍યા. પપ્‍પા આવ્‍યા એટલે કેક કાપીને દર્શનભાઈનો જન્‍મદિવસ ઉજવવામાંઆવ્‍યો. બધાએ કેકના લોંદા લગાડી લગાડીને દર્શનનો ચહેરો કેક વાળો કરી મૂકયો. મમ્‍મી-પપ્‍પા અને ભાઈ તરફથી ભેટમાં મળેલી સાઇકલ તેને મન દુનિયાની સૌથી અણમોલ ભેટ હતી. તે આજે ખૂબ જ ખુશ દેખાતો હતો. ફીલ્‍મોના ગીત ઉપર બધા ખૂબ નાચ્‍યા અને પરમ આનંદ કર્યો. મમ્‍મીએ સ્‍વાદિષ્ટ પાઉભાજી અને ગુલાબજાંબુ ઘેરે જ બનાવેલ. દરેકે ખૂબ આનંદ કર્યો અને આ રીતે દર્શનનો અગિયારમો જન્‍મદિવસ યાદગાર રીતે ઉજવાયો. આ દીવસ મંગળવાર હતો.

બીજા દિવસ બુધવારથી દર્શન રોજ શાળાએ પોતાની નવી સાયકલમાં જવા લાગ્‍યો. સાંજે પરત આવીને પણ સાયકલના આંટા મારવા નીકળી પડતો. તેને મન અમેરિકના પ્રેસિડેંટના પ્રાઈવેટ પ્‍લેન ભએરફોર્સ વનભ કરતા પણ પોતાની સાયકલ વધારે કિંમતિ હતી. ત્રીજા દિવસે ગુરુવારે તે રાબેતા મુજબ પોતાની સ્‍કૂલે ગયો હતો અને બપોરે એકાએક ત્રણ વાગ્‍યે તેની સ્‍કૂલના આચાર્ય તેના વર્ગખંડમાં પ્રવેશે છે અને દર્શનને ઝડપથી સરકારી હોસ્‍પિટલે પહોચવા જણાવે છે. દર્શન કઈ સમજતો નથી પરંતુ વારંવાર તેના આચાર્યને પૂછતા તેઓ જણાવે છે કે, તારા મમ્‍મીનો ફોન આવેલો કે તારા પપ્‍પાને હાર્ટ એટેક આવ્‍યો છે અને તારે તાત્‍કાલિક સરકારી દવાખાને જવાનું છે. કિશોરાવસ્‍થાની ઉંમરે ઉભેલો આ કિશોર હાર્ટએટેકને તો વ્‍યાખ્‍યાયિત કરી શકતો ના હતો પરંતુપપ્‍પાને દવાખાને લઈ ગયા એ વાક્‍યની ગંભીરતા ચોક્કસ સમજતો હતો.

માત્ર એક જ દિવસ પહેલા જન્‍મદિવસે તેના પપ્‍પા હોંશે હોંશે જે સાયકલ લાવેલા, આજે એ જ સાયકલ પર દર્શન મારંમાર જઇ રહ્યો હતો. સરકારી દવાખાનું નજીક જ હોવાથી તે તરત જ ત્‍યાં પહોચી જાય છે પરંતુ એરફોર્સ વન કરતાં પણ મહામૂલી તેની નવી નકોર સાયકલને દવાખાનાની સીડી પાસે પડતી મૂકીને તેના અમુલ્‍ય જીવનદાતા પિતાને જોવા એક ગર્ભિત ડર સાથે તે અલગ અલગ રૂમમાં દોડાદોડ કરવા લાગે છે.

એવામાં એક રૂમમાં તેને તેની માતા અને ભાઈ જોવા મળે છે. તે તરત જ અંદર જાય છે પણ આ શું ? પલંગ પર પગથી માથા સુધી સફેદ કપડું ઓઢાડીને કોઈ સૂતું હતું. મમ્‍મી અને ભાઈ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. અગિયાર વરસનું બાળક એક જ સેકંડમાં બધુ સમજી ગયો અને પોતે તેના પપ્‍પાના પાર્થિવ શરીરને પકડીને રોવા લાગ્‍યો. આજે દર્શન પુષ્‍કળ રોયો. આજનો દિવસ તેના અને તેના પરિવાર માટે અત્‍યંત દુખનો દિવસ હતો.

આ જગતમાં સૌથી તાકતવાર છે કુદરત. અને એની સામે બાથ ભીડી શકે એવું કોઈ બીજું પાત્ર હોય તો એ છે ‘મા’. ‘મા’  ગમે તેવી વિકટ પરિસ્‍થિતીમાં પણ પોતાના બાળકોના ઉછેર અને રક્ષણ માટે લડી લેવાની જ વૃતિ ધરાવતી હોય છે. એક ‘માભ જે ભગવાનનું સ્‍વરૂપ ગણાય છે તે કયારેયનાસીપાસ થઈને બેસી રહેતી નથી. ભાવનાબેન પણ હવે ભૂતકાળ ભૂલીને આગળ વધવા માંગતા હતા. તેમના સ્‍વર્ગવાસી પતિનું સપનું પૂરું કરવા માંગતા હતા. તેમણે નજીકની આંગણવાડીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. મારે એ લખવાની જરૂર નથી કે આંગણવાડીનું કામ કરતાં કરતાં અને નજીવી આવકમાં બાપ વગરના બે દીકરાઓનો ઉછેર કરવો એ લોઢાના ચણા ચાવી બતાવવા જેવુ અઘરું         કામ છે.

ફરીથી લાઈફ સ્‍થિર થાય છે. પિતા પોતાની સાથે નથી એ ગમ પોતાના હૃદયમાં દબાવીને દર્શન અભ્‍યાસમાં પડી જાય છે પરંતુ ઘણી વખત એકાંતમાં વાંચતાં વાંચતાં પણ તેને તેના પપ્‍પા યાદ આવી જતાં. તેણે પોતાનું ધોરણ આઠ થી બાર સુધીનું ભણતર સરકારી શાળામાથી પૂરું કર્યું. દર્શન સતત પોતાના પિતાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો હોવાના કારણે ધોરણ દશ અને બાર ના અગત્‍યના વર્ષોમાં તેની એવરેજ 40% થી પ0% માર્કસ વચ્‍ચે જ રહી.

દર્શને ત્‍યારબાદ પોતાના ગામની કોમર્સ કોલેજમા એડમિશન મેળવ્‍યું. તેનો મોટો ભાઈ તેના મમ્‍મીને મદદરૂપ થવા માટે ઘણા સમયથી નોકરી કરવા લાગેલ. હવે દર્શનને પણ થયું કે પોતે પણ હવે ભણવાની સાથોસાથ પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાના ભણવાનો ખર્ચો કાઢવો જોઈએ. એક સ્‍પોટર્સની દુકાનમાં તે પાર્ટ ટાઈમ કામ પર જવા લાગ્‍યો અને તેના શેઠબદલામાં તેની અભ્‍યાસની ફી ભરી આપવા લાગ્‍યા.

દર્શનને પણ ક્રિકેટ અને બેડમિન્‍ટન રમવાનો શોખ એટલે તે તરત જ બધુ કામ શીખી ગયો. હવે દર્શનના જીવનની બીજી ઇનિંગ શરૂ થઈ હતી. હવે તે સમજણો થઈ ગયો હતો. તે ફરીથી ખુશ હતો. રાત્રે બંને ભાઈઓ મમ્‍મી સાથે બેસીને ભોજન લેતા અને આખા દિવસની પોતાની સાથે બનેલી ઘટનાઓની વાતો કરતા. પરંતુ દર્શનને ખબર ન હતી કે, કુદરત તેની અને તેની માતા બંનેની ફરીથી કસોટી કરવા ઉપર ઉતરી હતી. આ બીજી ઇનિંગ પણ દર્શન માટે રમવી અઘરી થઈ પડે એમ હતી. બન્‍યું એવું કે, એક દિવસ દર્શન પોતાની નોકરી પર હતો અને બપોરે જમવા સમયે દુકાન બંધ કરીને ઘેરે જાય છે. ઘરનો દરવાજો ખોલતા જ જુએ છે કે, તેના ભાઈએ પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો છે.

દર્શન પોતાની જગ્‍યાએથી હલીચલી શકતો નથી. થોડી વાર તો કાપો તો પણ લોહી નીકળે નહીં તેવી હાલત તેની થઈ ગઈ. દર્શન પોક મૂકીને રડવા લાગે છે અને મોટેથી ભાઈના નામની બૂમ પાડે છે. આડોશી પાડોશીઓ તરત એકઠા થઈ જાય છે. તેના મમ્‍મીને તાત્‍કાલિક ફોન કરીને બોલાવવામાં આવે છે અને તે પણ આવતાવેંત જ ભાંગી પડે છે. આવી પરિસ્‍થિતિને રીંગણી ઉપર હિમ પડયા સમાન ગણાવી શકાય અને આવી પરિસ્‍થિતિમાં જે હિમાલય જેવો મજબૂત હોય અતૂટ હોય એવોબહાદુર વ્‍યક્‍તિત જ આવી પરિસ્‍થિતી જીરવી શકે. આવા કપરા સમયે શારીરિક બળ કે જિમમાં જવાનો શોખ કે રાજકીય છેડાઓ કે તમારા સંપર્કો કોઈ કરતાં કોઈ કામ આવતા નથી… કામ આવે છે તો આપણું આત્‍મબળ. કામ આવે છે ઈશ્વર પરની આપણી અતૂટ શ્રદ્ધા.

ગમે તેવી કઠણ વ્‍યક્‍તિતને પણ બે ઘડી આપઘાત કરીને જીવન ટૂંકાવી નાંખવાનો વિચાર કરતી કરી મૂકે એવી આ ક્ષણ આ બંને મા-દીકરાએ પસાર કરી નાંખી. ગમે તેમ કરીને તોફાન પૂરું થયા બાદ જીવનનૈયાને આ સંસારરૂપી મહાસાગરમાં આગળ હંકારી અને શરૂ કરી દર્શને પોતાની ત્રીજી ઇનિંગ. નોકરી કરવાની સાથોસાથ તેણે બી.કોમ. અને એમ.કોમ. પૂરું કર્યું. પરંતુ અત્‍યારના સમયમાં ડિગ્રીના થોથાઓ કઈ કામ નથી આવતા. આ વાત દર્શન પણ જાણતો હતો. પોતાના પિતાનું સરકારી નોકરી કરવાનું સપનું પૂરું કરવા તે દુકાને બેઠો બેઠો ફ્રી સમયમાં સ્‍પર્ધાત્‍મક ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરે રાખતો. ઘણા સમયથી ઘણી પરીક્ષાઓ તે આપતો પરંતુ યોગ્‍ય દિશાસૂચનના અભાવે પરિણામ મળતું નહીં.

એક દિવસ હું સીઝન ક્રિકેટનું બેટ ખરીદવા એ સ્‍પોર્ટ્‍સની દુકાને ગયો. હું ગયો ત્‍યારે દર્શન અને તેનો એક મિત્ર જનરલ નોલેજનું કોઈ પુસ્‍તક વાંચી રહ્યા હતા. મેં બેટ બતાવવા કહ્યું અને સાથોસાથ જનરલ નોલેજ મારા તો રસનો વિષય એટલે મેં તેણેથોડી પૂછપરછ કરી અને બીજા થોડા સારા પ્રકાશનના પુસ્‍તકો સજેસ્‍ટ કર્યા. તેને મે મારા એકાદ ફ્રી માર્ગદર્શન સેમિનારમાં આવવા પણ જણાવ્‍યુ. તે મારા આગામી ઘણા સેમિનારમાં આવ્‍યો પણ ખરા.

હું કોઈ જબરદસ્‍ત અને પ્રખ્‍યાત મોટીવેશનલ સ્‍પીકર નથી કે જેના યુ-ટયુબ પર હજારો વિડિઓઝ હોય. જેને લાખો લાઈકસ મળતી હોય. હું કોઈ એવો સ્‍પીકર પણ નથી કે જે પચાસ-પચાસ હજાર રૂપિયા લઈને ગામેગામ ભાષણ ઠોકવા જતો હોવ. હું તો નિજાનંદી માણસ છુ. મને મજા આવે ત્‍યાં બોલું અને ફ્રીમાં બોલું. પણ હા એટલું જણાવી દઉં કે જયાં બોલું ત્‍યાં યુવાનોને હદ બહાર મોટીવેટ કરીને એમને ઉર્જાસભર બનાવી દઉં. મારો સેમિનાર હંમેશા ફ્રીમાં જ હોય. પણ એ બે-ત્રણ કલાકનું મહત્‍વ એટલું હોય કે, સામે બેસનારની લાઈફ બની જાય એની ગેરંટી.

દર્શન મારા સેમિનારમાં આવીને ખૂબ પ્રભાવિત થયો. તેણે તેના શેઠને વાત કરી અને પોતાને કેરિયર એકેડેમીમાં ભણવા જવાની ઇચ્‍છા હોવાનું જણાવ્‍યુ. સાહેબને પણ થયું કે આ છોકરામાં ટેલેન્‍ટ છે અને મારે તેને મદદ કરવી જોઈએ. એવા બહુ ઓછા માણસો જીવનમાં મળતા હોય છે કે જે પોતાનો સ્‍વાર્થ બાજુ પર મૂકીને નિસ્‍વાર્થ ભાવે આપણી મદદ કરે. તેના શેઠે દર્શનની ફી ભરીને તેને પોતાના ગામની એક નામાંકિત કેરિયર એકેડેમીમાં ભણવામોકલ્‍યો.

દર્શને તે બેચ પૂરી કરી અને પછી ત્રણ-ચાર પરીક્ષાઓ પણ આપી પરંતુ જનરલ કેટેગરીમાં આવતો હોવાથી મેરીટ ખૂબ ઊંચું જતું હોય તેને સફળતા મળી નહીં. તે કયારેક કયારેક હિંમત હારી જતો. હકીકતે હું ત્‍યારે દર્શનથી કે તેના ભૂતકાળથી પરિચિત ન હતો. પરંતુ મે જોયું કે, છોકરો મહેનતુ છે. હજુ તેને ઘણું શિખવું હતું પરંતુ ફી ભરવા બાબતે હવે તે તેના શેઠને વાત કરી શકે એમ ન હતો આથી મે એકેડેમીના ડાયરેકટરને દર્શનની ભલામણ કરી અને જયાં સુધી તેને સરકારી નોકરી મળે નહીં ત્‍યાં સુધી એકેડેમીમાં ભણવાની વ્‍યવસ્‍થા ગોઠવી આપી. દર્શન આજે ફરીથી ખૂબ ખુશ હતો. તેણે હિંમતે મર્દા…નું એલાન કરી દીધું અને અંતે એ દિવસ આવી જ ગયો.

બિન સચિવાલય કલાર્ક ભરતીનું પરિણામ બહાર પડે છે. સફળ ઉમેદવારોની યાદીમાં દર્શનનું નામ પણ આવે છે. તેના મમ્‍મી આજે અનહદ લાગણીવશ થઈને ખૂબ રોવે છે. આજનો સારો દિવસ જોવા માટે તેમણે કેટકેટલાય ખરાબ દિવસો જોયા હતા.  દર્શનના નસીબમાં રમત- ગમતની દુનિયાથી જ ઘેરાયેલો રહેવાનુ કદાચ લખ્‍યું હશે એટલે તેને જિલ્લા રમત-ગમત કચેરીમાં જ પસંદગી    મળે છે. તા.7/6/ર018 ના રોજ દર્શન ગિરસોમનાથ જીલ્લામાં રમત-ગમત અધિકારીની કચેરીમાં તેને પોસ્‍ટિંગ    મળે છે. આ દિવસે સેથીવધુ ખુશ હશે તેના પિતા ભાસ્‍કરભાઈની આત્‍મા. દર્શને તેના પપ્‍પાની આખરી ઈચ્‍છા આજે પૂરી કરી હતી.

યુવાનોને સંદેશ આપતા દર્શન જણાવે છે કે, ગમે તેવી પરિસ્‍થિતી ઉદ્‌ભવે તો પણ છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું. જીવનમાં ઘણા વ્‍યક્‍તિતઓ તમારા વિચારો બદલવા પ્રયત્‍નો કરશે પણ તમારે તમારા વિચારો બદલવા નહીં અને તમારા માર્ગ પર અડગ રહીને ગતિ શરૂ રાખવી. તે જણાવે છે કે, જીવનમાં સમયનું બહુ જ મહત્‍વ રહેલું છે. તમને અત્‍યારે જે સમય મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લ્‍યો જેથી આગળ જતાં તમને અફસોસ થાય નહીં. દર્શન પોતાના જ પિતાને પોતાનો આદર્શ માને છે અને કહે છે કે જીવન પણ એક પરીક્ષા જ છે અને આપણે એમાં સફળ થવાનું જ છે.

દર્શન પોતાની આ સફળતા પાછળ તેના શેઠ, તેના પૂજય નાના, કેરિઅર એકેડેમીના ડાયરેકટર તથા મારૂ યોગદાન રહેલું છે એવું માને છે પરંતુ હકીકતે મારા માનવા પ્રમાણે તેની પોતાની મહેનત, ખાસ તો તેના મમ્‍મી અને તેના શેઠ તથા એકેડેમીના ડાયરેકટરને હું ક્રેડિટ આપું છુ. આજે આવા લોકોની માનવતાને કારણે જ આ દુનિયા હજુ સુધી ટકી રહી છે.

સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહેલા મારા તમામ રોજગાર ઇચ્‍છુક યુવાન ભાઈઓ અને બહેનોને આ વાર્તા અર્પણ કરું છું. હાલના કપરા સમયમાં કે જયારે સરકારીભરતીઓ સદંતર બંધ છે ત્‍યારે આપ નાસીપાસ થશો નહીં અને મહેનત શરૂ જ રાખશો. ટૂંક સમયમાં જ ફરીથી સરકારી ભરતીઓ શરૂ થશે એવી આશા સહ આપનો જોશ અને જુસ્‍સો મંદ પડે નહિ તે હેતુસર આ વાર્તા આજના લેખમાં લખવામાં આવેલ છે.

તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે,

બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે.

(પૂર્વ મામલતદાર ડો.ચિંતન વૈષ્‍ણવ લિખિત પુસ્‍તકશ્રેણી ‘લક્ષ્યવેધ’ના ભાગ-1માંથી આ સત્‍ય વાર્તા લેવામાં આવેલ છે.)

error: Content is protected !!
%d bloggers like this: