સમાચાર

ભૈ વાહ : રોટી, કપડા અને મકાનની સુવિધામાં કાપકુપ કરીને પણ પુસ્‍તકો ખરીદ કર્યા

ગોંડલનાં રાણસીકી ગામનાં સવજીભાઈ પટોળીયાનો અનોખો પુસ્‍તકપ્રેમ

ભૈ વાહ : રોટી, કપડા અને મકાનની સુવિધામાં કાપકુપ કરીને પણ પુસ્‍તકો ખરીદ કર્યા

3 હજાર જેટલા પુસ્‍તકો જીવની જેમ સાચવી રહૃાા છે

અમરેલી, તા. 1

ગોંડલ તાલુકાનાં રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્‍વી હતા. 1974-7પ-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્‍કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્‍થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્‍કૂલમાં 8માં ધોરણમાં અભ્‍યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્‍છા હતી પણ પરિવારની પરિસ્‍થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુકયું.

સવજીભાઈએએ વખતે સંકલ્‍પ કર્યો મારે ભલે અભ્‍યાસ અધવચ્‍ચે છોડવો પડયો પણ હું        શાળાએ ગયા વગર પુસ્‍તકો વાંચીને આજીવન ભણતો રહીશ. શરૂઆતમાં મુંબઈ અને ત્‍યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યુ. સુરતમાં લાયબ્રેરીના સભ્‍ય બનવા માટે ગયા ત્‍યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્‍યકિતના સહી-સિકકા કરાવી લાવવાનું કહૃાું. હીરા ઘસવાનું કામ કરનારને તો બીજું કોણ ઓળખતું હોય ! સવજીભાઈએ નકકી કર્યુ કે લાયબ્રેરીના સભ્‍ય બનવાને બદલે આપણી પોતાની જ લાયબ્રેરી બનાવીએ.

ઓછામાં ઓછા ખર્ચથી ઘર ચલાવે અને જે બચત થાય એમાંથી પુસ્‍તકો ખરીદે. પહેરવા માટેના કપડાં પણ નવા ખરીદવાના બદલે ગુજરી બજારમાંથી લઈ આવે અને એવી રીતે જે બચત થાય એમાંથી પુસ્‍તકો ખરીદે. પોતે વાંચે અને બીજાને વાંચવા માટે આપે. આજે સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્‍તકોની અંગત લાયબ્રેરી છે.

સવજીભાઈ હાલમાં ધોરાજીમાં રહે છે. આંખોની ઝાંખપને લીધે હીરા ઘસવાનું છૂટી ગયું અને અત્‍યારે મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે પણ પુસ્‍તકપ્રેમ ઓછો નથી થયો. પુસ્‍તકો રાખવા માટે સારી જગ્‍યા પણ નથી પતરાવાળા મકાનમાં જુના પતરાના ડબા, અનાજ ભરવાની કોઠી વગેરેમાં જુના બધા પુસ્‍તકો અને સામયિકોને જીવની જેમ સાચવીને રાખે છે. આર્થિક સંકડામણને લીધે એક વખત જમવાનું છોડીશકે પણ પુસ્‍તક ખરીદવાનું ન છોડી શકે એવા સવજીભાઈ એમ કહે છે કે, ભભમાસણ વાંચે એટલે વિચારે અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે.

error: Content is protected !!