સમાચાર

અમરેલી જિલ્‍લામાં અનેક વિસ્‍તારોમાં દે ધનાધન વરસાદથી ખુશીનો માહોલ

અમરેલી, બાબરા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા સહિતનાં વિસ્‍તારોમાં વરસાદ

અનેક વિસ્‍તારોમાં દે ધનાધન વરસાદથી ખુશીનો માહોલ

અમરેલી જિલ્‍લાનું અર્થતંત્ર કૃષિ આધારિત હોય વરસાદની અતિ આવશ્‍યકતા રહેતી હોય છે

નદીઓમાં નવા નીરની આવક થતાં કૃષિકારોમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહૃાો છે

મેઘ કૃપાથી જિલ્‍લાનાં વાતાવરણમાં અદ્‌ભૂત નજારો જોવા મળી રહૃાો હોય પ્રકૃતિપ્રેમી ખુશ

અમરેલી, તા. 30

અમરેલી, બાબરા, સાવરકુંડલા અને રાજુલામાં આજે અર્ધાથી લઈને બે ઈંચ જેટલો વરસાદ પડતા નદીઓ, તળાવો, જળાશયો અને ચેકડેમમાં ભરપુર પ્રમાણમાં નવા નીરની આવક થતાં કૃષિકારોમાં રાહતની લાગણી ફરી વળી છે.

અમરેલીમાં આજે બપોરે એકાદ કલાક સુધી દે ધનાધન વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અર્ધાથી એક ઈંચ વરસાદથી ઠેકઠેકાણે પાણીનો ભરાવો થયો હતો.

બાબરા

બાબરામાં આજે બપોર બાદ ભારે બફારા અને ઉકળાટ વચ્‍ચે અચાનક વાતાવરણ પર પરિવર્તન આવતા જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં અને વાડી ખેતરોમાં પાણી હાલવા લાગ્‍યા હતા. જોકે બાબરા શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધીમીધારેથી જોરદાર વરસાદમાં સરેરાશ અડધાથી બે ઈંચ વરસાદ પડી જતાં ખેડૂત સહિત સૌ કોઈમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

બાબરામાં છેલ્‍લા એકપખવાડીયાથી વરસાદ ખેંચાતા જગતના તાતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. કારણ કે અડધો શ્રાવણ પુરો થવા આવ્‍યો હોય તો પણ હજુ પુરો વરસાદ નહિ વરસતા ખેતરમાં ઉભા મોલ સામે સંકટ ખેડૂતોને દેખાવા લાગ્‍યું હતું. કારણ કે બાબરાની          કાળુભાર નદી સહિતની ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલ સ્‍થાનિક નદીઓમાં હજુ જોઈએ તેવા પુર આવ્‍યા નથી જેથી નદીઓ કે ડેમ અને તળાવો ભરાયા નથી જેના કારણે ખેતરમાં બોર, કૂવાનાં તળ ઊંચા આવ્‍યા નથી જેથી ખેડૂત મૌલાતને પિયત કરી શકે તેવી પરિસ્‍થિતિ નથી.

ત્‍યારે આજે બપોર બાદ બાબરા શહેર સહિત તાલુકાના ચમારડી, દરેડ, ગળકોટડી, ચરખા, વાવડી, ખાખરીયા, મોટા દેવળીયા, જામ બરવાળા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સરેરાશ અડધાથી બે ઈંચ વરસાદ પડી જતાં વાડી ખેતરોમાં પાણી દોડવા લાગ્‍યા હતા. લાંબા સમય બાદ બાબરા પંથકમાં વરસાદનો સારો રાઉનડ આવતા ખેડૂત રાજીના રેડ જોવા મળ્‍યા હતા.

સાવરકુંડલા

સાવરકુંડલામાં થોડા સમય પહેલા સારો એવો વરસાદ પડેલો ત્‍યારબાદ આજે ઘણા દિવસો પછી સાવરકુંડલા શહેર અને આજુબાજુના પંથકમાં મેઘરાજાની પધરામણી થયેલ. સવારથી જ અસહૃા ગરમી અને તડકો પડી રહૃાો હતો એવામાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણ પલટીને વરસાદ આવી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાપામેલ. આજુબાજુના ગામોમાં પણ વરસાદની પધરામણી થતાં ખેતરો લીલાછમ થઈ જવા પામેલ અને ધરતીપુત્રોમાં ખુશહાલી જોવા મળેલ.

રાજુલા-ખાંભા વિસ્‍તારમાં પણ બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

error: Content is protected !!