સમાચાર

અમરેલી શહેરનાં હાર્દસમા વિસ્‍તારનાં માર્ગની હાલત દયનીય

પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારી સામે નારાજગી

શહેરનાં હાર્દસમા વિસ્‍તારનાં માર્ગની હાલત દયનીય

શહેરનાં યુવા અગ્રણી ચિંતન ઠાકરે ચિફ ઓફિસરને પત્ર પાઠવીને માર્ગની સમસ્‍યા દૂર કરવા માંગ કરી

દરરોજ નાના-મોટા હજારો વાહનો પસાર થતાં હોવા છતાં પણ માર્ગની સમસ્‍યા દૂર કરવામાં આવતી નથી

અમરેલી, તા. 11

અમરેલી શહેરનાં પ્રવેશદ્વાર સમા અને ટ્રાફિકથી ધમધમતા ચકકરગઢ માર્ગ પર રેલ્‍વે ફાટકથી બાયપાસ સુધી માર્ગ પર મસમોટા ખાડાઓથી રાહદારીઓ અને વાહનચાલકો તોબા પોકારી ચુકયા હોય જાગૃત નાગરિક ચિંતન ઠાકરે ચિફ ઓફિસરને પત્ર પાઠવીનેમાર્ગની મરામત કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લા કેટાલય મહિનાઓથી ચકકરગઢ રોડ વિસ્‍તારમાં ભુગર્ભ ગટર અને ગેસ કનેકશનના કારણે ઠેકઠેકાણે રસ્‍તાઓ તોડીને ખોદકામ કરવામાં આવેલ હતું. આ ખોદકામનાં લીધે વર્તમાન સમયમાં ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ પડેલા છે.

વધુમાં જણાવેલ છે કે, હાલમાં ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી આ ખાડાઓમાં ભરાય છે જેથી રાહદારીઓ, વાહનચાલકોને આ ખાડાઓ દેખાતા નથી કાંતો તેની ઉંડાઈનો અંદાજ લગાવી શકાતો નથી. પરીણામ સ્‍વરૂપે અકસ્‍માત થવાની અને માનવીય જીવને પણ મોટા પ્રમાણમાં જોખમ રહેલું છે. કારણ કે આ માર્ગ પર રોજના હજારો લોકોની અવરજવર થાય છે. આ ઉપરાંત કેટલીક શૈક્ષણિક સંસ્‍થાઓ પણ આવેલી હોવાથી હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ને અનેક બસો પણ આ માર્ગ પરથી પસાર થાય છે. એટલે કે અહીયાથી ખૂબ મોટા પ્રમાણમાં રોજીંદી અવર-જવર થાય છે. આ વિસ્‍તારનો આ રસ્‍તો શહેરનો એક અગત્‍યનો માર્ગ હોવાની સાથો સાથ અનેક અધિકારી, પદાધિકારીઓની આ વિસ્‍તારમાં રોજીંદી અવર-જવર હોવા છતાં પણ ઘ્‍યાન આપવામાં આવતું નથી. શહેરનાં મુખ્‍ય માર્ગો સિવાય અનેક સોસાયટીનાં રસ્‍તાઓ પણ બનાવવામાં આવેલ છે ત્‍યારે પણ આ માર્ગ પર ઘ્‍યાન આપવામાં આવેલ નથી.

આ ઉપરાંત આ માર્ગ પરનાંખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનો ફેલાવો થાય છે જેથી કેટલીક જગ્‍યાઓ પર મચ્‍છરજન્‍ય રોગો થવાની પણ સંભાવના રહેલી છે. એક તરફ આ વિસ્‍તારમાં કોરોનાનાં કેસોમાં પણ વધારો થઈ રહૃાો છે તેવામાં ગંદકીના લીધે પરિસ્‍થિતિ વધારે ગંભીર બને એ પહેલા તાત્‍કાલીક ધોરણે રસ્‍તા બનાવવામાં આવે અથવા તો આ રસ્‍તાઓને રીપેર કરવામાં આવે. અકસ્‍માતે કોઈને નુકસાન થાય કે કોઈનો ભોગ લેવાય એ પહેલા યોગ્‍ય ઘટતું કરવામાં આવે. જો આ અંગે યોગ્‍ય ધોરણે તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આ વિસ્‍તારનાં લોકોને સાથે રાખીને સહી ઝૂંબેશ કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!