સમાચાર

સાવરકુંડલાનાં શાકભાજીનાં વેપારીઓ હડતાલ પર ઉતર્યા

વહીવટીતંત્ર બિલાડીનાં બચ્‍ચાની જેમ સ્‍થળ ફેરવતાં હોવાથી

સાવરકુંડલાનાં શાકભાજીનાં વેપારીઓ હડતાલ પર ઉતર્યા

ર00 ઉપરાંતનાં વેપારીઓ તંત્રની કાર્યશૈલીથી કંટાળીને હડતાલ પર ઉતરી જતાં શાકભાજી મળવી મુશ્‍કેલ

70 વર્ષથી જયાં બેસીને શાકભાજીનું વેચાણ કરે છે તે સ્‍થળની મંજૂરી આપવા માંગ

વેપારીઓએ નદીનાં પટ્ટમાં સુત્રોચ્‍ચાર કરીને તંત્રની આંખ અને કાન ખોલવાનો પ્રયાસ કર્યો

સાવરકુંડલા, તા. 3

સાવરકુંડલા શહેરમાં આજે શાકમાર્કેટમાં લોકો જયારે શાકભાજી ખરીદવા નીકળ્‍યા ત્‍યારે શહેરની શાકમાર્કેટમાં એક ચકલું પણ ફરકતું ન હતું એટલે કે શાકમાર્કેટશાકભાજી વિક્રેતાઓ વગર બિલકુલ સુની જોવા મળતી હતી. હવે પ્રશ્‍ન એ પણ ઉપસ્‍થિત થાય છે કે, આ શાકભાજીનાં નાના વેપારીઓને પોતાનું પેટીયું રળવા માટે પણ વર્ષોથી કોઈ ચોકકસ અને વ્‍યવસ્‍થિત સ્‍થાન ફાળવવામાં આવેલ નથી. લોકોને આરોગ્‍યપ્રદ અને તાજી શાકભાજી વેચનાર લોકોની આજની એકવીસમી સદીમાં આનાથી વિશેષ કરૂણતા શું હોઈ શકે કે તેઓએ એક રખડતી ભટકતી કે હરતી ફરતી દુકાન માંડી અને ફૂટબોલની માફક ઘડીક અહી તો ઘડીક તહી જેવી જીંદગી સાથે પોતાના કુટુંબનાં ભરણપોષણ માટે હવાતીયા મારવા પડે છે. શું આ છે આપણા ડીઝીટલ ભારતની તસવીર કે જયાં સૈકાથી આવી જીંદગી જીવવા મજબુર બનવું પડે. આમ આજે શહેરમાં શાકભાજી વિક્રેતાઓ પોતાનો અવાજ પણ કયાં અને કોને રજૂ કરે ! એક તો સામાન્‍ય રીતે ખૂબ ઓછું ભણેલા પણ પ્રામાણિક અને મહેનતું આ વેપારી સમાજની વાતો ચેમ્‍બર ઓફ કોમર્સ સાંભળશે ? અને જો હા તો આ સંદર્ભે શહેરની વાણિજય સંસ્‍થાએ પણ અંગત રસ લઈને પણ આ પ્રશ્‍નનું ઠોસ અને કાયમી નિવારણ કરે તે સામાજિક સૌહાર્દ માટે પણ એટલું જ આવશ્‍યક છે.

જો કે આ બાબતે સાવરકુંડલા ચીફ ઓફિસકને પૂછતા તેમણે જણાવ્‍યું હતું કે, આ માટે જે.વી. મોદી હાઈસ્‍કૂલનાં પાછલા મેદાન, ખાતરવાડી અને આંખની હોસ્‍પિટલનું મેદાન ફાળવેલછે અને શહેરમાં બે બાંધેલી શાકમાર્કેટ હજુ પણ બંધ હાલતમાં છે. જો કે આ સંદર્ભે શાકભાજી વિક્રેતાઓનું માનવું છે કે, આ સ્‍થળ શાકભાજીનાં વ્‍યવસાય માટે વ્‍યવહારૂ નથી અને હાલ નાવલી નદીના પટ્ટમાં કોઈ પણ માણસો એકઠા થાય નહીં તેવી જાહેરાત પણ તંત્ર ઘ્‍વારા કરવામાં આવી છે. અને અહીં વ્‍યવસાય કરવો પ્રતિબંધિત છે તેવી જાહેર સુચના આપવામાં આવી રહી છે. કારણ હાલની પરિસ્‍થિતિમાં સંક્રમણ ફેલાવની શકયતા હોય તે કારણ પણ તંત્ર ઘ્‍વારા જણાવવામાં આવ્‍યું છે. જો કે આ નદીના પટ્ટમાં સરાજાહેર વહેતા ગટરનાં ગંદા પાણી વહે છે અને આ વિશે કશી ઠોસ કાર્યવાહી થશે કે કેમ અને કયારે ? તે યજ્ઞ પ્રશ્‍ન છે. અને તે અંગે તંત્ર કોઈ જાહેર ખુલાસો કરવામાં ઉણું ઉતરતું હોય તેવું લાગે છે. આશા રાખીએ કે બદલતા માહોલમાં આ શાકભાજી વિક્રેતાઓના પ્રશ્‍નોનું કોઈ કાયમી ધોરણે નિવારણ આવે. આ અંગે સત્તાધીશો યોગ્‍ય પગલાં લઈને સંતોષકારક નિવારણ લાવે.

error: Content is protected !!