સમાચાર

સિંહોનાં કમોત અટકાવીને જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરો : કોટડીયા

જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય પ્રદિપ કોટડીયાની મુખ્‍યમંત્રીને રજૂઆત

સિંહોનાં કમોત અટકાવીને જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરો : કોટડીયા

ધારી ગીર પૂર્વમાં છેલ્‍લા દિવસોમાં ર9 જેટલા સિંહોનાં મોત થયા હોય તટસ્‍થ તપાસ જરૂરી

નિર્દોષ ખેડૂતોને ખોટી રીતે પરેશાન કરનાર વનકર્મીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી

વનવિભાગ પ્રાણી હિતમાં કામગીરી નહીં કરે તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

અમરેલી, તા.1

અમરેલી જિલ્‍લા પંચાયતના સદસ્‍ય પ્રદિપ કોટડીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને વન્‍યપ્રાણીઓની સુરક્ષા કરવામાં નિષ્‍ફળ રહેલ વન્‍યકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લા બે મહિનામાં ધારી ગીર પૂર્વમાં ર9 જેટલા સિંહોના મૃત્‍યુ થયા છે. તથા કેટલાય સિંહોને બીમાર અર્થે રેસ્‍કયુ કરી સારવાર સેન્‍ટરમાં ખસેડવામાં આવ્‍યા છે. સિંહોના સંવર્ધન પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખીએ છતા પણ અકુદરતી સિંહોના મોત થઈ રહયા છે અને આ સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહયો. સૌ ગુજરાતી સિંહોનું ગૌરવ લઈ રહયા છીએ ત્‍યારે આવી ઘટના બનતી રહે છે એટલે કે મારતો હીર અને રડતું ગીર આવી પરિસ્‍થિતિનું નિર્માણ થઈ ચૂકયું છે. આ અંગે ડિપાર્ટમેન્‍ટ ઢાંક પીછોડો કરી સિંહ મોતને ઈન ફાઈટ ગણાવી સરકારને ઉંધા ચશ્‍મા પહેરાવી રહી છે પણ હકીકત એ છે કે કોઈ જીવલેણ રોગ ફેલાઈ રહયો છે. આને લીધે ગીરના ડાલામથ્‍થાનું ભાવિ જોખમમાં મૂકાઈ રહયું છે. જો આ રીતે જ ચાલુ રહેશે તો આપણું ઘરેણું ચૂપચાપ લૂંટાઈ જશે. આવી ઘટના બનવાનું ખાસ કારણ એ છે કે અધિકારીઓની ઘોર બેદરકારી, વન્‍ય પ્રાણીઓના અવલોકન, ફેરણું કરવાના નિયમોનો ઉલાળીયો, ત્‍યારે આવા કામચોર બાબુઓ પર આ સિંહોના મોતને જિમ્‍મેદાર ગણાવી સખતમાં સખત કાર્યવાહી જેવી કે વન્‍ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુન્‍હો નોંધી દાખલારૂપકામગીરી કરશો જેથી આવી અધિકારીઓની ઘોર બેદરકારીનો શિકાર આપણા ગૌરવ સમા સિંહો ના બને. જેથી આપણે ગીર અને સિંહો આપની સંસ્‍કૃતિ છે, સાચવી શકીએ. તે હશે તો જ આપણું ગુજરાતનું નામ મોખરે રહેશે.

વધુમાં જણાવેલ છે કે, છેલ્‍લા કેટલાક સમયથી ધારી ગીર પૂર્વ કંઈક ને કંઈક અમાનવીય બનાવને લીધે ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલાનો કિસ્‍સો જે ખેડૂતને ખોટી રીતે માર મારી, જીભાજોડી કરી, માનસિક ત્રાસ આપી, ગુંડાગીરી કરી વનકર્મીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્‍યો હતો. આ ઘટનાને લીધે સ્‍થાનિકોમાં આવા તત્‍વો વિરૂઘ્‍ધ રોષ ભભૂકી ઉઠયો છે. આવા ઈસમો વિરૂઘ્‍ધ કાયદેસર કાર્યવાહી જેવી કે બદલી કે બરતરફી કરી ઠોસ પગલા લેશો. આ પ્રકારની ઘટના હવે પ્રકાશમાં આવશે તો સાંખી લેવામાં નહીં આવે અને આગામી સમયમાં ગાંધી ચિંઘ્‍યા માર્ગે અહિંસક રીતે આગળ વધીશું. માન્‍યતા અને હકીકત વચ્‍ચે સિંહોના મોત વિશે જણાવીએ છીએ કે અધિકારી દ્વારા આપને વાસ્‍તવિક પરિસ્‍થિતિથી સરકારને અળગા રાખવામાં આવે છે. જેથી ગીરના ડાલામથ્‍થાના ભાવિ સાથે ખિલવાડ થઈ રહયો છે. આ બાબતે સઘન તપાસ કરી જમીની પરિસ્‍થિતિ જાણી જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગીર અને સિંહોના અનુભવી લોકોને સાથે રાખી આગળનું આયોજન કરશો.તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!