સમાચાર

ગાયોની સંગાથે ખેતીને બનાવી નંદનવન

મતીરાળા, તા.ર6

આજે મોર્ડન સાયન્‍સે પણ ગાયને ઉતમ ગણાવી છે. 33 કરોડ દેવતાનો વાસ આમ જોઈએ તો તેમાં ગુણોના આધારે નકકી થયો હોય તેમ લાગે છે. અઘ્‍યાત્‍મ અને વિજ્ઞાનનું સાચું માનીએ તો ગાયનું રક્ષણ એ માનવજાત માટે ફાયદાકારક સાબિત થાય તેમ છે. આ વિશ્‍વમાં ઉતમકક્ષાની ગાય બચે તો આરોગ્‍ય અને ખેતી સુધરે તેમ છે. બેફામ વપરાતા રસાયણોએ આજે માનવજાતને રોગગ્રસ્‍ત કરી દીધી છે. તેવા વખતે ગાયનું પાલન પોષણ કરવામાં આવે તો સહુનું હિત થશે તે ચોકકસ વાત છે. આજે એવા વ્‍યકિતની વાત કરવી છે જે પ્રાકૃતિક ખેતી કરવા માટે રર જેટલી ગાય, વાછરડાનું પાલન પોષણ કરે છે.

પોરબંદર જિલ્‍લાના પારાવાડા ગામે રહેતા 70 વર્ષીય ખેડૂત નાથાભાઈ માંડણભાઈ મોઢવાડીયા અને તેના દીકરા કરશનભાઈ બંને બાપ-દીકરો સાથે મળી ખેતી અને પશુપાલન કરી રહયા છે. કરશનભાઈ તેમના પિતાના માર્ગદર્શન હેઠળ રર જેટલા પશુઓ રાખી એક ગૌપાલન કરી રહયા છે. આ ગાય, વાછરડાના ગૌમૂત્ર, છાણના ઉપયોગથી તેઓ તેમની 30 વીઘા ખેતીની જમીનમાં સજીવ ખેતી કરી અને ઉતમ કક્ષાના ખેતીપાકોનું ઉત્‍પાદન મેળવે છે.

કરશનભાઈ તેમની ગાયોનું દૂધ વેચતા નથી. પરંતુ ઘીનું વેચાણ કરે છે. એક કિલોના ભાવતેઓને 1000-1ર00 મળે છે. આ ઘી રાજકોટ, જૂનાગઢ, બરોડા, અમદાવાદ, જામનગર, પોરબંદર શહેરોમાં વસતા તેમના રોજના ગ્રાહકોને પહોંચાડે છે. આજે ખેતી, પશુપાલન કરવા આજના આધુનિક યુવાનો દૂર ભાગે છે ત્‍યારે કરશનભાઈ જેવા યુવકો ખેતી, પશુપાલનમાંથી સારી એવી રોજગારી મેળવે છે. આ પશુપાલક પાસે આજે ફોરવ્‍હીલ, ટ્રેકટરની પણ સગવડતા છે. ખેતી વિશે તેઓ જણાવતા કહે છે કે અમે    મગફળી, મગ, ધાણા, ઘઉં જેવા પાકોનું વાવેતર કરીએ છીએ. પાણીની સગવડતા પુરતી હોવાથી શિયાળુ, ઉનાળુ પાકો પણ સારી રીતે લઈએ છીએ. આ ખેડૂત પાસે ઉતમ કક્ષાનો ધણખૂંટ પણ છે. તેઓ આ ધણખૂંટ જૂનાગઢથી લાવ્‍યા છે. કૃષિ યુનિ. જૂનાગઢના માર્ગદર્શન મેળવતા રહે છે. સાથે સાથે સુભાષ પાલેકરના કાર્યક્રમોમાં જઈ પ્રાકૃતિક ખેતીની સલાહ મેળવતા રહે છે. કરશનભાઈએ એક ખેડૂત ગૃપના સભ્‍ય બન્‍યા છે. આ ગૃપમાં 40-પ0 ખેડૂતો પોતાના ખેતી અને પશુપાલનના વિચારોની આપ-લે         કરે છે.

error: Content is protected !!