સમાચાર

જાફરાબાદમાં પગારનાં પૈસા બાબતે બઘડાટી : પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘટના સ્‍થળે દોડી ગયા

માચ્‍છીમારીનો વ્‍યવસાય કરતાં સમાજનાં ટોળાઓ વચ્‍ચે

જાફરાબાદમાં પગારનાં પૈસા બાબતે બઘડાટી

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય પણ બનાવની ગંભીરતા સમજી ઘટના સ્‍થળે દોડી ગયા

મોટી સંખ્‍યામાં શહેરીજનો ઉમટી પડતા સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં ધજાગરા થયા

અમરેલી, તા. ર1

જાફરાબાદનાં બંદર રોડ ઉપર આવેલ ખારવા સમાજની બોટ માલિકોની ઓફિસે આજે સવારના લગભગ 11-30 કલાકે લોકડાઉનના કારણે છેલ્‍લા બે માસથી બોટો માછીમારી કરવામાં દરિયામાં જતી ન હોવાના કારણે બોટ માલિકો ઘ્‍વારા પોત-પોતાની બોટોમાં ખલાસી તરીકેની કામગીરી કરી રહેલા ખારવા સમાજના જ શ્રમિકોનો પગાર કાપવાની વાત મુકાતા બોટ માલિકો અને ખલાસીઓ વચ્‍ચે પ્રથમ તો ભારે શબ્‍દાશબ્‍દી થઈ હતી. જેણે ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરી લેતા ખલાસીઓના ટોળા મોટી સંખ્‍યામાં એકત્રીત થઈ ગયા હતા અને તોફાને ચડયા હતા.

જેમાં જાણવા મળતી વિગતો મુજબ તોફાની ટોળાઓએ બોટ માલિકોના મકાનો, વાહનોને નિશાન બનાવ્‍યા હતા. આ બનાવથી બંદર ચકો, ફિશીંગ કેમ્‍પ અને જાફરાબાદ શહેરમાં અફડાતફડીનો ભયજનક માહોલ ફેલાતા અન્‍ય વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી જતા રહૃાાં હતાં. બંદર ચોક ખાતે બોટ માલિકો અને ખલાસીઓ વચ્‍ચે બઘડાટી બોલ્‍યાનાં સમાચાર જાફરાબાદ ટાઉન પોલીસને મળતાની સાથે જ પીઆઈ ઝાલા પોલીસ સ્‍ટાફસાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. ત્‍યારે પરિસ્‍થિતિ વધુ તંગ બની ગયેલી જણાતા તોફાની ટોળાઓને કાબુમાં લેવા પોલીસ ઘ્‍વારા અશ્રુવાયુ છોડાયો હતો. જો કે લોકો એવું કહે છે કે, ગોળીબાર પણ કરવામાં આવ્‍યો હતો. સ્‍થાનિક પોલીસ બગડેલી સ્‍થિતિને કંટ્રોલ કરવામાં ઉણી ઉતરતા જિલ્‍લાકક્ષાએ એસપી નિર્લિપ્‍ત રાયને જાણ કરાતા નિર્લિપ્‍ત રાયે રાજુલા-જાફરાબાદ મરીન, નાગેશ્રી વિગેરે સ્‍થળેથી પોલીસ કાફલો જાફરાબાદ ખાતે રવાના કર્યો હતો અને અમરેલીથી એલસીબી, એસઓજીને પણ મોટામસ પોલીસ કાફલા સાથે જાફરાબાદ ખાતે બંદોબસ્‍તમાં રવાના કરી હતી અને બપોરનાં બે વાગ્‍યા આસપાસ એસપી પણ જાફરાબાદ ખાતે આવ્‍યા હતા. અને તેમણે ત્‍યાં આવતાની સાથે જ કડક હાથે કામ લઈ તોફાની ટોળાઓને વિખેરી નાખ્‍યા હતા.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, લોકડાઉનના કારણે માછીમારી વ્‍યવસાયમાં પ્રથમ સરકારે પ્રતિબંધ લાદયો હતો પણ પાછળથી છુટ આપી હતી. માછીમારીની છુટ મળવા છતાં જાફરાબાદનાં ખારવા સમાજે સર્વસંમતિથી એવો મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો હતો કે, જો આપણે આપણી બોટોને માછીમારી કરવા દરિયામાં મોકલશું તો નિયમ મુજબનું સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ નહિ જાળવી શકાય. આથી જયારથી લોકડાઉન સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્‍યારબાદ જ આપણે આપણી બોટોને માછીમારી કરવા મોકલવી ત્‍યાં સુધીતો નહિં. જાફરાબાદનાં અન્‍ય સમાજના બોટ માલિકોએ માછીમારી કરવા બોટો દરિયામાં મોકલી હતી પણ ખારવા સમાજ તેમાંથી બાકાત રહૃાો હતો.

માછીમારી વ્‍યવસાયનો નિયમ એવો રહયો છે કે બોટ માલિકો દ્વારા ચોમાસાની સિઝનમાં જ પોતાની બોટો માટે ખલાસીઓની વરણી આઠ માસ સુધીની થાય છે અને તેમનો પગાર સગવડતા વિશે પણ એ સમયે જ બધુ નકકી કરવામાં આવે છે. છેલ્‍લા બે માસથી ખારવા સમાજની બોટો માછીમારી કરવા માટે દરિયામાં લાંગરી ન હોવાના કારણે બોટ માલિકો દ્વારા પગાર કાપવાની વાત મુકવામાં આવી હતી. શ્રમિક ખલાસીઓ એવું કહેતા હતા કે તમે બોટો બંધ રાખી એમાં અમારો શું દોષ, આવી વાતમાંથી વાત બગડી હતી અને જાફરાબાદના ઇતિહાસમાં સૌપ્રથમ વાર જ ખારવા સમાજ વચ્‍ચે આપસમાં ઝગડો થયો હતો. અગાઉ ખારવા સમાજ અને કોળી સમાજ વચ્‍ચે, મુસ્‍લીમ સમાજ વચ્‍ચે લોહીયાળ જંગ ખેલાયો છે પરંતુ ખારવા સામે ખારવા યુઘ્‍ધ આજે પહેલીવાર છંછેડાયુ હતુ.

આથી એવું અનુમાન કરી શકાય કે બપોરના 11:30 ના બનાવની વિધીવત પોલીસ ફરિયાદ રાત્રીના 9 વાગ્‍યા સુધી લેવાઇ ન હોય અથવા લીધા પછી તેની માહિતી મિડીયાને અપાતી ન હોય તો તેની પાછળના પણ ઘણા બધા કારણો હોઇ શકે.

ધારાસભ્‍ય અંબરીશ ડેર

જાફરાબાદ ખાતે આજે ખારવા સમાજ વચ્‍ચે પગારનાપ્રશ્‍ને થયેલી બોલાચાલી, તોફાની ઘટનાઓ ઘટતા રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્‍ય અંબરીશ ડેરે ખારવા સમાજના બોટના માલિકો અને ખલાસી તરીકેની કામગીરી કરી રહેલા ખારવા સમાજના શ્રમિકોને એવી હૃદયપૂર્વકની અપીલ કરી છે કે તમે બધા જ એક જ સમાજના છો, સૌ કોઈનું હિત વિચારીને આગળ વધજો, બોટ માલિકોને પણ અપીલ કરી છે કે આ લોકો તમારા છે અને તમારે જ તેમને સાચવવાના છે તે જોજો.

error: Content is protected !!