સમાચાર

બેબસિયાથી સિંહો બેબસ કે વનતંત્રની બેદરકારી ?

બેબસિયાથી સિંહો બેબસ કે વનતંત્રની બેદરકારીથી

ધારી ગીર પૂર્વનાં તમામ અધિકારીઓની બદલી જરૂરી

ગીરમાં સિંહોનાં ટપોટપ મોત થાય તેવા જ સમયે સંરક્ષણની ગુલબાંગો ફેંકવામાં આવે છે

સિંહ સંરક્ષણ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ કયાં જાય છે તે સમજાતું નથી

સીડીવી વખતે મહાકાય યોજના બનાવી તો પણ આ વખતે સિંહો મોતને ભેટયા

ધારી, તા.9

ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતના આંકડા અને કયો રોગ છે તે વિવાદ વચ્‍ચે ગીરના ડાલામથ્‍થા સિંહો બેબસિયાથી બેબસ છે કે વનતંત્રની બેદરકારીથી કારણ કે જયારે સિંહો મોતને ભેટે છે ત્‍યારે જ સંરક્ષણની સૂફીયાણી વાતો થાય છે. બાકી કરોડો રૂપિયાની સિંહ સંરક્ષણની ગ્રાન્‍ટ આપતી હોવા છતાં પરિણામ શૂન્‍ય જ છે. સીડીવી વખતે પણ અનેક જાહેરાતો થઈ હતી. છતાં આ વખતે પણ સિંહો મોતને ભેટયા હતા અને ર9 જેટલા સિંહોનો ભોગ લેવાઈ     ગયો છે.

વન વિભાગના મેન્‍યુઅલ મુજબ જંગલમાં ગુના બને તે અગાઉ અટકાવવા જેમકે ચંદન કટીંગ, લાકડા કટીંગ, ઘાસ કટીંગ, લાયન શો ન થાય તે માટે સજાગ રહેવાનું હોય છે. તથા સિંહ અવલોકન કરી કયા સિંહ બીમાર છે પોતાની બીટ, રાઉન્‍ડ, રેન્‍જમાંકેટલા સિંહ છે વિસ્‍તારમાં ફેરણુ કરી દરરોજ સાંજે ખેરીયાત રિપોર્ટ આપવાનો રહે છે. ટૂંકમાં વન સ્‍ટાફને જે અદ્યતન સુવિધા અને મસમોટો પગાર મળે છે. તે વનગુના અટકાવવા તથા સિંહની સુરક્ષા માટે જ મળે છે. વર્ષે દહાડે સરકારે સંરક્ષણ માટે કરોડોની ગ્રાન્‍ટ ફાળવે છે. છતાં ન વનગુના અટકે છે ન તો સિંહના મોત અટકે છે. ખુદ વનતંત્ર લાયન શો, ઘાસ કટીંગ, ચંદન કટીંગ જેવી પ્રવૃતિઓને પ્રોત્‍સાહન આપે છે અને ઘણીવાર તેમાં સહભાગી પણ થાય છે.

સિંહોના સંરક્ષણ માટે વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ આવે છે. પરંતુ શું તે ગ્રાન્‍ટથી સિંહોનું યોગ્‍ય સંરક્ષણ થાય છે ખરૂં ? જયારે સિંહો વધારે મરે ત્‍યારે મસમોટી જાહેરાત અને દાવા થાય છે. ફરી પાછું બધુ શાંત થઈ જાય ત્‍યારે એકાદ વર્ષ પછી સિંહો મરે એટલે મસમોટી જાહેરાત થાય અને સિંહ સંરક્ષણની ગ્રાન્‍ટનો આંકડો વધી જાય પરંતુ સિંહના મોતનો આંકડો ઓછો થતો નથી તે દર વર્ષે વધે છે. અહીંના અધિકારીઓને માત્ર વિકાસ કામોમાંથી મળતી મલાઈમાં જ રસ છે તેવું જણાઈ આવે છે. અનેસીડીવી વખતે જે દાવા થયા તે હાલમાં પોકળ પુરવાર થયા છે. તે ર9 સિંહોના મોત બાદ લાગી રહયું છે.

error: Content is protected !!