Main Menu

વન અધિકારીઓનાં પાપે સિંહોની હાલત શ્‍વાન જેવી

બે ડઝન કરતાં વધુ સિંહોનાં મૃત્‍યુ બાદ કોઈની જવાબદારી નક્કી ન થઈ

વન અધિકારીઓનાં પાપે સિંહોની હાલત શ્‍વાન જેવી

કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પણ પ00 જેટલા સિંહોને બચાવી શકાતા નથી

સમગ્ર એશિયાનાં ગૌરવને સાચવવામાં રાજયનાં વન વિભાગની ગુનાહીત બેદરકારી

અમરેલી, તા.ર

એક તરફ દેશ અને ગુજરાતની અસ્‍મિતાને ઉજાગર કરવા માટે રાજય અને કેન્‍દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારના દાવાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. તો બીજી તરફ સમગ્ર એશિયાનું ગૌરવ અને ગુજરાતનું ઘરેણું ગણાતા સિંહની સુરક્ષા કરવામાં વન વિભાગ સદંતર નિષ્‍ફળ સાબિત થયું છે.

ધારી ગીર પૂર્વ વિસ્‍તારમાં છેલ્‍લા થોડા દિવસોમાં બે ડઝન કરતા પણ વધુ સિંહોના મૃત્‍યુ થયા છતાં હજુ પણ એકપણ વનકર્મીની જવાબદારી નકકી કરવામાં આવતી નથી. પ00થી વધારે સિંહોની સુરક્ષાની જવાબદારી વર્ગ-3 કે વર્ગ-4ના કર્મીઓ પર          ઢોળીને વર્ગ-1ના અધિકારીઓ શાહીઠાઠમાઠથી જીવન પસાર કરી         રહયા છે.

ઉચ્‍ચ અધિકારીઓની નિષ્‍ક્રીયતા અને નિંભરતાને લીધે નાના કર્મચારીઓ ગેરકાયદેસર લાયન-શો કરે કે મામૂલી રકમની લાલચમાં સિંહોની સુરક્ષા સામે ખતરો ઉભો કરતાં હોવાનું પણ ચર્ચાઈ રહયું છે.

સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. સિંહોને લીધે રાજયનાં પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્‍સાહન મળે છે. છતાં પણ વન વિભાગ સિંહોની સુરક્ષા કરી શકતું ન હોય મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ હવે દરમિયાનગીરી કરીને એશિયાના ગૌરવ સમા અને ગુજરાતની ઓળખ ગણાતા સિંહો માટે જે કાંઈ કરવું ઘટે તે કરવું પડશે. નહીં તો આગામી પેઢી આપણને કયારેય માફ નહીં કરે.