Main Menu

અમરેલીની સમસ્‍યા દુર કરવા માટે આંદોલન કરાશે

જિલ્‍લાકક્ષાનાં શહેરની હાલત ગ્રામ્‍ય વિસ્‍તાર કરતાં પણ વધુ ખરાબ બની ચુકી છે

અમરેલીની સમસ્‍યા દુર કરવા માટે આંદોલન કરાશે

પાણી વિતરણની અનિયમિતતા, ભુગર્ભ ગટર, બિસ્‍માર માર્ગો સહિતની અનેક સમસ્‍યાઓ વિકરાળ બની

શહેરનાં સુપ્રસિઘ્‍ધ તબીબ ભરત કાનાબારે આગામી દિવસોમાં નિષ્‍પક્ષીય આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી

અમરેલી, તા. 3

અમરેલી શહેર જીલ્‍લાનું વડુ મથક હોવા છતાં અમરેલી શહેરમાં કોઈ બહારનો માણસ દાખલ થયો તો તેને નવાઈ લાગે કે આ જીલ્‍લાનું મુખ્‍ય મથક છે કે પછી મોટુ ગામડુ ! ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાએ પોતાના વતનનું ઋણ ચુકવવા માટે અમરેલી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલ, શિક્ષણ માટે અમરેલી વિદાસભાના નેજા હેઠળ કોલેજો અને શૈક્ષણિક કેમ્‍પસ, એરપોર્ટ (જે અત્‍યારે અમરેલીને કામ લાગી રહૃાું છે) વિગેરે સુવિધા ઉભી કર્યા પછી આજ સુધી અમરેલીમાં અમર ડેરી, અદ્યત્તન નવું માર્કેયાર્ડ અને શિક્ષણક્ષેત્રે વસંતભાઈ ગજેરાના પ્રયાસોથી ઉભા થયેલ પટેલ સંકુલને બાદ કરતા નવી કોઈ સુવિદ્યા ઉભી થઈ નથી. ઉલ્‍ટાનું દિવસેને દિવસે અમરેલીની પ્રાથમિક સેવાઓ એટલી કથળતી જાય છે કે અમરેલીને શહેર કહેવું એ પણ અતિશયોકિત ગણાય.

પીવાનાં પાણીનું કોઈ ટાઈમટેબલ નગરપાલિકાનું તંત્ર ગોઠવી શકતી નથી. જેનો સૌથી વધુત્રાસ અમરેલીના બહેનોને વેઠવો પડે છે. ભુગર્ભ ગટર યોજના પર કોઈ સુરપવિઝન થતું નથી પરિણામે હજુ એ ચાલું થાય તે પહેલા કેટલીએ જગ્‍યાએ તેના ઢાંકણા તુટી ગયા છે. કામની ગુણવત્તા બાબતે પણ અનેક સવાલો લોકોના મનમાં ઉભા થયા છે. ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓ હવે માત્ર નકશા પર જ રહૃાા છે. આવા તુટેલા-ભાંગેલા રસ્‍તાઓ ઉપર વાહન ચલાવવામાં અકસ્‍માતનો ભય રહે છે. તુટી ગયેલ રસ્‍તાઓને કારણે ધૂળ એટલી બધી ઉડે છે કે સાંજે ધૂળની મોટી ડમરીઓ ઉડતી હોય તેવું વાતાવરણ થઈ જાય છે. કવિ રમેશ પારેખ જીવતા હોત તો ચોકકસ લખત કે, ભભમારી લીલીછમ વેલી અમરેલી બની ગઈ છે હવે ધૂળ નગરી.ભભ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ગંધાય છે, સ્‍વચ્‍છતા મિશન માત્ર કાગળ પર રહૃાું છે, રસ્‍તાઓ ઉપર અને શેરીઓમાં કચરાના ગંજ ખડકાયા છે જે નગરપાલિકાનાં તંત્રને ઘ્‍યાનમાં આવતા નથી. અમરેલીની ભુગર્ભ ગટરને કારણે તુટી ગયેલ રસ્‍તાઓને રીપેર કરવાની જવાબદારી કોની છે તે મુદો સરકારી ફાઈલોમાં અટવાયો છે જેની પીડા અમરેલીની જનતા ભોગવી રહી છે.

અમરેલીના જાગૃત્ત મિડીયાએ પ્રજાની આ હાલાકીને વાચા આપવા માટે અનેકવાર તંત્રનો કાન આમળ્‍યો છે પરંતુ જડ વહીવટીતંત્રની ઉંઘ ઉડતી નથી. અમરેલીના લોકોની ધીરજ હવે ખુટવા આવી છે.વહીવટીતંત્ર લોકોને પડતી મુશ્‍કેલીઓ દૂર કરવા માટે કોઈ નકકર પગલાં નહી લે તો આગામી દિવસોમાં અમરેલીના વિવિધ સંગઠનો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને સાથે રાખી બિન-પક્ષીય આંદોલન ઉભુ કરાશે તેવી ચીમકી ડો. ભરત કાનાબારે નિવેદનના અંતમાં આપી હતી.