Main Menu

વડીસિંચાઈ યોજનામાંથી ખેતી માટે પાણી આપવા રજૂઆત : કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા.1

અમરેલી જિલ્‍લા ખેડૂત હિત રક્ષક સમિતિના કન્‍વીનર નંદલાલ ભડકણે કલેકટરને આવેદન પત્ર પાઠવેલ છે.

આવેદન પત્રમાં જણાવેલ છે કે,  ચાલુ સાલે અપૂરતા વરસાદના કારણે ખેડૂત ખાતેદારોને પોતાના વાવેલ પાકમાંથી ખેતીનો ખર્ચ પણ નીકળવાની શકયતા નથી. આવા સંજોગોમાં ખેત જણસોને પિયત પાણીની તાતી જરૂરિયાત હોય જેથી વડી સિંચાઈ યોજના માંગવાપાળ ડેમથી બે પિયત પાણી મળી શકે તેમ છે. જે વડી સિંચાઈ યોજના દ્વારા ખેડૂતોને જણાવેલ પિયત પાણી મેળવવા ઈચ્‍છતા ખેડૂતોએ નિયમોનુસાર ભરવાપાત્ર થતા રૂપિયા પણ ભરી આપેલ છે. છતાં પાણી છોડવામાં આવેલ નથી. ઈરીગેશન વિભાગમાંથી તેવું જાણવા મળેલ છે કે કલેકટરની મંજૂરી મળેલ નથી. કારણ કે હાલ ખેડૂત ખાતેદારો ભયંકર દુષ્‍કાળનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા નથી. તેવા સંજોગોમાં પિયતનું પાણી ઓછુ-વધતું ઓકિસજન રૂપી મળી શકે તેમ છે. તે પણ તંત્રની ઉદાસીનતાના કારણે સમયસર પાણી ન મળે તો ખેડૂતોની કફોડી હાલત થાય તેમ છે. આવા સંજોગોમાં આવતીકાલથી જ પાણી છોડવા અમોની માંગ છે. પણ કદાચ વહીવટી તંત્ર કોઈના ઈશારે નાચતુ હશે અને ખેડૂત ખાતેદારોને માત્ર હેરાન કરવા આર્થિકકંગાળ બનાવવા માંગતું હશે તો તેવા અધિકારીઓ કે પદાધિકારીઓને તેમનું સ્‍થાન બતાવતા અમોને આવડે છે. ખેડૂત ખેતમજૂર કે નાના મોટા વેપારીઓ ભયંકર આર્થિક સંકડામણના કારણે આપઘાત કરે તેમાં સરકાર કે કહેવાતા નેતાઓને બીલકુલ રસ નથી. પોતપોતાના રાજકીય રોટલા શેકવા નીકળી પડયા છે તેમ અંતમાં જણાવેલ છે.