Main Menu

અમરેલી જિલ્‍લામાં આર્થિક મંદીનો માહોલ : કૃષિક્ષેત્ર બાદ અતિ મહત્‍વનાં હીરાઉદ્યોગમાં કામકાજ બંધ

કૃષિક્ષેત્ર બાદ અતિ મહત્‍વનાં હીરાઉદ્યોગમાં કામકાજ બંધ

અમરેલી જિલ્‍લામાં આર્થિક મંદીનો માહોલ

ડોલર સામે રૂપિયો ગગડતાં તેની સીધી અસર હીરાઉદ્યોગ પર પડી છે

જિલ્‍લામાંથી મોટા પ્રમાણમાં સ્‍થળાંતર થવાની શકયતાઓ જોવા મળી રહી છે

અમરેલી, તા. 14

અમરેલી જિલ્‍લામાં દરિયાકાંઠા વિસ્‍તારને બાદ કરતાં બાકીનાં વિસ્‍તારમાં છેલ્‍લા ર0 વર્ષમાં કોઈ મહાકાય ઉદ્યોગોનું સ્‍થાપન કરવામાં રાજકીય આગેવાનો નિષ્‍ફળ રહેતાંજિલ્‍લામાં એકમાત્ર કૃષિક્ષેત્ર જ આર્થિક માટે મહત્‍વનું પરિબળ બન્‍યું છે. તો બીજા નંબરે આવતાં હીરા ઉદ્યોગમાં પણ ભયાનક મંદીનો માહોલ છે અને કૃષિક્ષેત્ર પણ ક્રમશઃ નબળુ પડી રહૃાું હોય ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલીનાં ડાયમંડ પ્રમુખ ઘનશ્‍યામ ડોબરીયાએ જણાવેલ છે કે, ડોલર સામે રૂપિયો ગગડયો છે. હીરાની રફ કારખાનેદારને મોંઘી પડે છે. અમેરિકાએ મોટો ટેક્ષ નાખતાં જવેલરી વેચાતી નથી.

રત્‍નકલાકાર મુકેશ પાનસુરીયાએ જણાવેલ છે કે, કાળઝાળ મોંઘવારીએ હદ વટાવી છે. તમમ રત્‍ન કલાકારોને જરૂરી કામ મળતું ન હોય પરિવારનું પાલનપોષણ કરવું મુશ્‍કેલ બન્‍યું છે.

અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા, ખાંભા, ધારી, બગસરા, વડીયા-કુંકાવાવ, લાઠી, લીલીયા, અમરેલી સહિતનાં પંથકોમાં કોઈ ઉદ્યોગો જોવા મળતાં ન હોય જિલ્‍લામાં હજારો યુવાનો બેરોજગાર બનીને નોકરીની રાહ જોઈ રહૃાા છે.

કૃષિ અને હીરા બજારમાં મંદી અને કારમી મોંઘવારી સહિતનાં પ્રશ્‍ને વેપારીઓ પણ પરેશાન થઈ ચુકયા હોય આગામી દિવસોમાં ગ્રામ્‍ય વિસ્‍તારની જેમ તાલુકા મથકોએથી પણ મહાનગર તરફ સ્‍થળાંતરની શકયતા નકારી શકાતી નથી.