Main Menu

રાજુલાનાં વીસળીયા ગામમાં નદીનાં પાણી ઘૂસી જતાં અફડાતફડી

અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠા વિસ્‍તારમાં છેલ્‍લા એક અઠવાડિયાથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહયો છે. તેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ઘૂસી ગયા છે. આવી જ ઘટના રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના વીસળીયા ગામમાં બની હતી. વીસળીયા ગામથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્‍યું હતું. ગામ બે વિસ્‍તારમાં વહેંચાયેલું છે. આથી બંને વિસ્‍તાર વચ્‍ચેનો સંપર્ક તૂટયો હતો. નદીમાં આવેલો કોજ-વે પણ ધસમસતા પાણીના પ્રવાહમાંવહી ગયો હતો. તેમજ પૂર સંરક્ષણ દિવાલનું પણ ધોવાણ થઈ ગયું હતું. પૂર સંરક્ષણ દિવાલ તૂટવાના કારણે પ્‍લોટ વિસ્‍તારમાં પાણી રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા હતા. વીસળીયા પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ ધોધમાર વરસાદના કારણે બે મકાનો પણ પડી ગયા હતા. પરંતુ કોઈને જાનહાની થઈ નહોતી તેમજ અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોને પાક નિષ્‍ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે સરપંચ વિક્રમભાઈ શિયાળને જાણ થતાં તુરંત ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને લોકોને નદી કિનારે જવા માટે ના પાડી હતી તેમજ ગામની પરિસ્‍થિતિ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી.