Main Menu

ભૈ વાહ : અંતે વન વિભાગની ખાલી જગ્‍યાઓ ભરાઈ

ગેરકાયદેસર લાયન શો તેમજ વન્‍ય પ્રાણીની સુરક્ષાને લઈને મીડિયામાં ધમાસાણ શરૂ થતાં સરકાર જાગી
ભૈ વાહ : અંતે વન વિભાગની ખાલી જગ્‍યાઓ ભરાઈ
વન અને વન્‍યપ્રાણીઓની સુરક્ષા અર્થે સરકારનું ઉમદા કાર્ય
ખાંભા, તા.13
ગીર અભ્‍યારણ્‍ય અને તેની આસપાસ સિંહોની સ્‍થિતિ વિશે માઘ્‍યમોમાં પ્રકાશિત થતા અહેવાલો બાદ સરકાર જાગી છે અને ગીર અભ્‍યારણ્‍યમાં ખાલી પડેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર (આરએફઓ) અને આસિસ્‍ટન્‍ટ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ (એસીએફ)ની મહત્‍વની જગ્‍યાઓ પર તાત્‍કાલિક અસરથી નિમણૂંકો કરી દીધી છે. ગીર અને સિંહોના સંરક્ષણ માટે આ એક સારૂ પગલુ ગણાશે. કેમ કે, ગીરમાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટની ખાલી પડેલી જગ્‍યાઓ પર નિમણૂંકો કરવા માટે ઘણા લાંબા સમયથી જૂનાગઢ વન્‍ય પ્રાણી વર્તુળ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે ગીર અભ્‍યારણ્‍યમાં છ ખાલી જગ્‍યાઓ પર નવા ચાર રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરોની નિમણૂંક કરી છે.ત્‍યારે હજુ બે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરની જગ્‍યા ખાલી રહી છે. જેમાં ગીર પશ્ચિમ સીડવડી રેન્‍જ અને ગીર પૂર્વમાં દલખાણીયા રેન્‍જ હજુ ખાલી રહી છે. ત્‍યારે જે રેન્‍જમાં નવી નિમણૂંક કરવામાં આવી છે. તેમાં ડેડકડી રેન્‍જ (ગીર પશ્ચિમ), દેવળીયા રેન્‍જ (ગીર પશ્ચિમ), હડાળા રેન્‍જ (ગીર પૂર્વ) અને સાસણ રેન્‍જ (ગીર પશ્ચિમ)નો સમાવેશ થાય છે. આ તમામ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરોને સૂચના આપવામાં આવી છે કે, તેઓએ હાલની જગ્‍યાએથી છુટા થઈ તાત્‍કાલિક નવી બદલી વાળી જગ્‍યાએ ચાર્જ સંભાળી લેવો.
આ સિવાય આસિસ્‍ટન્‍ટ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ (એસીએફ)ની ગીરમાં ખાલી પડેલી જગ્‍યાઓ પર નવી નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં પોરબંદર ખાતે ફરજ બજાવતા એસીએફ ડી.જે. પંડયાને બદલીને વિસાવદર (ગીર, પશ્ચિમ) ખાતે નિમણૂંક કરવામાં આવી છે. મરીન નેશનલ પાર્ક (જામનગર)ના એસીએફ એચ.જે. ઠકકરને ધારી (ગીર, પૂર્વ)ના એસીએફ તરીકે મૂકવામાં આવ્‍યા છે. એ જ રીતે ખંભાળીયા ખાતે એસીએફ તરીકે ફરજ બજાવતા નિકુંજસિંહ પરમારને ઉના (ગીર, પૂર્વ)ના એસીએફ તરીકે મૂકવામાં આવ્‍યા છે.
ગીર અભ્‍યારણ્‍યમાં ખાલી પડેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરમાંથી ચાર નવા રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરો અને ત્રણ સહાયક વન સંરક્ષકોની ખાલી જગ્‍યા ભરાતા સ્‍થાનિક વન વિભાગની કામગીરી સારીરીતે આગળ વધી શકશે. થોડા દિવસો પહેલા અગ્ર મુખ્‍ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્‍ટ ફોર્સીસ જી.કે. સિન્‍હા, વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારી ગીર દોડી ગયા હતા અને વણસતી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો.
આ સમયે વન અધિકારીઓએ સ્‍થાનિક લોકો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના લોકો, વન્‍યપ્રેમી લોકોને સાંભળ્‍યા હતા અને સિંહોના સંરક્ષણ મામલે સરકાર ગંભીર છે એમ જણાવ્‍યું હતું. ગીર અભ્‍યારણ્‍યની આસપાસ રેવન્‍યુ વિસ્‍તારમાં ગેરકાયદે લાયન શોના કિસ્‍સાઓથી વન્‍યપ્રેમીઓ ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને, બાબરીયા રેન્‍જમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી જે વીડિયો કલીપ્‍સ મળી તેનાથી લોકો સ્‍તબ્‍ધ થઈ            ગયા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, ગીરમાં સિંહોના વધી રહેલા અકુદરતી મૃત્‍યુને લઈને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્‍યકત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાાખલ કરી છે. છેલ્‍લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્‍યુ પામ્‍યા છે. 184 સિંહોના મૃત્‍યુમાંથી 3ર સિંહોના મૃત્‍યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્‍નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્‍યુનો સ્‍વીકાર કર્યો છે. ર01પમાં થયેલી સિંહોની ગણતરી મુજબ ગીરમાં કુલ પર3 સિંહો છે.