Main Menu

મગફળીકાંડ એ ભાજપનો મળતીયાઓને ફાયદો કરવા માટેનું કાવતરૂ : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીની સટાસટી
મગફળીકાંડ એ ભાજપનો મળતીયાઓને ફાયદો કરવા માટેનું કાવતરૂ : પરેશ ધાનાણી
નબળી ગુણવત્તાની મગફળી મળતીયાઓની મિલોમાં પીલાવવાનું નકકી કરાયું
ગાંધીનગર, તા. 1ર
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ખેત ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવને લઈને સમગ્ર દેશમાં ખેડૂતો છેલ્‍લા 10 દિવસથી આંદોલન ચલાવી રહ્યા હતા. ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે, ખેડૂતોમાં ભારે મોટી નિરાશા છે. ખેડૂત પોતાના અધિકાર માટે વારંવાર માંગણીઓ કરી રહ્યો છે પરંતુ તેને સસ્‍તી, પૂરતી કે નિયમિતવીજળી મળતી નથી, નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. ખેડૂતોને ખેત ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોના ખેત ઉત્‍પાદન પર પ% કરવેરો નાંખવાનું પાપ આ ભાજપ સરકારે કર્યું છે. ખેડૂતોની જમીન સેટેલાઈટથી માપવામાં હદ નિશાન અને ક્ષેત્રફળની વિસંગતતાના કારણે ઘરેઘર કુટુંબમાં વર્ગવિગ્રહ ફાટે તેવી સ્‍થિતિનો સામનો સમગ્ર ગુજરાત કરી રહ્યું છે. કરવેરાઓમાં વધારાના કારણે ખેડૂતોના ઉત્‍પાદન ખર્ચમાં સતત બોજ વધી રહ્યો છે. ખેત ઓજારો, ખાતર, બિયારણ, વીજબિલમાં જીએસટી વેરો વસુલીને સરકારે ખેડૂતો પર ભારણ વધાર્યું છે. આવી વિવિધ સમસ્‍યાઓને લઈને સતત સંઘર્ષ કરતો ખેડૂત આજે દેવાના બોજ હેઠળ ડૂબીને આત્‍મહત્‍યા કરવા તરફ આગળ વધી રહ્યો છે.
ભાજપ સરકારે ચૂંટણી સમયે રાજકીય રોટલા શેકવા અને ખેડૂત વર્ગને ભોળવવા માટે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજકીય તરકટ કર્યું હતું. ગુજરાતમાં 33 લાખ ટન જેટલી મબલખ મગફળી પાકતી હોવા છતાં અંદાજિત 7.પ લાખ ટન મગફળી ચૂંટણી પહેલાંના સમય દરમ્‍યાન ખરીદી. જેવી ચૂંટણી પૂરી થઈ એટલે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી અને જે મગફળી ખરીદવામાં આવી હતી તે પણ વહાલા-દવલાની નીતિ સાથે ખાનગી ધોરણે મણે રૂા. પ0નું કમિશન લઈભાજપના મળતિયાઓ પાસેથી નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી હતી. કોંગ્રેસ પક્ષે વિધાનસભાના ફલોર પર રાજયપાલને, મુખ્‍યમંત્રીને, કૃષિમંત્રીને વારંવાર રજૂઆત કરી હતી કે, આ મગફળીકાંડમાં ભારે મોટો ગોટાળો થયો છે. ગુજરાતની પ્રજાની પરસેવાની કમાણીથી ભરાયેલ તિજોરીમાંથી રૂા. 3,પ00 કરોડનું રોકાણ કરીને અંદાજિત 7.પ લાખ ટન મગફળી ખરીદવામાં આવી, તે પૈકી પ.પ લાખ ટન મગફળી ગુજકોટ નામની સંસ્‍થા દ્વારા ખરીદવામાં આવી, આ સંસ્‍થા પાસે અનુભવી અને પૂરતો સ્‍ટાફ નહોતો, માલ સંગ્રહ કરવા માટે ગોડાઉન નહોતું કે માલની ખરીદી કરવા માટેનું કોઈ નેટવર્ક નહોતું. ચૂંટણી ટાણે ખેડૂતોને ભોળવવા માટે અને ભાજપના મળતિયાઓને કમાવવા માટે         મગફળીકાંડ સર્જવામાં આવ્‍યું.
નબળી ગુણવત્તાની મગફળી ખરીદયા પછી તે મગફળી ભાજપના મળતિયાઓની મિલોમાં પહોંચાડી, પીલાણ કરાવી, સીંગતેલના ડબ્‍બા બારોબર વેંચીને ભાજપે નવી સરકાર બનાવી. ખાનગી માલિકો પાસેથી વચેટીયાઓ દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનોની અંદર આવી ખરીદેલી મગફળીનો સ્‍ટોક રાખવામાં આવ્‍યો છે. આ મગફળીના સ્‍ટોકમાં મગફળીની જગ્‍યાએ માટી, પથ્‍થર અને ઢેફાના તોડા ભરી કોથળાઓ સરકારી ગોડાઉનોમાં રાખ્‍યા હતા તે ગોડાઉનોની સલામતીમાં સરકારે ભારે નિષ્‍ક્રીયતા દાખવી છે. આગોડાઉનોમાં સીસીટીવી ન રાખવામાં આવ્‍યા, પોલીસ પહેરો ન રાખવામાં આવ્‍યો, આવી નિષ્‍ફળતાઓ અને ભ્રષ્ટાચારને ઢાંકવા માટે સરકારની મીઠી નજર તળે પહેલાં ગાંધીધામનું ગોડાઉન, ત્‍યારબાદ ગોંડલ, હાપા, રાજકોટનું ગોડાઉન સળગ્‍યું અને છેલ્‍લે શાપરના ગોડાઉનમાં પણ ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી. સમગ્ર ગુજરાતના ખેડૂતોએ જયારે આના માટે અવાજ ઉઠાવ્‍યો ત્‍યારે સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડીને સોંપી હતી, તેમાં પણ આગના સમાન કારણો બતાવ્‍યા, જે સામાન્‍ય માણસના મનમાં શંકાની સોય ઉભી કરે છે. સરકાર આ નિષ્‍ફળતાઓ અને ભ્રષ્ટાચારને છૂપાવવા માટે હવે મગફળી ઉતાવળે બજારમાં વેચી દેવા માટે પ્રયાસ કરી રહી છે.
આજે પણ પ્રતિ દિવસ 60 હજાર કોથળા મગફળીની આવક છે અને અંદાજીત પથી 6 લાખ ટન મગફળી હજુ ખેડૂતોના ઘરમાં પડી છે. ચૂંટણી પહેલાં મગફળીનો ભાવ રૂા. પ00થી પપ0 પ્રતિ મણ હતો, ચૂંટણી વખતે રૂા. 900નો ટેકાનો ભાવ આપ્‍યો, સરકાર બનાવ્‍યા પછી ખેડૂતોને ભગવાન ભરોસે છોડયા એટલે આજે પણ મગફળી રૂા. પ00થી 600 પ્રતિ મણના ભાવે પીટાઈ રહી છે, પાણીના ભાવે વેચાઈ રહી છે અને એમાંય સરકારી ગોડાઉનોમાંથી મગફળી વેચવાની સરકારે જાહેરાત કરી છે, જેથી ખેડૂતોના ઘરમાં પડેલ મગફળીના હવે કોઈ ધણી નહીં થાય, કોઈ ખરીદદાર નહીં થાય અનેખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડે તેવી સ્‍થિતિ નિર્માણ થઈ છે. આ મગફળી ખરીદવા માટે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશનના બધા જ વેપારીઓને સરકારે મીટીંગ કરીને ફરજ પાડી. વેપારીઓએ સાથે મળીને સરકારી ગોડાઉનોમાં માલની ગુણવત્તા ચકાસવા માટે સરકારને વિનંતી કરી અને આવા ગોડાઉનોની અંદર માલની ચકાસણી કરવા વેપારીઓ ગયા ત્‍યારે કોઈએ ઉતારેલ વીડીયો સમગ્ર ગુજરાતની જનતાએ જોયો. મગફળી ચકાસવા માટે એક કોથળાનું તળીયું તોડવામાં આવ્‍યું ત્‍યારે તેમાંથી મગફળીની જગ્‍યાએ માટી, પથ્‍થર અને તોડા બહાર નીકળ્‍યા. જેથી કોંગ્રેસ પક્ષે વારંવાર જે મુદ્‌ે શંકા ઉપસ્‍થિત કરી હતી તે વાત સાચી ઠરી છે અને આવી મગફળીના નામે જે માટીના કોથળા છે તેને સળગાવવાનું સરકારની મીઠી નજર હેઠળ ષડયંત્ર થયું હતું તે સાબિત થાય છે. આ ભ્રષ્ટાચારને છૂપાવવા માટે સરકારે મગફળી વેચવા કાઢી છે, સરકારના દબાણ પછી પણ વેપારીઓ આવી નબળી ગુણવત્તાની મગફળી અને મગફળીના નામે માટી ખરીદવા તૈયાર નથી ત્‍યારે હવે સરકાર આવી      મગફળી ઓઈલ મિલોમાં પીલી, તે તેલ સરકારી દુકાનેથી વિતરણ કરવાનું મગફળીકાંડ-રનું ષડયંત્ર લઈને બજારમાં આવી રહી છે.
વિપક્ષી નેતાએ શંકા વ્‍યક્‍તત કરતાં જણાવ્‍યું હતું કે, સરકારના રૂપિયા, સરકારની મગફળી, ભાજપનામળતિયાઓની ઓઈલ મિલોમાં મગફળી પીલાશે અને સીંગતેલના ડબ્‍બા ભરાઈને ખાનગી બજારમાં વેચાઈ જશે અને સરકારી ગોડાઉનોમાં મગફળીના તેલના નામે હલકી ગુણવત્તાના પામોલીન અને ડાલડા તેલ ભરાય અને સામાન્‍ય માણસના ઘરમાં રાહતદરે વેચાશે એટલે સ્‍પષ્ટપણે કહેવું છે કે, મગફળીકાંડ એ ભાજપની મીઠી નજરતળે મળતિયાઓનો ફાયદો કરાવવા માટે પૂર્વ નિયોજીત કાવતરું-ષડયંત્ર હતું, જે આજે સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ ખુલ્‍લું પડયું છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, નાફેડના ચેરમેને ભૂતકાળમાં પણ રાજય સરકાર ઉપર આરોપ લગાવ્‍યો હતો અને આજે પણ એમણે આરોપ લગાવ્‍યો છે કે, આ મગફળીકાંડમાં સરકારની નિષ્‍ફળતા છે. મગફળી જે ગોડાઉનોમાં રાખવામાં આવી હતી તે ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશન મારફત ખાનગી ગોડાઉનો ભાડે રાખીને ગુજકોટે તેમાં માલ ભર્યો હતો. રાજય સરકારની કસ્‍ટડીમાં મગફળી ભરેલી હતી અને સુરક્ષાના અભાવે આવી મગફળીને સળગાવવા માટે સરકારે સેફ સ્‍પેસ આપ્‍યો હોય તેવો કોંગ્રેસ પક્ષનો દાવો હતો, જેને નાફેડના ચેરમેને આજે સમર્થન આપ્‍યું છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, મગફળીકાંડમાં રાજય સરકાર નોડલ એજન્‍સી તરીકે સમગ્ર ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળી ખરીદી રહી હતી. મગફળીકાંડમાં ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે ગોડાઉનોનેપૂરતી સુરક્ષા ન આપીને અસામાજીક તત્‍વોને ગોડાઉનો સળગાવવા માટેનું મોકળું મેદાન આપ્‍યું હતું ત્‍યારે ભાજપ સરકારનો આ ષડયંત્રમાં સીધો હાથ છે. ભાજપ સરકાર હવે તેમાંથી છટકી શકે તેમ નથી ત્‍યારે રાજયની ભાજપ સરકાર કેન્‍દ્ર સરકારના નિગમ નાફેડ ઉપર આરોપો લગાવી રહી છે.
ટેકાના ભાવે ખરીદી દરમ્‍યાન નબળી ગુણવત્તાની મગફળી ખરીદાય છે તેવો અહેવાલ નાફેડના અધિકારીઓએ તત્‍કાલીન ઉપલી કચેરીને આપ્‍યો હતો અને તે રિપોર્ટના આધારે મગફળી ખરીદીના કાર્યક્રમમાં બ્રેક આવ્‍યો હતો. કોંગ્રેસની માંગને લઈને દબાણવશ પુનઃ મગફળી ખરીદવા માટે રાજય સરકારે મંજૂરી મેળવી 1 લાખ ટન મગફળી સમયમર્યાદામાં ખરીદવા માટેની જાહેરાત કરવી પડી હતી. રાજય સરકારે નાફેડનો તત્‍કાલીન અહેવાલ લોકો સમક્ષ રજૂ કરવો જોઈએ અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પક્ષે મુખ્‍યમંત્રીને અને રાજયપાલને આવેદન આપીને તેની તટસ્‍થ તપાસ થાય તે માટે ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં મગફળીકાંડના લેખા-જોખા થાય, તેની તટસ્‍થ તપાસ થાય તેવી માંગણીને આજે પણ દોહરાવીએ છીએ.