Main Menu

બૂરે દિન : ખાંભામાં ભૂગર્ભ ગટરનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો થયો

ગામજનોનાં પરસેવાનાં પૈસાનો ખુલ્‍લેઆમ દૂરૂપયોગ થયો
બૂરે દિન : ખાંભામાં ભૂગર્ભ ગટરનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો થયો
ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી હોવા છતાં પણ પેમેન્‍ટનું ચૂકવણું થઈ ગયું
અમરેલી, તા.31
ખાંભામાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેફામ ભ્રષ્‍ટાચાર થયાના આક્ષેપ સાથે આરટીઆઈ એકટીવીસ્‍ટ બાંટાવાળાએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ખાંભા તાલુકા મથકે સ્‍વચ્‍છ ભારત સ્‍વસ્‍થ ભારતના નારાને સફળ બનાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવીને ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવામાં આવેલ છે. જે ભૂગર્ભ ગટર યોજનાનું ભૂગર્ભમાં જ બાળ મરણ થયું હોય તેમ ભૂગર્ભ ગટર યોજનાની કુંડીઓમાં હલકી ગુણવતાની ઘડાપાક કાચી ઈંટો વાપરવાથી અને નિયમ મુજબના પાઈપના બદલે હલકી ગુણવતાના પાઈપ વાપરી કરાયેલા કામ ઉપર બનાવેલ કુંડીઓના ઢાંકણા હલ્‍કી ગુણવતાના હોવાથી છાશવારે ભાંગી જવાના કારણે ગંદા પાણી રોડ ઉપર વહેતા થતા હોવાથી ફેલાતી ગંદકીના કારણે માખી, મચ્‍છર, જીવાતનો ઉપદ્રવ વધવાથી જે તે વિસ્‍તારમાં રોગચાળો વ્‍યાપક પણે ફેલાવા પામે છે.
વધુમાં જણાવેલ છે કે, માર્ગ મકાન પંચાયતના કાર્યપાલક ઈજનેર, ના.કા. ઈજનેર, એસ.ઓ. અને કોન્‍ટ્રાકટરની મિલીભગતથી વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર આચરી બનાવેલ ભૂગર્ભ ગટરની સફાઈમાટે અતિ જરૂરી એવું જેટીંગ મશીન ફાળવવાને ત્રણેક માસ જેવો સમય વિતી ગયો હોવા છતાં ખાંભા ગ્રામ પંચાયતને જેટીંગ મશીન મળેલ ન હોવાથી સફાઈની સમસ્‍યા કાયમી રહે છે. ખાંભા ગ્રામ પંચાયતને અધૂરા કામે સોંપેલ ભૂગર્ભ ગટરની સેફટી ટેન્‍કો અનેક સ્‍થળે ઉભી ફાટી જવાથી ગંદકી સાથેનું ગંદુ પાણી જાહેર રોડ, શેરી, ગલીઓમાં વહેતું હોવાથી ભયંકર બદબુના કારણે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ભૂગર્ભ યોજના માટે અત્‍યંત જરૂરી એવું પંપીંગ સ્‍ટેશન ચાલુ કર્યા વગર ભૂગર્ભ ગટર યોજના જવાબદાર માર્ગ મકાન પંચાયત અમરેલીના કાર્યપાલકે ખાંભા ગ્રામ પંચાયતને અધૂરા કામે સોંપી કોન્‍ટ્રાકટરને ટોટલ બીલ ચૂકવી દીધેલ હોવાથી પાંચ વર્ષ સુધીની મેન્‍ટેનન્‍સની કોન્‍ટ્રાકટરની જવાબદારી હોવા છતાં કોન્‍ટ્રાકટર દ્વારા મેન્‍ટેનન્‍સ કરવામાં આવતું નથી. ખાંભાની ભૂગર્ભ ગટર યોજનાની ફીલ્‍ટર પ્‍લાન્‍ટના સર્વે થયાને છ માસ જેવો સમય વીતી ગયો હોવા છતાં ફીલ્‍ટર પ્‍લાન્‍ટના કોઈ ઠેકાણા નથી. ખાંભાની ભૂગર્ભ ગટરના કામમાં વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર આચરાયાની ખાંભા ગ્રા.પં. દ્વારા ભૂગર્ભ ગટર બાબતે જિલ્‍લા વિકાસ અધિકારીને લેખીતમાં જણાવતા ડી.ડી.ઓ. અમરેલીએ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન પંચાયતને ખાંભાની ભૂગર્ભ ગટર બાબતે યોગ્‍ય કરવા સુચના આપેલ હોય તે પણ કા.પા.ઈ.ઘોળીને પી ગયા હોય તેમ તા.ર0/પના રોજ તેઓના મળતીયા એવા કોન્‍ટ્રાકટર સાથે ખાંભા આવી, ખાંભાના સરપંચ કે આગેવાનોને સાથે લીધા વગર માનવ વસાહતથી દૂર પંચાયતની મંજૂરી કે સલાહ સુચન વગર પીપળવા રોડ ઉપર સરકારી ખરાબામાં બનાવેલ ભૂગર્ભ ગટરનું નિરીક્ષણ કરી કુલડીમાં ગોળ ભાંગી નાણાકીય વહીવટ ખાતર કોન્‍ટ્રાકટરની કે અધિકારીઓને મળ્‍યા વગર અમરેલી જતા રહેલ.
વધુમાં જણાવેલ છે કે, ખાંભાની ભૂગર્ભ ગટરના કામમાં થયેલા વ્‍યાપક પણે ભ્રષ્‍ટાચાર અધૂરા કામે ચૂકવાયેલ બીલ, જેટીંગ મશીન, પંપીંગ સ્‍ટેશન બાબતે પંચાયત સચિવ મનીષ મોદી તથા ઉપસચિવ ભરતભાઈ ડામોરને પ્રત્‍યક્ષ પણે રજૂઆત કરવામાં આવેલ. ભૂગર્ભ ગટર યોજનાના કોન્‍ટ્રાકટર ખાંભા ગ્રા.પં.ના સતાધીશોને મૌખિકમાં જણાવેલ કે તમારે જયાં જવું હોય ત્‍યાં જાવ મારે સરકારમાં ઉપર સુધી વગ છે અને મારૂ પેમેન્‍ટ કોઈ અટકાવી શકે તેમ નથી.
ખાંભાની ભૂગર્ભ ગટર યોજનાની ઉપરોકત તમામ મુદાઓ અંગે કડક, કાર્યદક્ષ, પ્રમાણિક અને ફરજનિષ્ઠ એવા ગાંધીનગર સ્‍થિત અધિકારીઓ દ્વારા તપાસ કરાવવા અને તપાસનીશ અધિકારી જયારે તપાસ કરવા આવે ત્‍યારે ખાંભાના સરપંચ તથા તલાટીમંત્રી અને પંચરોજ કામ કરનાર ખાંભાના મામલતદાર તથા ટી.ડી.ઓ.ને સાથે રાખી તપાસ કરાવવા અંતમાં માંગ કરેલછે.