Main Menu

રાજય સરકારે જળસંગ્રહ માટેની યોજનાઓનું અમલીકરણ કરાવી સમૃદ્ધિ માટેની દિશાના દ્વાર ખોલી આપ્‍યા છે

અમરેલી તા.31
આરોગ્‍ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.
આરોગ્‍ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું કે, રાજય સરકાર જળસંચયના કાર્યો માટે સતત ચિંતિત છે. રાજય સરકારે જળસંગ્રહ માટેની યોજનાઓનું અમલીકરણ કરાવી સમૃદ્ધિ માટેની દિશાના દ્વાર ખોલી આપ્‍યા છે. તેમણે કચ્‍છના સૂકા વિસ્‍તારમાં જળસંગ્રહની વાત જણાવી ત્‍યાં  કરવામાં આવતી કેરીની ખેતી અને તેની નિકાસનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત આપ્‍યું હતુ.
મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજય સરકારે તળાવ ઉંડા કરવાની સાથો સાથ તળાવ રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરતા જળસંગ્રહ ક્ષમતામાં ચોક્કસ વધારો થવાનો છે. રાજય સરકારે જળસંગ્રહ માટેનું નક્કર આયોજન કર્યુ અને લોકભાગીદારી – દાતાઓનો સહયોગ સાંપડતો ગયો. આથી જળ અભિયાન જનઅભિયાન બની ગયું. જળસંગ્રહ માટેનું રાજય સરકારનું વિઝન હવે મિશન બનીગયું છે.
મંત્રી કાનાણીએ કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાનમાં શ્રમેવ જયતે સૂત્ર સાકાર થયું છે. જળ અભિયાન અંતર્ગત હાથ ધરેલી પ્રવૃત્તિ ધરતીને હરિયાળી બનાવવા માટેનું માઘ્‍યમ બનશે.
સાસંદ નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યુ છે જે ખેતી અને ખેડૂતોના ફાયદામાં છે. પરંતુ પાણીનો યોગ્‍ય રીતે સંગ્રહ કરવો અને પાણીનો દુરૂપયોગ ન કરવો, પર્યાવરણ તેમજ સ્‍વચ્‍છતા જાળવીને સહભાગી થવું તે સૌ નાગરિકોની ફરજ છે. કાછડીયાએ, વઢેરામાં રૂ.10 લાખના ખર્ચનો એક નવો કૂવો મંજૂર કરવામાં આવ્‍યો હોવાનું જણાવ્‍યું હતુ.
કલેકટર આયુષ ઓકે શાબ્‍દિક સ્‍વાગત કરતા કહ્યું કે, ગુજરાત રાજયના સ્‍થાપના દિનથી શરૂ કરવામાં આવેલા આ જળ અભિયાનને અમરેલી જિલ્‍લામાં દાતાઓના સહયોગથી સારો પ્રતિસાદ મળ્‍યો છે. મનરેગા યોજના અંતર્ગત થયેલી કામગીરીને કારણે નવી રોજગારીનું સર્જન થયું છે. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનમાં શ્રમદાન, આર્થિક સહયોગ અને મશીનરીઓ પૂરી પાડવા સહિત વિવિધ રીતે પોતાનું યોગદાન આપનાર દાતાઓનો આભાર પણ આ તકે વ્‍યક્‍તત કર્યો હતો.
આભારવિધી જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડેએ કરી હતી.
સમાપન કાર્યક્રમમાં મંત્રીએ નર્મદા જળ પૂજન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને નર્મદા કળશ અર્પણકર્યો હતો. માહિતી કચેરી દ્વારા યોજવામાં આવેલ જળ અભિયાન પ્રદર્શન મંત્રી, મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્‍યું હતુ. કાર્યક્રમમાં માહિતી કચેરી દ્વારા નિર્મિત જળસિંચન અંગેની ફિલ્‍મ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે રાજયમંત્રી તથા મહાનુભાવોએ સુજલામ સુફલામ જળ અભિયાનના દાતાઓને શાલ ઓઢાડી સન્‍માનિત કર્યા હતા. મંત્રી કાનાણી અને મહાનુભાવોએ મા અમૃત્તમ યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કર્યુ હતુ.
પ્રગતિશીલ ખેડૂતોએ સુજલામ સુફલામ જળ અભિયાનના પ્રતિભાવો વ્‍યક્‍તત કર્યા હતા. બાળાઓએ વિવિધ સાંસ્‍કૃત્તિક કૃત્તિઓ રજૂ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને મહાનુભાવોનું કઠોળ – ફળની ટોપલીથી સ્‍વાગત કરવામાં આવતા તેમણે તે આંગણવાડીના બાળકો માટે અર્પણ કરેલ.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી સર્વ બાવકુભાઇ ઉંધાડ, વી.વી. વઘાસીયા,  રાજુલા – જાફરાબાદ વિસ્‍તારના ધારાસભ્‍ય અમરિશભાઇ ડેર, માર્કેટ યાર્ડ ચેરમેન સર્વ જીજ્ઞેશભાઇ પટેલ, ચેતનભાઇ શિયાળ, પ્રભારી સચિવ સંદિપકુમાર, પ્રાંત અધિકારી સર્વ ડાભી, સતાણી, ઓઝા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વ મયુરભાઇ હિરપરા, કૌશિકભાઇ વેકરીયા, કમલેશભાઇ કાનાણી, રવુભાઇ ખુમાણ, રિતેષભાઇ સોની, મહેશભાઇ કસવાળા, નારણભાઇ બારૈયા, કાળુભાઇ વિરાણી,વઢેરાના સરપંચ લક્ષ્મીબેન કાનાભાઇ તથા પદાધિકારીઓ, અધિકારી, કર્મચારીઓ અને વઢેરાના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.