Main Menu

અમરેલીમાં સીઆરસીનો ચાર્જ મહિલાઓને સોંપાતા રોષ

પ્રાથમિક શિક્ષક-શિક્ષિકા ગૃપે શિક્ષણમંત્રીને રજુઆત કરી
અમરેલીમાં સીઆરસીનો ચાર્જ મહિલાઓને સોંપાતા રોષ
શિક્ષણ વિભાગનાં અધિકારીએ જોહુકમીથી વધારાનો ચાર્જ સોંપી દીધાનો આક્ષેપ
અમરેલી, તા. ર6
એક તરફ સરકાર મહિલાઓને પ્રોત્‍સાહન આપવા માટે અનેક ક્ષેત્રે કામગીરી કરી રહી છે. મહિલાઓને તમામ પ્રકારની મદદ ઝડપથી મળે અને મહિલાઓ પુરૂષ સાથે ખભેખભા મીલાવીને કામ કરે તેવી ઈચ્‍છા સરકાર સેવી રહી છે. તેવા જ સમયે અમરેલીનાં પ્રાથમિક શિક્ષણ જગતમાં મહિલાઓને અન્‍યાય થઈ રહૃાાની હકીકત પ્રકાશમાં આવી છે.
અમરેલી જિલ્‍લા પ્રાથમિક શિક્ષક-શિક્ષિકા ગૃપ ઘ્‍વારા રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાને પાઠવવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવેલ છે કે, એસ.એસ.એ. (સર્વ શિક્ષા અભિયાન-ગાંધીનગર) અને એસ.એસ.એ. અમરેલી ઘ્‍વારા અમરેલી તાલુકામાં માત્ર મહિલાઓને સીઆરસીનો વધારાનો ચાર્જ તા. 14/ર/18નાં હુકમથી સોંપી મહિલાને હેરાનગતિ કરવામાં આવેલ છે. મહિલાને 10થી વધુ ગામો આપેલા છે.
મહિલાને એક ગામથી બીજે ગામ જવા અગવડતા રહે છે છતાં જોહુકમીથી વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે. સીઆરસી તરીકે ભાઈઓને નજીકના કલસ્‍ટરમાં હોવા છતાં ભાઈઓને આપેલ નથી. નજીકના કલસ્‍ટરના ભાઈઓએ લાગવગથી ચાર્જમાંપોતાનું નામ રદ કરાવી દીધેલ છે.
મહિલાઓને ઈન્‍ચાર્જ- વધારાના સીઆરસી ચાર્જ સોંપી એવી ધમકી આપેલ છે કે, કોઈને કહેશો નહિ તથા વધારાના કલસ્‍ટરનો ચાર્જ રાજીખુશીથી લીધેલ છે તથા સંમતિ છે તેવું લેખિત પહેલા લઈ લીધેલ છે. માટે આ મહિલા હેરાનગતિ બાબતે કોઈ ફરિયાદ કરી શકે નહિ. આ મહિલાએ સીઆરસી ચાર્જ છોડાવવા રજુઆત કરી તો અધિકારી લાંચની રકમ માગે છે. આ બાબત ઘ્‍યાને લઈ મહિલાને વધારાના ચાર્જમાંથી મુકિત મળે તથા મહિલાઓને હેરાનગતિ બંધ થાય તેવું કરશો તેમ અંતમાં જણાવેલ છે.