Main Menu

અમરેલીમાં જેનરીક દવાનો સ્‍ટોર શોભાનાં ગાંઠીયા સમાન

સિવિલ હોસ્‍પિટલનાં પટ્ટાંગણમાં આવેલ સ્‍ટોરમાંદવાનો અભાવ
અમરેલીમાં જેનરીક દવાનો સ્‍ટોર શોભાનાં ગાંઠીયા સમાન
સરકારે મોટા ઉપાડે જાહેરાત તો કરી પણ ગરીબ દર્દીઓનાં ખિસ્‍સા હજુ પણ લૂંટાઈ રહૃાા છે
અમરેલી, તા.16
ભાજપ સરકારે ગરીબ અને મઘ્‍યમવર્ગીય તેમજ દરેક વર્ગના દર્દીઓને રાહતદરે દવા મળી રહે તે માટે રાજયના અનેક શહેરોમાં જેનરીક દવાનો સ્‍ટોર તો શરૂ કરાવ્‍યા પરંતુ, તે સ્‍ટોરમાં દવાનો જથ્‍થો આપવાનું માંડી વાળ્‍યું હોય તેવો માહોલ જોવા   મળી રહયો છે.
અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં સાંસદ નારણભાઈ કાછડીયાના વરદ્‌ હસ્‍તે જેનરીક દવા સ્‍ટોરનો મોટા ઉપાડે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. અને પ્રારંભે મસ મોટી ગુલબાંગો ફેંકવામાં આવી હતી કે ભાજપ સરકારે દર્દીઓના હિતમાં ઠેર-ઠેર સસ્‍તી દવાના સ્‍ટોર કરીને ઐતિહાસિક કાર્ય કર્યું છે. અને ઉપલબ્‍ધ સૌએ સરકારનાં નિર્ણયને તાળીઓથી આવકાર્યો હતો.
પરંતુ, રાત ગઈ બાત ગઈની જેમ પછી ભાજપ સરકારે સસ્‍તી દવા દર્દીઓને મળે છે કે કેમ તે જોવાની તસ્‍દી જ લીધી નથી. આજે તે સ્‍ટોર શોભાનાં ગાંઠીયા સમાન બન્‍યો છે.
ડાયાબીટીસ, બ્‍લડપ્રેશર, કોલેસ્‍ટ્રોલ વિગેરેના દર્દીઓને કાયમી દવા લેવી પડતી હોય છે. જે દવા જેનરીક સ્‍ટોરમાં રૂપિયા 1માં મળે તે દવા ખુલ્‍લા બજારમાં 3 થી 4 ગણા વધારે રૂપિયા આપવાથી મળતી હોય છે. જેનરીકદવાઓનાં ભાવ સસ્‍તા હોવાથી તમામ દર્દીઓને ફાયદો મળી શકે તેમ છે. પરંતુ, ભાજપ સરકાર જનતાને વિકાસ દેખાઈ તેવા ચશ્‍મા પહેરાવીને આનંદ માણી રહી છે.