Main Menu

ખેડૂતોને ચર્તુઃસીમાનો દાખલ મેળવતા ચકકર આવી જાય છે

કાયદાઓ ખેડૂતો માટે છે કે ખેડૂતો કાયદા માટે છે તે સમજાતું નથી
ખેડૂતોને ચર્તુઃસીમાનો દાખલ મેળવતા ચકકર આવી જાય છે
અમરેલી, તા. 10
ખાંભા તાલુકા પંચાયતનાં પ્રમુખ પારૂલબેન બોરીસાગરે મામલતદારને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ખાંભા તાલુકાનાં ખેડૂત ચર્તુઃસીમાનો દાખલો મેળવવા જાય તો ગ્રામ પંચાયતના તલાટી ઘ્‍વારા રેવન્‍યુ તલાટી પાસેથી દાખલો મેળવવો તેવું જણાવવામાં આવે છે. રેવન્‍યુ તલાટી પાસે જાય તો ગામનાં ત્રણ વ્‍યકિતને સાક્ષી તરીકે લેતા આવો તેવું જણાવવામાં આવે છે. પરિણામે અરજદારે ત્રણ વ્‍યકિત અને પોતે ચાર વ્‍યકિત સાથે ખાંભા આવવું પડે છે. ખાંભાના અંદરનાં ગામડાઓમાં વાહનની સુવિધા ન હોય તેમને લીધે મુશ્‍કેલી થાય છે. ચાર વ્‍યકિતઓ તેના ધંધાએ જઈ શકતા નથી. એક કિસ્‍સામાં તો એવી ફરિયાદ આવેલ છે કે 3 સાક્ષીઓ એક વ્‍યકિતનાં 300 રૂપિયાનાં હિસાબે દાડી આપો તો આવીએ તેવું પણ ખેડૂતોને જણાવવામાં આવે છે. હાલમાં પાક ધિરાણની સીઝન ચાલતી હોયખેડૂતોને ખૂબ જ મુશ્‍કેલી ઉભી થાય છે અને દાખલો આપવા સમયે તલાટી મંત્રી 8 દિવસ રાહ જુએ તેવો પ્રત્‍યુતર આપે છે. તેથી તાત્‍કાલીક ધોરણે ખેડૂતોને પડતી મુશ્‍કેલી દુર કરવી જરૂરી છે અને આમ છતાં પણ કોઈ યોગ્‍ય નિર્ણય નહીં કરવામાં આવે તો ખેડૂત ઘ્‍વારા દિન-7 પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વધુમાં જણાવેલ છે કે, હાલમાં રેવન્‍યુ તલાટી અને ગ્રામ્‍ય તલાટી વચ્‍ચે ખેડૂતો અને અરજદારો હાલાકી ભોગવે છે. તેથી કયાં તલાટીને કઈ કાર્યવાહી કરવી તેનું હોદાની રૂએ કામગીરીની વહેંચણી કરી ખેડૂતો અને અરજદારોના ઘ્‍યાને કામની કાર્યવાહી કરવા કોની પાસે જવું તેની સમજ માટેનું બોર્ડ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં મુકવા અંતમાં માંગ કરેલ છે.