Main Menu

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની રીતિ-નીતિ ઉપર આકરા પ્રહારો કરતા ધારાસભ્‍ય ઠુંમર

અમરેલી, તા.30
એ.આઈ.સી.સી. દ્વારા દિલ્‍હી ખાતે રામલીલી મેદાનમાં આયોજીત જનાઅક્રોશ રેલીમાં ભાગ લઈ અમરેલી પરત ફરેલા ગુજરાત પ્રદેશ કિશાન – ખેત મજદુર કોંગ્રેસનાં પ્રમુખ ,પુર્વ સાંસદ અને લાઠીનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની રીતિ-નીતિ ઉપર આકરા પ્રહારો કરતા આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેનાં ચાર વર્ષનાં શાસન દરમિયાન ઘરઆંગણા (દેશ)ની અનેક સમસ્‍યાઓ પૈકીની એકપણ સમસ્‍યાનો સુખદ ઉકેલ લાવી શક્‍યા નથી. ઉલ્‍ટાનું તેનાં શાસનમાં સમસ્‍યાઓમાં વધારો થયો છે. તેમાં શંકાને લગીરેય સ્‍થાન નથી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કાશ્‍મીરસમસ્‍યાનો દ્રિપક્ષીય શાંતિ મંત્રણા (વાતચીત) દ્વારા ઉકેલ લાવવાના બદલે કાશ્‍મીર સમસ્‍યાને કોમવાદી રંગે રંગીને એટલી હદે ગુંચવી નાંખી છે કે નજીકનાં ભવિષ્‍યમાં અથવા તો મોદીજીનાં શાસનમાં કાશ્‍મીર સમસ્‍યાનો ઉકેલ આવશે તેવી કોઈ શક્‍યતાઓ દેખાતી નથી. ત્‍યારે મને કહેવાનું મન થાય છે કે ઘરઆંગણા (દેશ)ની સમસ્‍યાઓ સમજવામાં અને તેને હલ કરવામાં સંપુર્ણ પણે નિષ્‍ફળ નિવડેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કોઈપણ જાતનાં કામકાજ (એજન્‍ડા) વિના ચીનનાં પ્રવાસે જઈ, ચીનનાં પ્રમુખ શી જિનપિંગ સાથેની અનૌપચારીક વાતચીતમાં પોતે જાતે વિશ્વનાં મહાન નેતા હોય તેમ પોતે વિશ્વની 40 ટકા વસ્‍તીની સમસ્‍યા ઉકેલવાની વાતો કરે છે. ત્‍યારે દેશ ને દુનિયાનાં જાણકાર લોકોને હસવું આવે છે. પોતાની ઘરઆંગણા (દેશ)ની સમસ્‍યાઓનો ઉકેલ લાવી ન શકનાર વ્‍યકિત કયાં મોંઢે વિશ્વની 40 ટકા વસ્‍તીની  સમસ્‍યા ઉકેલવાની હાસ્‍યાસ્‍પદ વાતો કરે છે.
ઠુંમરે વધુમાં જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ચીનનાં પ્રમુખ શી જિનપિંગ સાથેની અનૌપચારીક વાતચીતમાં વિશ્વમાં શાંતિ અને સ્‍થિરતાની વાતો કરે છે અને ઘરઆંગણે કોમ-કોમ વચ્‍ચે ધિકકાર – ધ્રુણા અને નફરત ફેલાવી હિંસા દ્વારા ક્રિશ્ચયન અને મુસ્‍લિમ લઘુમતીઓને ડરાવવા- ધમકાવાની રાજનીતિ કરે છે તે બંધ થવી જોઈએ અને તો જ દુનિયાનાંકોઈપણ ખુણે જઈને વિશ્વમાં શાંતિ અને સ્‍થિરતાની વાતો કરવી યોગ્‍ય દેખાશે નહીં તો કુંડુ કાથરોટને હસે છે એવો ઘાટ ઘડાશે.
ઠુંમરે વધુમાં જણાવ્‍યું કે, ચીનનાં પ્રમુખ શી જિનપિંગ સાથે કોઈપણ પ્રકારની ફળશ્રુતિ વગરની વાતચીતમાં આતંકી અઝહર મસૂદથી માંડીને, જેનાં ઉપર દેશ અને દુનિયાનાં લોકોની નજર મંડાયેલી હતી તે વન બેલ્‍ટ, વન રોડ પ્રોજેકટ અને દોકલામ સહિતનાં મહત્‍વનાં મુદ્‌ાઓ ઉઠાવવાને બદલે એક હરફ પણ નહીં ઉચ્‍ચારી સંપુર્ણ મૌન સેવ્‍યું તે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સૌથી મોટી નિષ્‍ફળતા દર્શાવે છે.
ઠુંમરે અંતમાં જણાવ્‍યું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનાં કાર્યકાળને હજુ એક વર્ષ બાકી છે ત્‍યારે હું તેમને આ નિવેદનના માઘ્‍યમ દ્વારા જણાવવા માંગુ છુ કે વિશ્વની સમસ્‍યાઓ ઉકેલવા માટે વિશ્વની જે છ મહાસત્તાઓ છે તે રાત – દિવસ સતત ચિંતન અને મનન સાથે અથાક પ્રયત્‍નો કરે છે પરંતુ તમે દેશની 1રપ કરોડ જનતાને મોટા મોટા સપનાઓ દેખાડીને સત્તામાં આવ્‍યા પછી એકેય સપનું સાકાર કરી બતાવ્‍યું નથી એટલું જ નહી આપનાં શાસનમાં દેશમાં બેરોજગારીની સમસ્‍યા એટલી બધી વકરી ચુકી છે કે રોજગારથી વંચિત દેશનાં કરોડો યુવાનોનાં મનમાં એક પ્રકારની ચિંતા ઘર કરી રહી છે. તેમનાં ચેહરા ઉપર નિરાશા છવાયેલી છે. તેનો ઉકેલ લાવવાની સક્ષમતાપુરવાર કરવા હજુ આપની પાસે એક વર્ષનો સમય બચ્‍યો છે. મહિલાઓ અને દલિતો તથા  લઘુમતીઓ ઉપર થતાં અત્‍યાચારોમાં વધારો થયો છે તેની સામે સખ્‍ત હાથે કામ લેવાની જરૂર છે, ખેડુતોની સ્‍થિતિ અંત્‍યંત દયનીય બની છે ત્‍યારે ઉદ્યોગજગતનાં મુઠ્ઠીભર માધાંતાઓની લોનો માફ કરવાના બદલે જગતના તાત સમાન ખેડુતોના દેવા નાબુદ કરવાની જરૂર છે. ભાજપનાં ધારાસભ્‍યો સતાનાં નશામાં બેફામ બનીને મહિલાઓની છેડતી કરે છે તેમને પક્ષીય રાજકારણથી પર રહીને જેલનાં સળીયા પાછળ ધકેલવાનો સમય પાકી ગયો છે, મોંઘવારીએ માઝા મુકી છે, પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાનને આંબી રહયા છે, દરેક વર્ગોમાં માનસિક તનાવ વઘ્‍યો છે. ત્‍યારે ઘરઆંગણા (દેશ)ની સમસ્‍યાઓ ઉપર ઘ્‍યાન આપવાના બદલે વૈશ્વિક સમસ્‍યાઓ ઉકેલવાની હાસ્‍યાસ્‍પદ વાતો કરી લોકોનું ઘ્‍યાન બીજે દોરવાનાં પ્રયાસો કરે છે. પણ દેશ અને દુનિયાના લોકો આપને ઓળખી ચુકયા છે એટલે હવે કોઈને ઝાઝો સમય મુર્ખ બનાવી શકાય તેમ નથી તે વડાપ્રધાને સમજી લેવાની જરૂર છે.