Main Menu

ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવવા કોઈ પોલીસકર્મી તૈયાર નથી : ક્રાઈમ બ્રાન્‍ચમાં જવા માટેની સૂચનાનું બોર્ડ લગાવવામાં આવ્‍યું

જયાં એક સમયે ફરજ બજાવવા પડાપડી થતી હતી તેવી
ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવવા કોઈ પોલીસકર્મી તૈયાર નથી
પોલીસ સ્‍ટેશનમાં ક્રાઈમ બ્રાન્‍ચમાં જવા માટેની સૂચનાનું બોર્ડ લગાવવામાં આવ્‍યું
અમરેલી, તા. 30
અમરેલી જિલ્‍લાનાં પોલીસ વિભાગની અતિ મહત્‍વની અને સંવદનશીલ ગણાતી ક્રાઈમ બ્રાન્‍ચમાં આજે ફરજ બજાવવા માટે કોઈ પોલીસકર્મી તૈયાર નથી અને ક્રાઈમ બ્રાન્‍ચમાં જેને પણ જવું હોય તેને સંપર્ક કરવા માટે અમરેલી પોલીસ સ્‍ટેશનમાં જાહેર બોર્ડ લગાવવામાં આવ્‍યું છે.
14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્‍ટાઈન-ડેનાં દિવસે ક્રાઈમ બ્રાન્‍ચનાં પી.આઈ. અને 9 પોલીસકર્મીઓએ એસ.પી.નાં આદેશથી કરોડો રૂપિયાનાં તોડ કરવાનાં મલિન ઈરાદાથી સુરતનાં બિલ્‍ડરનું અપહરણ કરીને ઢોર માર મારીને રૂપિયા 1ર કરોડનાં બીટકોઈન પડાવી લીધાની ઘટના બાદ સી.આઈ.ડી. ક્રાઈમે આ બનાવની ગંભીરતા સમજીને ક્રાઈમ બ્રાન્‍ચનાં પી.આઈ. અને 9 પોલીસકર્મી વિરૂઘ્‍ધ ગુન્‍હો દાખલ કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો પોલીસ બેડામાં પડયા છે.
હાલ ક્રાઈમ બ્રાન્‍ચનાંપી.આઈ. અને ર પોલીસકર્મીને સસ્‍પેન્‍ડ કરી દેવાયા છે. અને 7 પોલીસકર્મી નાશતા ફરી રહૃાા હોય તેમજ ક્રાઈમ બ્રાન્‍ચનાં બાકીનાં પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હોય ક્રાઈમ બ્રાન્‍ચમાં પોલીસકર્મીઓની જગ્‍યાઓ ખાલી જોવા મળી રહી છે.
મલાઈદાર ગણાતી ક્રાઈમ બ્રાન્‍ચમાં એક સમયે ફરજ બજાવવી અને અધિકારી અને પોલીસકર્મી માટે ગૌરવની બાબત હતી તે જ બ્રાન્‍ચમાં આજે ફરજ બજાવવા માટે કોઈ તૈયાર થતુ નથીઅને તેની જાહેરાત બનાવવી પડે તેવા દિવસો આવી ગયા છે.
જો કે નિષ્ઠાવાન પોલીસકર્મીઓ કે અધિકારી માટે ક્રાઈમ બ્રાન્‍ચનાં માઘ્‍યમથી જનહિતનાં કાર્યો કરવાની ઉમદા તક હોય છે. ત્‍યારે, નિષ્ઠાવાન કર્મીઓએ પગારને જ મહત્‍વ આપીને આ બ્રાન્‍ચમાં જવામાં મુશ્‍કેલીનો સામનો નહી કરવો પડે તે પણ હકીકત છે.