Main Menu

કંકુ છાંટી કંકોત્રી લખજો રે… ગોપાલભાઈ વસ્‍તરપરાને આંગણે રપ3 દીકરીઓનાં માંડવા

કંકુ છાંટી કંકોત્રી લખજો રે… ગોપાલભાઈ વસ્‍તરપરાને આંગણે રપ3 દીકરીઓનાં માંડવા
ગોપાલભાઈ વસ્‍તરપરા પરિવારને આંગણે લ્‍યો આવી ગયો પરિણય પર્વનોરૂડો અવસર. ચમારડી વાસી ગોપાલભાઈ વરસો વરસ સમૂહલગ્નનાં આયોજન દ્વારા કંઈ કેટલીય કોડભરી કન્‍યાઓનાં આશિર્વાદ મેળવતા રહયા છે. પોતાની દીકરીની જેમ જ આ બધી દીકરીઓને રંગેચંગે પરણાવે છે. દીકરીને આપવામાં આવતો બધો જ કરિયાવર પણ આપે છે. તેનો લગ્ન મંડપ પણ કંઈ સામાન્‍ય હોતો નથી.
આજે ચમારડીમાં આ રપ3 દીકરીઓને કંકોત્રીને કરિયાવર આપી દેવામાં આવશે. જરૂરિયાતમંદ ઘરની દીકરીઓ આ બધુ મેળવી કેટલા અંતરના આશિર્વાદ આપશે ? માણસે પોતાના જીવન જરૂરી અર્થોપાર્જન કરીને પછી જો કાંઈ મેળવવાનું હોય તો એ આ છે. કોઈનાં અંતરનાં આશિર્વાદ. બીજા ભવ સુધી જો કાંઈ સાથે આવવાનું હોય તો એ આ છે. નિઃસ્‍વાર્થ સત્‍કર્મ. માણસનો આ ભવ તો સુધારે જ છે પણ આવતો ભવ પણ સુધારે છે. કોઈનાં આશિર્વાદ માણસનું મોત સુધારે છે. આવા કાર્યો કરનારને સમાજ તરફથી આદર-સત્‍કાર મળે છે.
આ છઠ્ઠા સમૂહલગ્નમાં નવદંપતિને આશિર્વાદ આપવા પૂજય મોરારિબાપુ પણ પધારવાના છે. એ સિવાય સન્‍માનનીય એવા અનેક સાધુ-સંતો ઉપરાંત ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી પણ પધારી શોભામાં અભિવૃઘ્‍ધિ કરવાના છે. સાથો સાથ અસંખ્‍ય નેતાઓ પણ દીકરીઓનાં માંડવે પધારી આ પર્વમાં સહભાગી બનવાના છે. ઉપરાંત અમરેલી જિલ્‍લાનાં તેમજ દૂરથી આવેલાદરેક સમાજના અગ્રણીઓ પધારી આ પરિણય પર્વને મોંઘામૂલુ બનાવવાના છે.
આ સમૂહલગ્નમાં એક બાજુ વિવાહ થતા હશે તો એક બાજુ નિકાહ પઢાતા હશે. રપ માર્ચના રોજ આ અનન્‍ય નજારો જોવા આપ સૌને પણ ભાવભર્યું આમંત્રણ છે. આવી રીતે ગોપાલભાઈએ જ્ઞાતિઓ-જાતિઓ અને ધર્મોનો સુભગ સમન્‍વય સાઘ્‍યો છે. આમ દીકરીઓને આટલા પ્રેમથી પરણાવનાર આ કાર્યને સેવાયજ્ઞ સમજનાર વસ્‍તરપરા માને છે કે,
દીકરી એટલે કાળજાનો કટકો,
દીકરી એટલે વ્‍હાલનો દરિયો,
દીકરી એટલે બાપનું હૈયું,
દીકરી એટલે પ્રેમનું પારણું,
દીકરી એટલે ઉછળતો ઉલ્‍લાસ,
દીકરી એટલે કોયલનો ટહુકાર.
જોજો હોં, જે ઘરમાં દીકરી હોય તે ઘર કલરવથી ગુંજતું હોય અને જે ઘરમાં દીકરી ન હોય ત્‍યાં સૂનકાર હોય.
ગોપાલભાઈનું માનવું છે કે, દીકરી એક પારેવું છે. કાલે સવારે પારકાને પોતાના કરવા ઉડી જશે. માટે જગતનાં બધા જ બાપને મારી બે હાથ જોડીને વિનંતી છે દીકરીને ખૂબ પ્રેમથી રાખજો, ઈશ્‍વરે આપણે બધાને મોટામાં મોટુ દાન કરવાનો મોકો આપ્‍યો, તે છે કન્‍યા દાન માટે તેને ખૂબ પ્રેમ કરજો. કોણ કહે છે.. દીકરી છે સાપનો ભારો, અરે અમે તો કહીએ છીએ.. તુલસીનો કયારો.