Main Menu

ધારીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં યુવકનાં મૃત્‍યુથી હોબાળો

પરિવારજનોએ તબીબની બેદરકારીથી મૃત્‍યુ થયાનો કર્યો આક્ષેપ
ધારીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં યુવકનાં મૃત્‍યુથી હોબાળો
પૂર્વ ધારાસભ્‍ય ભુવા, કોકીલાબેન કાકડીયા સહિતનાં આગેવાનો પણ દોડી ગયા
ધારી, તા. 1ર
ધારીનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં રર વર્ષનાં યુવકનું હાર્ટએટેકથી થયેલ મોત બાદ પરિવારજનોએ હોબાળો કરતાં વાતાવરણ તંગ બન્‍યું હતું અને રાજકીય અગ્રણીઓની મઘ્‍યસ્‍થી બાદ માંડ માંડ મામલો થાળે પડયો હતો.
ધારીનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ડોકટરોનો અભાવ છે. ગીરનાં જંગલનાં ગામડાઓ સહિતનાં લોકોમ માટે આશિર્વાદરૂપ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં મુકાયેલ ડોકટરે માનવતા નેવે મુકી હોય તેવા ડોકટરનાં વર્તનથી એક કલાક સુધી પ્રાથમિકઆરોગ્‍ય કેન્‍દ્રમાં આજે ભારે હંગામો થયેલ હતો. આજે ધારીનાં શીવનગરમાં રહેતા કૌશીક કાંતિ લીંબાસીયા (ઉ.વ. ર1)ને હાર્ટએટેક આવતા તાત્‍કાલીક ધારીનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર ખસેડવામાં આવેલ હતો. ત્‍યારે ફરજ પરનાં ડોકટર વિજય ગળસરે આવેલ દર્દીને જોવાને બદલે દર્દીનાં પરિવારજનો સાથે અભદ્ર વર્તન કરતાં પરિવારજનોએ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર હોબાળો મચાવ્‍યો હતો. આથી ધારીના ધારાસભ્‍ય જે.વી. કાકડીયાના ધર્મ પત્‍ની કોકીલાબેન કાકડીયા તેમજ પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર પહોંચી ગયેલા હતા. રર વર્ષનો યુવાન હાર્ટએટેકથી મૃત્‍યુ પામેલ હોવા છતાં ડોકટરે માનવતા વિહોણું કૃત્‍ય કરતાં લોકોનાં ટોળા હોસ્‍પિટલે વળ્‍યા હતા અને તુરંત પોલીસ પણ પ્રાથમિક આરોગ્‍ય કન્‍દ્ર ખાતે દોડી આવી હતી. ડોકટરનાં અમાનવીય વ્‍યવહારથી મૃતકના પરિવારજનોને રાજકીય મહાનુભાવોએ સમજાવીને પી.એમ. કરાવ્‍યું હતું અને ડોકટર સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપતા માંડ મામલો શાંત થયો હતો. આ અંગે મોડી રાત સુધી પોલીસ ફરિયાદની કાર્યવાહી થઈ ન હોવાનું જાણવા મળી રહૃાું છે.